<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મયુરસિંહ જાડેજા પર નવી કોર્ટ પાસે અંકલેશ્વરથી આવેલા બનેવી વિરભદ્રસિંહ ઝાલાનો છરીથી હુમલોઃ ખૂનની ધમકી

હું તારા એરીયામાં આવ્‍યો, તારાથી કંઇ ન થાય કહી ગાળો દઇ છરીના ઘા માર્યાઃ હવે પછી અમારા ઝઘડામાં વચ્‍ચે આવીશ તો મારી નાંખીશ તેવી ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો બહેનને મારકુટ કરતાં બનેવીને ફોન કરી ઠપકો આપ્‍યો હોઇ ખાર રાખી હુમલો

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર એફસીઆઇ ગોડાઉન પાછળ રહેતાં યુવાને અંકલેશ્વર રહેતી બહેનને બનેવી મારકુટ કરતાં હોઇ ફોન કરી બનેવીને ઠપકો આપતાં ખા રાખી બનેવીએ રાજકોટ આવી ફોન કરી હું રાજકોટ આવી ગયો છું, મને નવી કોર્ટ પાસે મળ તેમ કહી બોલાવી હવે તારા એરિયામાં છું, તારાથી કંઇ ન થાય કહી ગાળો દઇ છરીથી હુમલો કરી હાથ, મોઢા પર ઘા મારી દેતાં ઇજા થઇ હતી. યુવાન સારવાર માટે દાખલ થતાં પોલીસે બનેવી વિરૂધ્‍ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ એફસીઆઇ ગોડાઉન પાછળ રત્‍નમ્‌ એલીગન્‍સ એ-૨૦૨માં અરિહંતનગરમાં રહેતાં મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી અંકલેશ્વર ખાતે ગેઇટકોલ પાટીયા ડીજીનગર શક્‍તિ કૃપા ખાતે રહેતાં તેના બનેવી વિરભદ્રસિંહ કેશુભા ઝાલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મયુરસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રાજકોટ એપીએમસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું. મારા મોટા બહેન ધર્મિષ્‍ઠાબાના લગ્ન સુરેન્‍દ્રનગરના લટુડા ગામના વિરભદ્રસિંહ ઝાલા સાથે થયા છે. હાલ મારા બહેન-બનેવી અંકલેશ્વર ખાતે રહેછે અને ત્‍યાં કેમીકલનો વેપાર કરે છે. બે મહિના પહેલા મારા મોટા બહેન ધમિર્ષ્‍ઠાબાને મારા બનેવી વિરભદ્રસિંહ ઝાલાએ માર માર્યો હતો. જે વાત મારા બહેને મને કરી હતી. જેથી મેં મારા બનેવીને ફોન કરી ઠપકો આપ્‍યો હતો કે આટલા વર્ષ થયા તમે મારા બહેનને શા માટે દુઃખ ત્રાસ આપો છો? આ સારુ ન લાગે.

આ સાંભળી મારા બનેવી ઉગ્ર થઇ ગયા હતાં અને મારી સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ગત રાતે તેનો ફરીથી મને ફોન આવ્‍યો હતો અને જેમ તેમ બોલચાલી કરી હતી અને કહ્યું હતું કે હવે હું રાજકોટ તારા ઘર પાસે આવ્‍યો છું, તું નવી કોર્ટ પાસે આવી જા. જેથી હું ત્‍યાં ગયો હતો અને નીકળ્‍યો એ પહેલા મારા નાના ભાઇ સુરેન્‍દ્રસિંહ અને મારા સાળા રાજદિપસિંહને ફોન કરી જાણ કરી મારી સાથે આવવા કહ્યું હતું. મારી કાર લઇને હું મારા બનેવી પાસે પહોંચી ગયો હતો. આ વખતે પણ તેણે મને હું તારા એરીયામાં આવી ગયો છું તારાથી કાંઇ ન થાય તેમ કહેતાં મેં તેમને સમજાવેલ કે તમે બનેવી થાવ છો, હું વધારે કંઇ ન કહી શકું. છતાં તેણે ગાળો દીધી હતી. મેં ગાળ દેવાની ના પાડતાં તેણે ઝાપટો મારી દીધી હતી અને ખિસ્‍સામાંથી છરી જેવુ કાઢી મારા પર ઘા કરતાં છાતીમાં અને મોઢા પર હોઠ પાસે ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

આ દરમિયાન મારા સાળા અને ભાઇ આવી જતાં મને વધુ મારથી બચાવ્‍યો હતો અને સારવાર માટે લઇ ગયા હતાં. બનેવી વિરભદ્રસિંહે જતાં જતાં પણ ધમકી આપી હતી કે હવે ક્‍યારેક કોઇપણ જાતની અમારા બંનેની વાતમાં વચ્‍ચે આવ્‍યો છો તો તને જીવતો નહિ રહેવા દઉં. યુનિવર્સિટી પીઆઇ એચ. અને. પટલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:17 PM IST)