News of Saturday, 23rd August 2025
જ્યાં ભેગી થા ત્યાં છરી મારી દઇશ...ભુમિકાબેનને પુર્વ પતિ કમળાપુરના મિતેષની પતાવી દેવાની ધમકી
મહિલા દસ વર્ષ પહેલા છુટાછેડા લઇ હાલ બીજા લગ્ન કરીને રૈયાધાર વિર સાવરકર આવાસ ક્વાર્ટરમાં રહે છેઃ પરિણીતાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: રૈયાધાર વિર સાવરકર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પરિણીતાને કમળાપુર રહેતાં તેના પુર્વ પતિએ ફોન કરી જુના ઝઘડાનો ખાર રાખી ગાળો દઇ તેણીને અને તેના પિતા તથા ભાઇને પણ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વિર સાવરકર આવાસ યોજના ક્વાર્ટર એક્ વીંગ-૫૦૩માં રહેતાં ભુમિકાબેન હિમાંશુભાઇ નિમાવત (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી જસદણના કમળાપુરના મિતેષ ભરતભાઇ મેસવાણીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભુમિકાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હું મારા પતિ અને દિકરી સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. બારેક વર્ષ પહેલા મેં ભરત મેસવાણીયા સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ પતિ-પત્નિ વચ્ચે અણબનાવ બનતાં આજથી દસેક વર્ષ પહેલા મેં તેની સાથેથી છુટાછેડા લઇ લીધા હતાં. એ પછી હિમાંશુ નિમાવત સાથે બીજા લગ્ન કર્યા છે. ગત તા.૬/૮ના સવારે અગીયારેક વાગ્યે હું ઘરે હતી ત્યારે મિતેષ મેસવાણીયાએ મને ફોન કરી અગાઉના લગ્નજીવનનો ખાર રાખી-તું અત્યારે મારા ઘરે આવ એટલે તને ખબર પાડુ તેમ કહી ભુંડી ગાળો દીધી હતી. તેમજ તું હવે જ્યાં ભેગી થા ત્યાં છરીના ઘા મારી દેવા છે, તારા ભાઇ અને તારા બાપને પણ પતાવી દેવા છે તેવી ધમકી આપતાં મેં ગભરાઇને ફોન કટ કરી નાખ્યો હતો.
મિતેષ સાથે છુટાછેડા લઇ લીધા હોવા છતાં તે અવાર-નવાર આ રીતે ફોન કરી અગાઉના ઝઘડાઓ યાદ કરી હેરાન પરેશાન કરતો હોઇ અને ફોન પર ધમકીઓ આપતો હોઇ અંતે મારે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં ભુમિકાબેને કહેતાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(2:05 PM IST)










