News of Monday, 25th August 2025
સોખડા ચોકડીએ ૧.૮૯ લાખનો દારૂ એલસીબી ઝોન-૧ ટીમે પકડયો
કારમાં ૨૮ હજારના દારૂ સાથે અજિત ઉર્ફે રાજાને પકડાયોઃ એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમારની બાતમીઃ પીએસઆઇ બી.વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ અન્ય બે દરોડામાં શહેર પોલીસ એલસીબી ઝોન-૧ ટીમ દ્વારા બે અલગ અલગ સ્થળે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. સોખડા ચોકડીએ દારૂ ભરેલું માલવાહક વાહન પકડી લેવાયું હતું. જ્યારે અન્ય સ્થળેથી કાર સાથે એકને પકડી લેવાયો હતો. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરુપગીરી ગૌસ્વામી તથા કોન્સ. રવિરાજભાઇ પટગીરને મળેલ સંયુકત બાતમી આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ સોખડા ચોકડી પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામે બોમ્બે સુપર કોમર્સીયલ ઝોન ૧૮ની અંદર છેડે ડીવાઇડર પાસે મારૂતી સુઝુકીની સુપર કેરી માલવાહક વાહન નં. જીજે૦૩બીઝેડ-૪૫૮૭ પકડી લેવાયું હતું. જો કે ચાલક હાજર નહોતો. જેમાંથી ૧.૮૯ લાખનો દારૂ બીયર મળતા તે અને કી.રૂ ૫,૦૦,૦૦૦નું વાહન કબ્જે કરાયું હતું.
જ્યારે બીજા દરોડામાં હેડકોન્સ હિતેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમારની સંયુક્ત બાતમી આધારે ભક્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠારીયા રોડ દેવપરા મેઇન રોડ શ્રમશ્રધ્ધા ચોક પારસ મારબલ સામે રોડ પરથી હ્યુડાઇ સેન્ટ્રો કાર નંબર જીજે૦૫ સીબી ૫૨૩૧ સાથે અજીત ઉર્ફે રાજા મનુભાઈ ખાચાર (ઉ.વ.૨૨, રહે. ગામ મોલડી તા.ચોટીલા જી સુરેંદ્રનગર હાલ ચોટીલા હરીધામ સોસાયટી પ્લોટ ચોટીલા)ને પકડી રૂા.૧૩,૨૦૦નો દારૂ કબ્જે કરાયો હતો.
પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા તથા જેસીપી મહેન્દ્ર બગડીયા, ઇન્ચાર્જ ડીસીપી ઝોન-૧ રાકેશ દેસાઈની સુચના અંતર્ગત પીએસઆઇ બી.વી.ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર તથા હેડકોન્સ હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. રવિરાજભાઇ પટગીરએ આ બને કામગીરી કરી હતી.
(2:13 PM IST)










