<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલઃ ઝાપટા

મેઘરાજા દે ધનાધનવાળી ક્‍યારે કરશે?

રાજકોટઃ સમગ્ર રાજ્‍યભરમાં મેઘરાજા મહાલ્‍યા છે. સટાસટી બોલાવી રહ્યા છે. નદી, નાળા છલકાઈ ગયા છે. અમુક સ્‍થળોએ તો ૧૦ થી ૧૨ ઈંચ વરસી ગયો છે. ચોમેર પાણી-પાણી જોવા મળે છે. ત્‍યારે રાજકોટ શહેરમાં મેઘો મન મુકીને માંડતો નથી. હળવા-ભારે ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે સવારથી બપોર સુધી વરસાદનો દોર જોવા મળ્‍યો હતો. થોડીવારમાં રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા. બપોર સુધી વરસાદનો રાઉન્‍ડ જોવા મળ્‍યો હતો. દર વખતની જેમ હવામાન ખાતામાં અને રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના ત્રણેય ઝોનમાં અલગ-અલગ આંકડાઓ નોંધાયા હતા. હવામાન ખાતામાં ૪૨ મી.મી પાણી નોંધાયું હતું.

ગઈકાલે બપોર સુધી વરસાદ વરસી ગયા બાદ અચાનક સૂર્યદેવતાએ દર્શન દીધા હતા. સાંજના કે રાત્રીના સમયે વરસાદ પડયો ન હતો.

દરમિયાન આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ બાદ તડકો નિકળ્‍યો હતો. બાદ ફરી વાદળો છવાઈ ગયા હતા. સવારથી હળવા ઝાપટાનો દોર ચાલુ હતો.

(11:23 AM IST)