તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 21st August 2025
લોકોને સાયકલ ચલાવતા કરવાની મુહીમ આદરનાર રાજકોટ સાયકલ કલબને ૧૦ વર્ષ પૂર્ણ : નવા સભ્યોની નોંધણી ચાલુ
કલબ દ્વારા અત્યાર સુધીમાં સાયક્લો ફન, પેરેન્ટ્સ-કિડ્ઝ સાયકલિંગ, ડ્યુએથલોન, વુમન્સ રાઇડ, કોવિડ અવેરનેસ રાઇડ, બેટી બચાવો માટે રાઇડ, ગણતંત્ર-સ્વાતંત્ર દિવસની રાઇડ ઉપરાંત અનેક સેમીનારો સહીતની પ્રવૃત્તિઓ

રાજકોટ તા. ૨૧ : સાઇકલ મારી સરર જાય.. આવું આપણે નાના હતા ત્યારે સાંભળતા હતા, પરંતુ મોટા થયા બાદ ખબર પડી કે સાઇકલ ચલાવવાથી અનેક ફાયદા થાય છે. સ્કોટલેન્ડથી સાઇકલિંગ પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ કહે છે કે જો તમે દરરોજ સાઇકલ દ્વારા ઓફિસ જાઓ અને તમારાં રોજિંદાં કામ માટે સાઇકલનો ઉપયોગ કરો તો એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત રાજકોટ સાયકલ ક્લબે રોટરી મિડટાઉન લાયબ્રેરી સાથે મળી રાજકોટના લોકો સ્વસ્થ બને તેના માટે મુહિમ ચલાવેલી જે આજે પણ સક્રિય છે. જેમાં અનેક લોકો જોડાયા છે. હવે સાયકલ ક્લબના ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થયેલા નવા વર્ષમાં સાયકલ રસિયાઓ સભ્ય બની શકે છે.
રાજકોટ સાયકલ ક્લબ દ્વારા જણાવાયુ હતું કે, જૂના જમાનામાં સાઇકલ ચલાવવી એ વર્કઆઉટનો એક ભાગ ન હતો, પરંતુ જીવનનો એક ભાગ હતો. હવે સાઇકલ એ પરિવહનનું સાધન નથી એને વર્કઆઉટ ટૂલ કહેવામાં આવે છે. લોકો વધુમાં વધુ સાયકલ ચલાવી સ્વસ્થ બને તે માટે સાયકલ ક્લબ દ્વારા વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં સાયક્લો ફન, પેરેન્ટ્સ-કિડ્ઝ સાયકલિંગ, ડ્યુએથલોન, વુમન્સ રાઇડ, કોવિડ અવેરનેસ રાઇડ, બેટી બચાવો માટે રાઇડ, ગણતંત્ર-સ્વાતંત્ર દિવસની રાઇડ ઉપરાંત સાયકલ મેઇન્ટેનન્સ, સાયકલિંગ હેબીટ, સાયકલિંગનું વૈજ્ઞાનિક જ્ઞાન સહિતના સેમીનારનું આયોજન કરાયું છે.
કામ પર સાયકલ લઇને જવાની પ્રેરણા તથા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાયકલ ચલાવવાની પ્રેરણા રાજકોટ સાયકલ ક્લબે અનેક સાયકલ પ્રેમીઓને આપી છે. આ સિધ્ધિને ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. સાયકલ ક્લબનું નવું વર્ષ શરૂ થયું છે. રાજકોટના અનેક ઉત્સાહિ અને નામાંકિત સાયકલિસ્ટો સાથે સાયકલ ચલાવવાની ઇચ્છા ધરાવનાર તમામ લોકો રાજકોટની સાયકલ ક્લબમાં સભ્ય બની શકે છે અને વિવિધ એક્ટીવિટીનો લાભ લઇ શકે છે. વિશેષ વિગતો માટે અને સાયકલ ક્લબમાં જોડાવા ઇચ્છતા લોકો માટે રાજકોટ સાયકલ કલબ, રોટરી મિડટાઉન લાયબ્રેરી, અમીન માર્ગ રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૭૪૦૫૫ ૧૩૪૬૮ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
(4:04 PM IST)










