News of Monday, 25th August 2025
રાજકોટ કોર્ટના નિવૃત આસી. ક્લાર્ક અને તેમના પત્નિને ૪૫ દિવસ ડિજીટલ એરેસ્ટ કરી રૂા.૮૮.૫૦ લાખ પડાવ્યા!
સાધુ વાસવાણી રોડ સ્વાગત રેસીડેન્સીમાં રહેતાં અને હાલ બોલબાલા ટ્રસ્ટમાં સેવા આપતાં વૃધ્ધને ટેલિફોન વિભાગના નામે અને દિલ્હી ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી મનીલોન્ડ્રીંગ, ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી અપાઇ : વૃધ્ધે પહેલા ૮ લાખ ટ્રાન્સફર કર્યા, પછી ગોલ્ડ હતું તેની લોન લઇ ૨૭ લાખ મોકલ્યાઃ તેમના પત્નિના ખાતામાંથી પણ નાણા ઉપાડી લીધાઃ પોસ્ટ ખાતામાંથી અને બીજી એફડી તોડાવી નાણા મોકલી દીધાઃ પછી ફ્રોડની ખબર પડી : ગઠીયાએ કહ્યું-આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર સંદિપકુમાર મનીલોન્ડ્રીંગમાં પકડાયા છે, તેના ઘરમાંથી ૮ મિલીયન રોકડ મળી છે તેમાં તમારો ૧૦ ટકા હિસ્સો છેઃ આખી જિંદગી જેલમાં ન કાઢવી હોય તો તમારી રકમ ખરાઇ કરવા અમને ટ્રાન્સફર કરોઃ એકલા રહેતાં પતિ-પત્નિ ડરી ગયા અને નાણા આપી દીધાઃ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમે ભાવનગરથી બે શખ્સને ઉઠાવ્યાઃ ફ્રોડની રકમ તેના ખાતામાં જમા થયાની શંકાએ તપાસ

રાજકોટ તા. ૨૫: ઓનલાઇન ફ્રોડના વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતાં કોર્ટના નિવૃત આસીસ્ટન્ટ ક્લાર્ક અને તેમના પત્નિને સતત ૪૫ દિવસ સુધી ડિજીટલ એરેસ્ટ રાખી સાયબર ગઠીયાઓએ રૂા. ૮૮,૫૦,૨૦૦ પડાવી લીધા છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા વ્હોટ્સએપ નંબરના ધારક અને અલગ અલગ બેંક એકાઉન્ટના ધારકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ભાવનગર પંથકના બે શખ્સને પુછતાછ માટે ઉઠાવી લીધા છે. આ બંનેના ખાતામાં ફ્રોડની રકમ ગયાની વિગતો મળતાં તેના આધારે પુછતાછ શરૂ થઇ છે. ટેલિફોન વિભાગ અને દિલ્હી સાયબર ક્રાઇમના નામે ફોન કરી આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર મની લોન્ડ્રીંગમાં ફસાયા છે તેમાં તમને પણ ૧૦ ટકા હિસ્સો મળ્યો છે, તેના ઘરમાંથી ૮ મિલીયન રોકડ મળી છે તમારી ધરપકડ થશે અને આખી જિંદગી જેલમાં રહેવું પડશે. એરેસ્ટ ન થવું હોય તો તમારી રકમની ખરાઇ કરવા અમને ટ્રાન્સફર કરો તેમ કહી ફસાવાયા હતાં.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે સાધુ વાસવાણી રોડ સ્વાગત રેસીડેન્સી એ-૯ ખાતે રહેતાં દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.૬૯)ની ફરિયાદ પરથી અલગ અલગ વ્હોટ્સએપ નંબર, બેંક એકાઉન્ટ નંબરના પાંચ ધારકો સહિતની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કર્યો છે અને બે શકમંદોને ભાવનગરથી ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરવામાં આવી છે.
દિનેશભાઇ દેલવાડીયાએ જણાવ્યું છે કે હું હાલમાં પત્નિ અનીતા સાથે રહુ છું અને ૨૦૧૩ પહેલા હું રાજકોટ સેસન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ ક્લાર્ક તરીકે નોકરી કરી રીટાયર્ડ થયેલ છું. હાલમાં હું બોલબાલા ટ્રસ્ટમાં પાંચેક વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપુ છું. ગત તા. ૮/૭/૨૫ના રોજ હું અને મારા પત્નિ ઘરે હતાં ત્યારે સવારે આઠેક વાગ્યે મારા મોબાઇલ પર અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો. મેં રિસીવ કરતાં ફોન કરનારે કહેલુ કે-હું ટેલિફોન ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છું, તમને દસ મિનીટ પછી દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સુશિલકુમાર ગોૈતમનો ફોન આવશે તમે તેની સાથે વાત કરી લેજો. તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો.
ત્યારબાદ દસેક મિનીટ પછી મને અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી ફરી ફોન આવ્યો હતો. તેણે કહેલુ કે હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી બોલુ છું અને દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં સંદિપકુમાર જે આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર હતાં તેના વિરૂધ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ થયો છે. સંદિપકુમારે જે ફ્રોડ કર્યુ છે તેમાંથી ૧૦ ટકા હિસ્સો તમને આપ્યો છે તેવું સુપ્રિમ કોર્ટમાં તેણે નિવેદન આપ્યું છે. અમે સંદિપકુમારના ઘરે રેઇડ પાડતાં તેના ઘરમાંથી ૮ મિલીયન રોકડ રકમ, ૧૮૦ જુદી જુદી બેંકોની પાસબૂક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો મોટા જથ્થામાં મળ્યા છે. તમે પણ આમાં હિસ્સેદાર છો અને આ કેસમાં તમને આખી જિંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી મની લોન્ડ્રીંગના અને ડ્રગ્સના કેસમાં મને ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
હું અને મારા પત્નિ એકલા ઘરે હોઇ જેથી અમે ડરી ગયા હતાં અને કોઇને વાત કરી નહોતી. થોડીવાર પછી ફરી મારી પત્નિના મોબાઇલમાં વ્હો્ટસએપમાં કોઇ આરોપીને પકડેલ હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલ્યા હતાં અને કહ્યું હતું કે આ વાત કોઇને કરતાં નહિ, જો કરશો તો અમે ત્યાં આવીને તમને એરેસ્ટ કરી લઇશું. આ પછી મને કહેલુ કે તમારા બેંક એકાઉન્ટમાં દસ ટકાવાળી રકમ આવી છે કે નહિ તે જાણવા માટે તમને એકાઉન્ટ નંબર મોકલુ છું તેમાં ૮ લાખ તમારે જમા કરાવવાના છે. આ પછી મને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ નંબર આઇએફસીએસ નંબર મોકલ્યા હતાં. જેમાં મેં ૮ લાખ આરટીજીએસથી મોકલી દીધા હતાં.
આ પછી તેણે કહેલુ કે જો તમે નિર્દોષ હશો તો તમને આ પૈસા તપાસ પુરી થયા બાદ પાછા મળી જશે. બીજા દિવસે ફરીથી મને વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને કહેલુ કે તમાર બેંકના લોકર છે, અને હોય તો તેમાં ગોલ્ડ હહોય તો આઇસીઆઇસીઆઇ બેંક જઇને ગોલ્ડ લોન લઇ પૈસા જમા કરાવો. જેથી મેં કહેલુ કે તમને ૮ લાખનું આરટીજીએસ તો કર્યુ છે તે પરત આપો. આથી તેણે કહેલુ કે પહેલા તમારી બધી રકમનું વેરીફીકેશન થઇ જાય પછી જ તમને એક સર્ટીફિકેટ સાથે રકમ પાછી મળશે. આમ કહી મને ભરોસો અપાવ્યો હતો. આ રીતે મને કુલ ૪૫ દિવસ ડિજીટલ એરસૈટ રાખી મારી પાસેથી અલગ અલગ રકમ ટ્રાન્જેક્શન કરાવી હતી.
જેમાં મેં ગોલ્ડ લોન લઇ રૂા. ૨૭ લાખ આવ્યા તે રકમ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ મારી આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં રહેલી એફડી તોડાવી તેમાંથી ૮,૨૦,૦૦૦ બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. તેમજ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં મારા ખાતામાંથી પણ ૧૦ લાખ ઉપડાવી બેંક ઓફ બરોડાના અન્ય ખાતામાં મેળવી લીધા હતાં. આ ઉપરાંત ફીનો પેમેન્ટ બેંકના ખાતામાં ૫-૫ લાખ બે વખત મેં આરટીજીએસથી મોકલ્યા હતાં. તેમજ જના સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટમાં ૩ લાખ, બેંક ઓફ બરોડાના અન્ય એકાઉન્ટમાં ફરી ૬,૫૦,૦૦૦ મારી પાસે ટ્રાનસફર કરાવડાવ્યા હતાં.
તેમજ મારા પત્નિના એકાઉન્ટમાંથી યુકો બેંકના એકાઉન્ટમાં ૨,૮૦,૦૦૦, એસબીઆ બેંક એકાઉન્ટમાં ૩ લાખનું આરટીજીએસ કરાવડાવ્યું હતું. આ રીતે મને અને મારા પત્નિને ૪૫ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ રાખી સાયબર ગઠીયાઓએ ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મારી મરણમુડીના રૂા. ૮૮,૫૫,૦૦૦ મને ડરાવી ધમકી મજબૂર કરી ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. આ રકમ અલગ અલગ બેંકના અલગ અલગ એકાઉન્ટમાં જમા થઇ હતી.
જેમાં ૧૦/૭ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ૮ લાખ, ૧૨/૭ના રોજ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં ૧૦ લાખ, ફીનો પેમેન્ટ બેંકના એકાઉન્ટમાં ૫ લાખ, અન્ય ૫ લાખ, બેંક ઓફ બરોડામાં ૨૭ લાખ, જના સ્મોલ બેંકમાં ૩ લાખ, બેંક ઓફ બરોડામાં ૧૦ લાખ, ૮,૨૦,૦૦૦, યુકો બેંકમાં ૨,૮૦,૦૦૦ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૬,૫૦,૦૦૦ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૩,૦૦,૨૦૦ મળી કુલ રૂા. ૮૮,૫૦,૦૨૦ અમારી પાસેથી પડાવી લીધા હતાં. તેમ વધુમાં દિનેશભાઇ દેલવાડીયાએ જણાવતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના એસીપી ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરી હેઠળ સાયબર ક્રાઇમની ટીમે ભાવનગરથી બે શકમંદને ઉઠાવી લીધા છે. આ બંનેના ખાતામાં ફ્રોડની કેટલીક રકમ જમા થયાની માહિતી મળી હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે. (૧૪.૮)
(2:27 PM IST)










