News of Thursday, 21st August 2025
મનપા જ શિક્ષણ વધારવા રસહિનઃ નવું બિલ્ડીંગ શિક્ષણાધિકારીને સોંપવા દરખાસ્ત
મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓમાંથી ઘણાના બીલ્ડીંગ જર્જરીતઃ સ્થળાંતર યોગ્ય વિકલ્પઃ સામા કાંઠે વોર્ડ નં.૪માં શાળા શરૂ કરવા તંત્ર પાસે સોનેરી તક!

રાજકોટ, તા. ર૧: મનપા દ્વારા શહેરમાં નિઃશુલ્ક ઉપરાંત પ ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે. ત્યારે વોર્ડ નં. ૪ માં નવી બનાવેલ હાઇસ્કુલ બીલ્ડીંગમાં સરકાર દ્વારા શાળા શરૂ કરવા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા મનપા પાસે ઇમારત સોપવા માંગણી કરાતા મ્યુ. કમિશનર દ્વારા આ અંગે કાલે મળનાર સ્ટેન્ડીંગમાં ઠરાવ મૂકવામાં આવ્યો છે.
ત્યારે મનપા હસ્તકની શાળાઓમાંથી અમુક ઇમારતોની હાલત જર્જરીત છે અને અન્ય જગ્યા ફાળવવા અથવા રિનોવેશન કરવા માટે પણ તંત્રમાં રજૂઆત પડી છે. આમ મનપા પોતાની શાળાના નવા બિલ્ડીંગને જીલ્લા શિક્ષણાધિકારીને સોંપે તેના કરતા હાલ જરૂર હોય તેવી નજીકની શિક્ષણ સમીતી હસ્તકની શાળાનું સ્થળાંતર કરે તે વધુ યોગય રહેશે તેમ મનપાના સૂત્રોમાં પણ ચર્ચા ચાલી રહી છે.
શહેરના વોર્ડ નં. ૪ ના ભગવતી વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ (ધો. ૯-૧૦) માટે મનપા દ્વારા ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ કલાસરૂમ, બે સ્ટાફ રૂમ,૨ એકટીવીટી રૂમ, એક કાઉન્સેલિંગ રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા, પ્રથમ માળે ૧૬ કલાસરૂમ,૩ કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, એક ઇ-લાઇબ્રેરી, એક મિટિંગ હોલ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા વિગેરે સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે.
સરકારશ્રી દ્વારા રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની કુલ-૦૮ નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ(સળંગ એકમ) શરૂ કરવા મહેકમ ઉભું કરવામાં આવેલ છે અને સદરહુ બાબતે રાજકોટ શહેર માટે પણ નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ(સળંગ એકમ) શરૂ કરવાની મંજુરી મળેલ હોવાનું અને મહાનગરપાલિકા, ઇસ્ટઝોન વિસ્તારનાં ભગવતીપરા મેઈન રોડ પર નવનિર્મિત શાળા બિલ્ડીંગમાં આ નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાનાં હેતુ માટે બિલ્ડીંગ આપવા સંદર્ભ-૫ થી જીલ્લા શિક્ષણાધિકારીકી, રાજકોટ દ્વારા માંગણી કરેલ છે.
હાલમાં નવનિર્મિત શાળા બિલ્ડીંગમાં હાલમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં.૧૦૦ ને ગ્રાઉન્ડ ફલોર ઉપરના જમણી બાજુના ૧૧ રૂમ ફાળવવામાં આવેલ છે. ત્યારે બાકીમાં મનપાની કાર્યશાળા અન્ય સ્થળે ગ્રાન્ટેડ શાળાઓ સ્થળ ફેરફારની મંજુરી સાથે બેસાડી શકાય છે. મનપા સંચાલિત પ હાઇસ્કુલો પૈકી ર શાળાઓના બિલ્ડીંગ જર્જરીત છે. ત્યારે આ શાળામાં સ્થળ ફેરફાર ન કરી શકાય તેમ શિક્ષણ વિદોમાં ચર્ચાઇ રહયું છે
(3:40 PM IST)










