News of Thursday, 21st August 2025
નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલાના ત્રાસથી સોશિયલ મિડીયા ઇન્ફલુઍન્સર ઝન્નત મીર (સમા)ઍ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ જંકશન પ્લોટ હંસરાજનગરમાં માતા સાથે રહેતી ઝન્નત ચાર મહિના પહેલા માનેલા ભાઇ મારફત ગુજસીટોકના આરોપી ઇમ્તિયાઝના સંર્પકમાં આવતાં પ્રેમ થયો હતોઃ પણ બે મહિનામાં જ તે ત્રાસી જતાં તેને છોડી દીધોઃ ધરાર સંબંધ રાખવા સતત ધમકાવતો હોવાનો આરોપ ફિનાઇલ પી લેતાં સારવાર લેવી પડીઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ઇમ્તિયાઝની શોધખોળ હાથ ધરીઃ સ્યુસાઇડ નોટ, વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો એની સાથે પ્રેમમાં પડી એ મારી મોટી ભુલ, મારા કારણે હવે તે ઘરે આવી તને પણ ગાળો આપે છેઃ ઇમ્તિયાઝે અગાઉ મને રોડ પર મારી હતી, સતત ધમકીઓ આપે છેઃ મા મને માફ કરી દેજે

રાજકોટ તા. ૨૧: શહેરમાં જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતી સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર યુવતિને દૂધની ડેરી પાસે રહેતાં અને અગાઉ ગુજસીટોકના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇમ્તિયાઝ ઉર્ફ લાલાએ સતત ધમકી આપી ધરાર સંબંધ રાખવા દબાણ કરતાં તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે જંકશન મેઇન રોડ પર દેવી હોલ પાસે હંસરાજનગર-૨ સાગર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૩માં રહેતી સમાબેન કમરૂભાઇ ભાયાણી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી દૂધની ડેરી વિસ્તારમાં હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર પાસે રહેતાં ગુજસીટોકના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા અને નામચીનની છાપ ધરાવતાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધ્યો છે.
સમાબેન ભાયાણી ઇન્સ્ટાગ્રામ પર ઝન્નત મીરના નામથી રીલ્સ બનાવી પોસ્ટ કરવા માટે જાણીતી છે. સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર તરીકે તે અસંખ્ય ફોલોઅર્સ ધરાવે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા હનીફાબેન અને આઠ વર્ષના દિકરા સાથે રહુ છું. ચારેક મહિના પહેલા દુધની ડેરી ફારૂકી મસ્જીદ પાસે રહેતાં હનન આરીફભાઇ ચાવડા કે જેને મેં ભાઇ માનેલો છે તેના મારફતે ઇમ્તિયાઝ રાઉમા સાથે મારો પરિચય થયો હતો.
આ પછી મારા અને ઇમ્તિયાઝ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બે ત્રણ મહિના પ્રેમસંબંધ ચાલ્યો હતો. ત્યારબાદ ઇમ્યિતાઝ દારૂ પીને મારા ઘરે આવી અવાર-નવાર મારી સાથે માથાકુટ કરતો અને ગાળો દેતો હોઇ જેથી મેં તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીહતી. જેથી ઇમ્તિયાઝ અવાર-નવાર ઘરે આવી મારી સાથે અને મારા મમ્મી સાથે માથાકુટ કરી અમોને હેરાન પરેશાન કરતો હતો. છેલ્લા વિસ દિવસથી ઇમ્તિયાઝ રાઉમા તેના ફોનમાંથી મારા માનીતા ભાઇ હનન ચાવડા અને અહેમદ સુમરાના ફોનમાં ફોન કરી તેઓના ફોન દ્વારા મને કોન્ફરન્સ કોલમાં લઇ વાત કરતો હતો અને કહેતો હતો કે મારી સાથે સંબંધ નહિ રાખ તો જાનથી મારી નાંખીશ. તેમજ ભુંડી ગાળો દેતો હતો.
ત્યારબાદ ૧૮/૮ના રોજ હું મારા ઘરે હતી ત્યારે ફરીથી ઇમ્તિયાઝે મોબાઇલ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ રાખ નહિતર તને અને તારા પરિવારને શાંતિથી જીવવવા નહિ દઉ અને તું જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ એસ. વી. જોરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચિઠ્ઠીમાં લખ્યું-મમ્મી હવે તમારી દિકરી હારી ગઇ છે, એના હાથે મરવા કરતાં હું મારા હાથે મરી જાવ છું!
ઞ્જઝન્નત મીરના નામે ઇન્સ્ટાગ્રામ પર જાણીતી સમાબેન રાઉમાની અનેક રીલ્સ વાયરલ થયેલી છે. ફિનાઇલ પીતા પહેલા તેણીએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે ૫ોતાની મમ્મીને ઉદ્દેશીને લખ્યું છે ક-તારા દિકરા જેવી તારી દિકરી (સમા) જન્નત, સોરી મમ્મી જીવાતુ હતું એટલુ જીવ લીધું, મને માફ કરી દેજો, મારામાં હવે સહન કરવાની તાકાત પુરી થઇ ગઇ છે. તમારી દિકરી હવે હારી ગઇ છે, આ દુનિયામાં છોકરી માટે જીવવું અને રહેવું કામનું નથી. તમારી દિકરી હરએક સમયે લડી લડીને સાવ તૂટી ગઇ. હવે મારા માટે આ પગલુ ભરવા મને આજે મજબુર કરી નાખી છે. આટલા દિવસથી હું એકલી સહન કરતી હતી, તમને ટેન્શન નહોતું આપવા માંગતી. પણ હવે તે આપણા ઘરે આવ્યો, ખેલ કર્યા. મારી ભુલને કારણે તને ગાળો દીધી, ધમકી આપીને ગયો. આ બધી મારી ભુલ હતી. એના ખોટા પ્રેમમાં પડી, હું એના પર વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા બે મહિનાથી હું સહન કરતી હતી. હવે હું હારી ગઇ છું.
મને એમ હતું કે કેસ કરશું તો આપણને ન્યાય મળશે. પરંતુ એ લોકો ગુંડા છે એ મને અત્યારે ફોનમાં ધમકી આપે છે. મને કહે છે કે તું પોલીસ પાસે જા કે સીપી પાસે જા કોઇ મારું શું કરી લેશે. ઓલીને મેં મારી નાખી છે અને તને ય મારી નાંખીશ, તારા છોકરાને ય મારી નાંખીશ. મારે એના હાથે મરવું નથી. એના કરતાં હું મારા હાથે મરી જાવ. હું મરી જાવ તો પ્રિન્સનું તું ધ્યાન રાખજે. ઇમ્તિયાઝ લાલો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી ધમકી આપે છે. આના જેવા હેવાન એવી છોકરીઓને ગોતે જેનું કોઇ ન હોય, એને પ્રમમાં પાડી એનો ઉપયોગ કરી એની સાથે મારકુટ કરી એનની વસ્તુઓ લઇ ભાઇગીરી કરે છે. મારા મર્યા પછી મમ્મી મને ન્યાય અપાવજે. હું જે કંઇ કરુ છું એ ઇમ્તિયાઝ રાઉમા (લાલા)ને કારણે કરુ છું. આ અગાઉ તેણે મારા ઉપર હુમલો કરાવ્યો હતો.
મને અનેકવાર માર માર્યો હતો પણ હું ચુપ રહી હતી. મારો ફોન એ લઇ ગયો છે, મને એકવાર હાઇવે પર મારી હતી. માથે ગાડી આવવા દીધી હતી તો પણ હું ચુપ હતી. કેમ કે એ મને ધમકી આપતો કે હું તારી મમ્મી અને દિકરાને પણ મારી નાંખીશ. મને હેરાન કરવા ટોર્ચર કરવા ઇમ્તિયાઝ અને હાજીએ પ્લાન કરી દગો કર્યો છે. એની અન્ય એક લવર પણ છે, એને તું કઇ કહેતી નહિ તેમ કહીને પણ ઇમ્તિયાઝ ધમકી આપે છે. આ માણસે મને ખુબ દબાવી છે, એના હાથે મરવા કરતાં હું મારી હાથે મરી જાઉ છું. આઇ એમ સોરી મા. તું દુનિયાની બેસ્ટ મા છો, મને માફ કરી દેજે.
એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતો થયો છે. જેમાં ઝન્નત ઉર્ફ સમા કહે છે કે-તોફાની રાધાની જેમ મને પણ મારી નાખવાની ઇમ્તિયાઝ લાલો ધમકી આપે છે! ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટની ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાએ તેના ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ આપઘાતનું હજુ સુધી કોઇ કારણ બહાર આવ્યું નથી. ત્યારે ઝન્નત ઉર્ફ સમાએ વિડીયોમાં જે આક્ષેપો કર્યા છે તેની પોલીસ ઉંડાણપુર્વક તપાસ કરે તો તોફાની રાધાના મોતનું રહસ્ય બહાર આવે તેમ હોવાનું ચર્ચાય છે.

છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધા (રાધીકા ધામેચા)એ આપઘાત કર્યો હતો
‘તને પણ તોફાની રાધાની જેમ મારી નાંખીશ'...ઇમ્તિયાઝે આવી ધમકી દીધાનો ઝન્નત મીરનો ચોંકાવનારો આક્ષેપ
તોફાની રાધાએ આપઘાત શું કામ કર્યો? તેનું કારણ હજુ અકબંધ
રાજકોટ તા. ૨૧: શહેરના રૈયા રોડ પર એકલી રહેતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.૨૬) એટલે કે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી ફેમસ બનેલી યુવતીએ છ મહિના પહેલા ફેબ્રુઆરી મહિનામાં રાત્રિના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરતા પહેલા રાધિકાએ તેના પિતાને ફોન કરી હું જાઉં છું કહ્યું હતું જેથી પિતાને અજુક્તું લાગતા તેઓ તુરંત રાધિકા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચતા રાધિકા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને નીચે ઉતારી હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પરંતુ તબીબો દ્વારા તેને મળત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતાં કાર્યવાહી થઇ હતી. જો કે તોફાની રાધાએ આપઘાત શા માટે કર્યો તેનું કોઇ સ્પષ્ટ કારણ ખુલ્યું નહોતું. તેની હત્યાના આક્ષેપો પણ થયા હતાં. ત્યારે હવે અન્ય સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર ઝન્નત મીરે નામીચા ઇમ્તિયાઝ ઉર્ફ લાલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે અને ઝન્નતે વિડીયોમાં એવુ પણ કહ્યું છે કે તોફાની રાધાને પણ આ શખ્સે મારી હતી. આ આક્ષેપમાં કેટલુ તથ્ય છે? તે અંગે ચર્ચા જાગી છે. આરોપી પકડાયે પોલીસ વિશેષ તપાસ કરે તો વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
(2:38 PM IST)










