News of Monday, 25th August 2025
રીબડા ફાયરીંગ પ્રકરણમાં હથિયાર સાચવવામાં મદદગારી અંગે રાજકોટના નિશાંત રાવલની ધરપકડ
મુખ્ય સુત્રધાર હાર્દિકસિંહ અને રાજકોટના વકીલ રવિ ગમારાના રીમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરાશેઃ વધુ નામો ખુલે તેવી વકી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. રપઃ રીબડામાં અનિરુદ્ધસિંહ નાં ભત્રીજાનાં પેટ્રોલ પંપ પર થયેલી ફાયરિંગ ની ઘટના માં ગોંડલ તાલુકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહની પૂછપરછ અને તપાસના આધારે એક પછી એક નામો ખુલી રહ્યા છે.
ફાયરીંગ પ્રકરણમાં હથિયાર સાચવવામાં રાજકોટના વકીલ રવિ ગમારા બાદ તેના મિત્ર નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની પણ રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ બાદ તેની પૂછપરછમાં રાજકોટના વકીલ રવિ ગમારાનું નામ ખુલ્યું હતું રવિ પર ફાયરિંગમાં વપરાયેલ હથિયાર સાચવવાનો આરોપ છે ગોંડલ તાલુકા પોલીસે રવિ ગમારાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન રવિ ગમારાના મિત્ર નિશાંત રાવલની સંડોવણી પણ સામે આવતા ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરી છે. નિશાંત પર પણ ગુનામાં મદદગારી કરવાનો આરોપ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
દરમિયાન મુખ્ય સુત્રધાર હાર્દિકસિંહ જાડેજા અને વકીલ રવિ ગમારાના રીમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરાશે. તેની તપાસનીસ અધિકારી અજીતસિંહ પરમારે જણાવ્યું હતું.
બીજી બાજુ ફાયરીંગ પ્રકરણમાં હજુ વધુ નામો ખુલે તેવી શકયતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
(1:33 PM IST)










