News of Friday, 22nd August 2025
રાજકોટ એસટી ડીવીઝનને ૭ નવી એસી પ્રિમીયમ લકઝરી મળીઃ પુરૂષોતમભાઇ - ધારાસભ્યોના હસ્તે ફલેગ ઓફ
રાજકોટથી ભાવનગર ભાડુ રૂા. ૩૦૪ રાજકોટથી ઉના ભાડુ-૫૪૪ તથા રાજકોટ-થી દીવ રૂા.૫૭૯ ફાઇનલ કરાયું

રાજકોટ તા. ૨૨: રાજ્યની પ્રજાને મુસાફરી દરમ્યાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦ એ.સી. પ્રીમિયમ લકઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવામાં આવનાર છે.
જે પૈકી ૦૭ બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે.આજ રોજ સાંસદ શ્રી પુરુષોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા અન્ય મહાનુભાવોના હસ્તે એસ.ટી. બસ પોર્ટ ખાતે સવારે ૧૦ કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું.
રાજકોટ બસ પોર્ટ ખાતેથી શરુ થનાર નવી બસ સેવાઓમાં રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. ૩૦૪ (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ.૫૪૪ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) તેમજ રાજકોટથી દીવનું ભાડું રૂ.૫૭૯ (વાયાઃ વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) રહેશે.
તે જ રીતે આ રૂટ પર રીટર્ન મુસાફરી ઉપલબ્ધ બનશે, તેમ વિભાગીય નિયામક ની યાદીમાં ઉમેરાયું છે.
(11:39 AM IST)










