<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

શબ્‍દો જ તમને શણગારે, શબ્‍દો જ તમને સળગાવેઃ રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

વચન પ્રતિક્રમણનો કલ્‍યાણ બોધ પ્રસારી ગયાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દ્વિતીય દિવસે પરમ ગુરૂદેવનો બોધ આવતી સવંત્‍સરી સુધી ૧૧૦૦૦ વાર જય જિનેન્‍દ્ર બોલીને સહુએ વચન પુણ્‍યના અધિકારી બનવાની પ્રેરણાને ઝીલી

રાજકોટ, તા.૨૧: ગિરનાર ધરા પર રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે ભક્‍તિભાવ સાથે ઉજવાઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દ્વિતીય દિવસે સૌરાષ્‍ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્‍ટ્ર, પૂર્વ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત આદિ અનેક ક્ષેત્રોથી પધારેલાં હજારો ભાવિકો ઉપરાંત વિદેશના અમેરિકા, લંડન આદિ ૧૦૦થી વધુ દેશોના હજારો ભાવિકો લાઈવના માધ્‍યમે જોડાઈને વચન યોગની દુર્લભતા અને એના યોગ્‍ય ઉપયોગનો કલ્‍યાણ બોધ પામી ધન્‍ય બન્‍યાં હતાં.

આત્‍માનું પરમ હિત કરાવી દેનારા અને આત્‍માનું અનર્થ થતાં બચાવી લેનારા અમળત વચનો ફરમાવતાં પરમ ગુરુદેવે કહ્યું હતું કે, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તે માત્ર રાત્રિ પ્રતિક્રમણ કરવાનું કે માત્ર સવંત્‍સરીના દિવસે આલોચના કરવાનો અવસર નથી, પરંતુ જ્‍યાં જ્‍યાં જે જે પાપ થઈ ગયાં છે એને યાદ કરીને પલ પલ પ્રતિક્રમણ અને પલ પલની આલોચના કરવાનો અવસર હોય છે.

આપણે સહુ દેખાતાં પાપની તો બહુ સહજતાથી આલોચના અને મિચ્‍છામિ દુક્કડં કરી લેતાં હોઈએ પણ કોઈની પીઠ પાછળ ટીકા-નિંદા કરી હોય, વચન યોગનો દુરુપયોગ કર્યો હોય એનું મિચ્‍છામિ દુક્કડં નથી કરતાં.

કોઈની વાણી, કોઈના શબ્‍દો ફટકડી જેવા હોય જે સામેવાળાના દોષો-પાપોને હરી લેનારા હોય પણ કોઈના શબ્‍દો ફટાકડા જેવા હોય જે સામેવાળાને સળગાવી દેનારા હોય છે. કેટલાંકના શબ્‍દો એવા હોય જે બોલે તો પોતાના તો પાપકર્મ બંધાય પણ સામેવાળાના પણ પાપકર્મ  બંધાવે અને કેટલાંકના શબ્‍દો પોતાના પણ પુણ્‍ય બંધ કરાવે અને સામેવાળાના પણ પુણ્‍ય બંધ કરાવે.

કોઈને સળગાવી દેનારા એવા અશુભ વચનોનું આજે પ્રાયヘતિ અને એવી આલોચના કરી લેવી છે કે જ્‍યાં સુધી મોક્ષ ન થાય ત્‍યાં સુધી મને વચનયોગનો કદી વિયોગ ન પડે. પરમાત્‍મા કહે છે, સત્‍ય વચન પણ જો અશુભ હોય, કડવા હોય, અન્‍ય માટે પીડાકારી હોય તો તેવું સત્‍ય પણ બીટર વે થી નહીં પણ બેટર વેથી પ્રગટ કરવું જોઈએ.

વચનયોગને શુદ્ધ કરાવીને ભવોભવ પ્રભુ  સાથે વાત કરાવવાનું રિઝર્વેશન કરાવી દેનારા આવા વચનો સાથે આ અવસરે અશુભ વચન પ્રયોગની આલોચના કરાવતાં અને વચનશુદ્ધિનો સંકલ્‍પ કરાવીને પ્રભુ શરણની પ્રાપ્તિ કરાવી દેનારા અદભૂત પ્રયોગ સાથે આગમ ગ્રંથ પૂજન અને પ્રદક્ષિણા વંદનાની અર્પણતાના ભક્‍તિભીના - અહોભાવભીના દૃશ્‍યો એ ઉપસ્‍થિત સહુને નતમસ્‍તક કરી દીધાં હતાં.

રાત્રિના સમયે આયોજિત પરમ ગુરુદેવના શ્રીમુખેથી વિશિષ્ટ વિષયો પરની રાત્રિ પ્રવચનમાળામાં વિદેશના પારસધામ સેન્‍ટર્સ યુ.એ.ઈ., યુ.એસ.એ., યુ.કે., સિંગાપોર, ઓસ્‍ટ્રેલિયા, મલેશિયા, કેનેડા, સ્‍વીડન, યુગાન્‍ડા, કેન્‍યા, સુદાન અંતર્ગત હજારો ભાવિકો જોડાઈને ન માત્ર કલ્‍યાણનો બોધ પામ્‍યાં હતાં પરંતુ જિજ્ઞાસુ ભાવિકોના મનમાં ઉઠતાં આત્‍મ-ધર્મલક્ષી પ્રશ્‍નોનું સમાધાન પામી સંતોષ પામ્‍યાં હતાં.

પર્વના દરેક દિવસ આયોજિત આવા આત્‍મહિતકારી કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી ભાવિકોને સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી કાશ્‍મિરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર અને પારસધામ ગિરનાર તરફથી આમંત્રિત કરવામાં આવ્‍યાં છે. 

(2:18 PM IST)