<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મૂર્તિપૂજક જૈન સંઘોમાં ૧૧ કર્તવ્‍યોનું વર્ણન

પર્યુષણ પર્વના બીજા દિવસે જૈન સમાજ ભકિતમાં લીનઃ તપશ્‍ચર્યાઓની હારમાળ

પર્યુષણ પર્વના બીજા દિવસે દેરાસર-ઉપાશ્રયોમાં જૈનો દ્વારા ધર્મ આરાધના પુર બહારમાં કરવામાં આવી રહી છે. શહેરના જાગનાથ સ્‍થિત મહાવિર સ્‍વામી જિનાલયને અદ્‌ભુત શણગાર કરવામાં આવેલ. પ્રભુજીને ભવ્‍ય આંગી રચાઇ હતી. શ્રાવક-શ્રાવીકાઓ પ્રભુજીની પુજા-દર્શનનો લાભ લેતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ,તા. ૨૧: આજે જૈનોના પર્યુષણનો બીજો દિવસ છે. સૌરાષ્‍ટ્રના તમામ ઉપાશ્રયોમાં પૂ.ગુરૂભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ઠેર-ઠેર તપ, ત્‍યાગ અને ધર્મ આરાધનાઓ શરૂ થઇ ચૂકી છે.

મૂર્તિપૂજક જૈન સંઘોમાં આજે પૂ.ગુરૂભગવંતોએ ૧૧ કર્તવ્‍યનું વર્ણન કરેલ. આ કર્તવ્‍યોમાં સંઘપુજન, સાધાર્મિક ભકિત, યાત્રાત્રિક, સ્‍નાત્ર મહોત્‍સવ, દેવદ્રવ્‍યની વૃધ્‍ધી, મહાપુજા, રાત્રી જાગરણ, શ્રુત પુજા, ઉદ્યાપન, તીર્થ પ્રભાવના તથા આલોચના વિશે વર્ણન કરાયેલ.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દેરાસરો તથા ઉપાશ્રયોમાં પર્યુષણના પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્‍ઠાનો વગેરેનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્‍યુ છે. જિનાલયોને રોશની અને ફુલોથી શણગાર રચવામાં આવ્‍યા છે. પ્રભુજીને મનમોહક અંગરચના કરાવામાં આવી છે. ભાવિકો પૂ.ગુરૂભગવંતોના દર્શન-વાણીનો અમૂલ્‍ય લાભ લઇ રહ્યા છે.

સાથોસાથ પૂ.ગુરૂભગવંતોના શ્રીમુખેથી વ્‍યાખ્‍યાનનો લાભ શ્રાવક-શ્રાવિકોઓ નિત્‍યક્રમે લ્‍યે છે. જિનાલયોમાં ભકિસંગીત સાથે જૈનો જિન ભકિતમાં લીન બન્‍યા છે. આત્‍મશુધ્‍ધીના આ પવિત્ર પર્વમાં સમગ્ર જૈનોમાં ધમોલ્લાસ છવાયો છે. નાની-મોટી તપર્ヘયા દ્વારા જૈનો ધર્મ આરાધનામાં લીન બન્‍યા છે.

આવતીકાલે પૂ. ગુરૂભગવંતો દૈનિક ૬ કર્તવ્‍યોનું વર્ણન કરશે. શ્રાવકે પોતાના દૈનિક જીવનમાં આ ૬ કર્તવ્‍યો જરૂર અનુસરવા જોઇએ. જેમાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્‍વાધ્‍યાય, સંયમ, તપ અને દાન છે. સાથે જ વ્‍યાખ્‍યાનમાં જૈનોના અતિપવિત્ર ગ્રંથ કલ્‍પસૂત્રને ઘર લઇ જવા અને વહોરાવવા તથા પુજા વગેરેના ચઢાવા બોલાશે.

ત્‍યારબાદ લાભાર્થી પરિવાર વાજતે-ગાજતે ઘરે લઇ જઇ સુશોભીત કરાયેલ જગ્‍યાએ પવિત્ર કલ્‍પસુત્ર ગ્રંથને પધરાવશે. રાત્રિ જાગરણ કરી પ્રભુ ભકિતમાં લીન બનશે. પર્યુષણ પર્વના ચોથા દિવસે શનિવારે લાભાર્થી પરિવાર તથા શ્રી સંઘ ધર્મોલ્લાસ સાથે પવિત્ર કલ્‍પસુત્ર ગ્રંથને દેરાસર ખાતે પૂ. ગુરૂભગવંતને અર્પણ કરશે. ત્‍યારબાદ પુજાવિધી કરાશે. અને પૂ.શ્રી દ્વારા કલ્‍પસૂત્રનું વાંચન શરૂ કરાશે.

અગિયાર કર્તવ્‍યોમાંથી દસ કર્તવ્‍યો ધનની મમતા ખંખેરવા માટે છે. જ્‍યારે વિષય અને કષાયથી કાળા મહોતા જેવા બનેલા આત્‍માનો મેલ આલોચનાથી ધોવાય છે. આજે માંગલિક પ્રતિક્રમણ કરવામાં આવશે.

જ્‍યારે સ્‍થાનકવાસી જૈન સંઘોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણીનો ભવ્‍ય માહોલ જોવા મળી રહ્યો છે. ઉપાશ્રયોમાં ભકતામર સ્‍તોત્રના પાઠ, પૂ.સંત-સતીજીઓના વ્‍યાખ્‍યાન, બપોરે ધાર્મિક ગેઇમ્‍સ તથા સાંજે પ્રતિક્રમણ યોજાયા છે. (૨૨.૨)

 

(2:21 PM IST)