<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

નણંદ ભાભીની જોડી દ્વારા ખાસ સાંડુ માટીમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિઓનું નાગર બોર્ડીંગમાં પ્રદર્શન કમ વેચાણ

પર્યાવરણનું ધ્‍યાન રાખી મૂર્તિઓ તૈયાર થાય છે : ૧૦ ઇંચથી લઇ ૪ ફુટ સુધીની ૨૦૦થી વધુ મૂર્તિઓનું કલેકશન

રાજકોટ તા. ૨૩ : ગણેશ મહોત્‍સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્‍યારે સુંદર શણગાર સાથે મહારાષ્‍ટ્રના સાંડુ માટીમાંથી નિર્માણ કરાયેલ દાદાની મૂર્તિઓનું પ્રદર્શન કમ વેંચાણનું આયોજન રાજકોટ નાગર બોર્ડીંગ ખાતે કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે કામીનીબેન (અમદાવાદ) અને નુતનબેન (પોરબંદર) દ્વારા આયોજીત આ પ્રદર્શન નણંદ ભાભીની જોડીથી નિર્મિત થયુ છે.

મૂળ પોરબંદરના ડો. નૂતનબેન ગોકાણી જેઓ પર્યાવરણ તથા અન્‍ય પ્રાણીના જતન માટેની સંસ્‍થા ચલાવે છે. તેઓએ જણાવેલ કે પીઓપીની મૂર્તિઓ ઘણી સસ્‍તી અને વજનમાં હલકી જરૂર હોય છે પરંતુ તે પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. ત્‍યારે મારા ભાભી કામીનીબેન સોની જે અમદાવાદ રહે છે. તેઓએ વિચાર આપ્‍યો કે આપણે પર્યાવરણને નુકશાન ન પહોંચાડે તેવી માટીની મુર્તિ બનાવીએ. બસ આ વિચારને અમે સાથે મળી અમલમાં મુકયો અને પહેલા તો ઘરે સ્‍થાપન માટે માટીની મૂર્તિ બનાવી. બાદમાં સાર્વજનિક પ્‍લોટમાં સ્‍થાપન માટેની મૂર્તિઓ પણ બનાવી.

હાલમાં અમારી પાસે ૧૦ ઇંચથી લઇને ૪ ફુટ સુધીની ગણેશદાદાની નયનરમ્‍ય મુર્તિઓ છે. ૨૦૦ થી વધુ મૂર્તિઓનું કલેકશન છે. જેને સુશોભન કાર્ય પણ અમે જાતે જ ભાવથી કરીએ છીએ. શણગાર કામ ચાલતુ હોય ત્‍યારે અમે શ્રધ્‍ધા ભક્‍તિમાં ભાવવિભોર થઇ જઇએ છીએ.

ખાસ મહારાષ્‍ટ્રની સાંડુ માટીમાંથી તૈયાર કરી શણગાર અપાયેલ આવી ગણેશજીની મૂર્તિઓનું એક પ્રદર્શન રાજકોટમાં વિરાણી ચોકમાં આવેલ નાગર બોર્ડીંગ ખાતે તા. ૨૧ ઓગષ્‍ટથી લઇને તા. ૨૭ ઓગષ્‍ટ સુધી ગોઠવેલ છે. સવારે ૧૦ થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી આ પ્રદર્શન કમ વેચાણ ખુલ્લુ હોય છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા કામીનીબેન સોની (મો.૬૩૫૧૬ ૩૩૧૮૯) અને ડો. નુતનબેન ગોકાણી (મો.૯૮૭૯૧ ૬૬૭૮૮)એ આહવાન કર્યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. નુતનબેન ગોકાણી અને જીજ્ઞેશભાઇ વાડીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:20 PM IST)