તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 23rd August 2025
આખરે ચર્ચાસ્પદ કાલાવડ રોડ બ્રિજ હેઠળનો ગેમઝોન ખુલ્લો મુકતા શાસકો
ધારાસભ્ય ડો. દર્શિતા શાહના હસ્તે લોકાર્પણઃ ગેમઝોનમાં વિવિધ રમતોના રૂા. પ૦ થી રૂા. પ૦૦ ચાર્જઃ સવારે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે : ચર્ચાના ચકડોળે ચડેલા ગેમઝોનમાં પદાધિકારીઓ ‘રમત' રમ્યા

રાજકોટઃ કાલાવડ રોડ કે.કે.વી. બ્રિજ નીચેના ગેમઝોનનો આખરે આજથી પ્રારંભ થઇ ગયો છે. શહેર ભાજપના અને કોર્પોરેશનના પદધિકારીઓની હાજરીમાં ઉદઘાટન થયેલ. આ ગેમ ઝોન નિર્માણ વખતથી જ ચર્ચામાં છે. નિર્માણની યોગ્યતા બાબતે વિભિન્ન મત વચ્ચે રમત રમીને પદાધિકારીઓ બોણી કરી છે. તસ્વીર પદાધિકારીઓ ક્રિકેટ રમ્યા તે વખતની છે. પીચ અને ક્રિકેટના સાધનો ગમે તેટલા સારા હોય છતા ગમે ત્યારે ગમે તેની દાંડી પડી જતી હોય છે. કોઇ દાવ લેવાવાળા હોય છે અને કોઇ દેવાવાળા હોય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ર૩ :.. શહેરના કાલાવડ રોડ પર આવેલ હાઇલેવલ રામ બ્રિજ હેઠળના ચર્ચાસ્પદ ગેમઝોનનું આજે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગેમઝોનમાં વિવિધ રમતોના રૂા. પ૦ થી રૂા. પ૦૦ પ્રતિ કલાકના ભાવ નકકી કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારશ્રીના રમશે ગુજરાત, જીતશે ગુજરાતᅠ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારાઆજ તા.૨૩/૦૮/૨૦૨૫, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી રામ મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજ, પરિમલ સ્કુલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂ.૨.૦૭ કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવીટી ગેમ ઝોનનું લોકાર્પણ વિધાનસભા-૬૯ના માન.ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યુ.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયાના ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, દક્ષાબેન વસાણી, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, શ્રી જ્યોત્સનાબેન ટીલાળા, શ્રી ડૉ. દર્શનાબેન પંડ્યા, શ્રી દક્ષાબેન વાઘેલા, શ્રી દુર્ગાબા જાડેજા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયા, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સિટી એન્જી. કુંતેશ મહેતા, ડેપ્યુટી સિટી એન્જી. ભાવેશ ધામેચા, વિજય કારિયા, પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
આ નવનિર્મિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવીટી ગેમ ઝોનમાં બોક્ષ ક્રિકેટ,સ્કેટિંગ, પીકલ બોલ, ઈન્ડોર ગેમ્સ (ચેસ,કેરમ, એર હોકી,પુલ ટેબલ,તાુકર ટેબલ)સહિતની રમતનો સમાવેશ કરેલ છે.
સ્પોર્ટસ ફેસીલીટીનો નિયમો
સ્પોર્ટ્સ ફેસીલીટી પરિસરમાં ધુમ્રપાન, પાન, માવા, ફાકી, કેફી દ્રવ્યોનું સેવન નિષેધ રહેશે. આવુ કરવાના કિસ્સામાં કો-ઓર્ડીનેટર સ્પોર્ટ્સ ફેસીલીટી ખાલી કરાવશે.
ક્રિકેટ તથા પિકલ બોલ સ્પોર્ટ્સમાં નિયત શુઝ પહેરેલ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ટીકીટ લીધા બાદ જ પ્રવેશ મળશે. સમય સવારે ૬ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ રહેશે.
સ્પોર્ટ્સ ફેસીલીટી ખાતે એન્ટ્રી અંગેના હક માત્ર સંચાલક સંસ્થાના રહેશે.
સ્પોર્ટ્સ ફેસીલીટી પરિસર ખાતે આવેલ વસ્તુઓ, રમતગમતના સાધનો તથા અન્ય કોઇ પણ નુકસાન ન થાય તે સ્પોર્ટ્સ ફેસીલીટીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનુ રહેશે. અન્યથા સંચાલક દ્વારા યોગ્ય દંડ વસુલવામાં આવશે.
આ સ્પોર્ટસ ફેસીલીટીમાં બોક્સક્રિકેટમાં બેટ, બોલ આપવામાં આવશે. સ્ટમ્પ, પિકલબોલમાં રેકેટ, બોલ, સ્કેટીંગરિંકમાં સ્કેટ્સ પરભારે લઇને આવવાના રહેશે.
તેમજ સ્નુકરટેબલમાં સ્ટીક, પુલટેબલમાં સ્ટીક, ચેસ અને કેરમમાં બોર્ડ આપવામાં આવશે.

(3:40 PM IST)










