<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ક્રિસ્‍ટલ મોલમાં વાંકાનેરની યુવતિ પર પુર્વ પતિનો કુટુંબી સાથે મળી હુમલોઃ ધમકી

છુટાછેડા બાદ સાત વર્ષના દિકરા સાથે હાલ વાંકાનેર રહેતી યુવતિની ફરિયાદ પરથી પુર્વ પતિ વિશાલ મકવાણા અને તેના કુટુંબી ભાઇ લક્કી વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો : મોલમાં પુર્વ પતિનો પિત્રાઇ મળતાં તેની સાથે વાત કરતી હોઇ-તું કેમ મારા ભાઇ સાથે ફરે છે? કહી ધમાલ મચાવાઇ

 

રાજકોટ તા. ૨૫: પતિ સાથે છુટાછેડા બાદ હાલ સાત વર્ષના દિકરા સાથે વાંકાનેર રહેતી યુવતિ તેના દિકરાને લઇ રાજકોટ રહેતા ભાઇ, બહેન સહિતની સાથે ક્રિસ્‍ટલ મોલમાં આટો મારવા ગઇ ત્‍યારે પુર્વ પતિનો પિત્રાઇ ત્‍યાં મળતાં તે વાતચીત કરી દિકરાના ખબર અંતર પુછતો હોઇ તે વખતે જ પુર્વ પતિ અને તેનો કુટુંબી ભાઇ આવી જતાં પુર્વ પતિએ-તું કેમ મારા ભાઇ સાથે ફરે છે? કહી હુમલો કરી માર મારતાં અને મારી નાખવાની ધમકી આપી ધમાલ મચાવતાં દેકારો મચી જતાં પોલીસ બોલાવાઇ હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વાંકાનેર ગામ ગોકુલનગર સોસાયટી વૃધ્‍ધાશ્રમ સામે મફતીયાપરા રહેતી રજનીકાબેન નરસીભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી રાજકોટના વિશાલ જેરામભાઇ મકવાણા અને તેના કુટુંબી ભાઇ લકકી વાલાભાઇ મકવાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

રજનીકાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હાલ વાંકાનેર રહુ છું. આજથી નવ વર્ષ પહેલા વિશાલ મકવાણા સાથે મારે પ્રેમ થતાં અમે લવમેરેજ કર્યા હતાં. એ વખતે અમે મોરબી રોડ વેલનાથપરામાં તેના ઘરે રહેતાં હતાં. ત્‍યારબાદ અમારે અણબનાવ થતાં બે મહિના અગાઉ છુટાછેડા લઇ અલગ થઇ ગયા હતાં. લગ્નજીવનથી મારે સંતાનમાં એક દિકરો છે જે સાત વર્ષનો છે. ગત ૨૧/૮ના રોજ હું અને મારો દિકરો બંને મારા ભાઇ-બહેન સાથે રાજકોટ આવ્‍યા હતાં. અહિ અમે ક્રિસ્‍ટલ મોલમાં ફરવા ગયા હતાં. ત્‍યાં મારા પુર્વ પતિના પિત્રાઇ ભાઇ અલ્‍પેશ મકવાણા મને મળતાં મારી સાથે વાત કરતા હતાં. તેમજ મારા દિકરાના ખબરઅંતર પુછ્‍યા હતાં.

આ પછી હું મોલના દરવાજા તરફ જતાં મારો પુર્વ પતિ વિશાલ મકવાણા અને તેની સાથે લકકી મકવાણા આવી ગયા હતાં અને -તું કેમ મારા ભાઇ સાથે ફરે છે? કહી મારી સાથે ઝઘડો કરતાં અને મને મારકુટ કરતાં મારો નાનો ભાઇ અજયવચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરી હતી. વિશાલે તેના ભાઇ લક્કીને કહેલ કે આને મારી નાખજે પછી જ બહાર નીકળજશે. બાદ મારા નાના ભાઇ અજયએ પોલીસને બોલાવી હતી. ત્‍યાં વિશાલ અને લક્કી ભાગી ગયા હતાં. જે તે વખતે મે ંઅરજી આપી હતી. હવે મેં ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં રજનીકાબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હિતેષભાઇ જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:30 PM IST)