<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

માતાએ મુંબઇ જવા માટે પૈસા ન આપતાં ગઢડાના પાડાપણના ૨૦ વર્ષિય સુનિલનો ઝેર પી આપઘાત

સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૫: બોટાદના ગઢડા તાબેના પાડાપણ ગામે રહેતાં સુનિલ માનસિંગભાઇ શેખલીયા (ઉ.વ.૨૦) નામના યુવાને ઝેરી દવા પી લેતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ સુનિલ ગઇકાલે બપોરે બારેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે એકાએક ઉલ્‍ટીઓ કરવા માંડતા પરિવારજનોએ પુછતા તેણે ઝેરી દવા પી લીધાનું કહેતાં તુરત જ સારવાર માટે બોટાદ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેતાં અહિની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. જો કે તબિબોના અનેક પ્રયાસો છતાં સુનિલનો જીવ બચી શક્‍યો નહોતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે બોટાદ પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. આપઘાત કરનાર સુનિલના પિતા હયાત નથી. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં પાંચમો હતો. તે દોઢેક મહિના અગાઉ મુંબઇ રહેતાં તેના માસીના ઘરે રોકાવા અને ત્‍યાં નર્સરીમાં કામ કરવા ગયો હતો. બાદમાં પરત વતન આવી ગયો હતો. હાલમાં તેને ફરીથી મુંબઇ જવું હોઇ તેણે માતા ગીતાબેન પાસે પૈસા માંગ્‍યા હતાં. પરંતુ માતાએ હાલમાં પૈસા નથી તેમ કહી ના પાડી દેતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું. પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી.

(2:12 PM IST)