<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

માં બાપનો હાથ પકડીને રાખો, લોકોના પગ પકડવાની જરૂર નહીં પડેઃ સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી જગદીશમુનિ મ.સા. સુશિષ્‍ય પૂજ્‍ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે પર્યુષણ મહાપર્વ નાં ચતુર્થ દિવસે શ્રી વણિક જૈન સંઘ કાલાવડ (શિતલા) માં કહાની ઘર ઘર કી વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે સંસારનો રથ પરસ્‍પર સહયોગ અને સહાયતાથી ચાલે છે. સફળ લગ્ન જીવનની આધારશિલા પ્રેમ, વિશ્વાસ અને સહનશીલતા છે. મનમાં ઊતરવું અને મનથી ઉતરી જવું એ માત્ર આપણા વ્‍યવહાર પર નિર્ભર કરે છે.

દરેક કિંમતી ચીજને ઉઠાવવા માટે નમવું પડે છે. માતા-પિતાનાં આશીર્વાદ પણ તેમાંના એક છે. બુદ્ધિશાળી ચુપ રહે છે, સમજદાર બોલે છે અને મૂર્ખ બકવાસ કરે છે. આવશ્‍યકતા કયારેય સમસ્‍યા નથી બનતી, પરંતુ અનાવશ્‍યકતા જ સમસ્‍યા ની જનની છે. ‘ઘરડા' ઘરમાં શોભે ‘‘ઘરડા ઘરમાં'' નહીં.

પ્રતિમા માં નહીં પ્રતિ ‘‘મા'' માં પરમાત્‍મા છે.  ઋણાનુબંધથી મુક્‍ત થવાનો ઉપાય બધાની સેવા કરવી અને કોઈ પાસે કોઈ પણ જાતની અપેક્ષા ન રાખવી. દુનિયા જ્ઞાન આપે છે, સાથ નહીં.

દીકરી અને જમાઈ એક થાળીમાં ખાય તો પ્રેમ, દીકરો અને વહુ એક થાળીમાં ખાય તો વશીકરણ. દીકરી બીમાર હોય તો દુઃખ લાગે, ને વહુ બીમાર હોય તો નાટક લાગે. જમાઈ કયારેય પણ સાસરિયાને પોતાનું ઘર નથી સમજતો, જ્‍યારે પુત્રવધુ લગ્ન થતાં જ સાસરિયાને પોતાનું ઘર કહેવાનું ચાલુ કરી દે છે. બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્‍મી તેનું નામ દીકરી.

દહેજ એક એવું વિષફળ છે, જે સંબંધોની મધુરતામાં વિષ ઘોળી દે છે. વિવાહ સુખ, શાંતિ, સહયોગ, સાહચર્ય અને પ્રેમનો પર્યાય છે.વિવાહ વ્‍યવસ્‍થા સમાધાન કે વ્‍યવસાયની બજાર નથી. વિવાહ બે હૃદય અને બે પરિવારનું મધુર મિલન છે. વિવાહમાં દહેજ લેવું અને દેવું બંને અપરાધ છે. દહેજ એવી કુપ્રથા છે, જે વિવાહની પવિત્રતાને બાળીને ભસ્‍મ કરી દે છે. પુત્ર અને પુત્રીમાં કોઈ અંતર નથી, દહેજ ની આ પ્રથાને બંધ કરવી પડશે. સામાજિક રૂપે વિરોધ કરવો જોઈએ, દરેકે બહિષ્‍કાર કરવો પડશે. ત્‍યારે એક સભ્‍ય સમાજ અને વિકસિત પરિવારનું નિર્માણ થશે.

 બાળપણમાં શોખ હોય કે પપ્‍પા જેવું બનવું છે, જુવાનીમાં ખબર પડે છે કે ઈશ્વરની બરોબરી સંભવ નથી. માં બાપનો હાથ પકડીને રાખો, લોકોના પગ પકડવાની જરૂર નહીં પડે. મીણબત્તીને છેલ્લે છેલ્લે ખબર પડે છે કે જે દોરાને સ્‍વયંની અંદર છુપાવીને રાખ્‍યો હતો તેણે જ તેનું જીવન બરબાદ કર્યું.

લાંબુ અને આરોગ્‍યમય જીવન જીવવા માટે ભોજન અડધું કરો, પાણી બે ગણું પીવો, વ્‍યાયામ ત્રણ ગણો કરો, હસવાનું ચાર ગણું રાખો, અને પરમાત્‍માનું સ્‍મરણ સો ગણું લ્‍યો. તમારી પાસે કેટલા લોકો છે તેનાથી કોઈ ફરક નથી પડતો, તમને કામ કેટલા આવશે તે મહત્‍વપૂર્ણ છે.(૨.૨૫)

(2:24 PM IST)