<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

વાવડી વૃંદાવન ગ્રીન એપાર્ટમેન્‍ટમાં નવમા માળેથી ઝંપલાવી વૃધ્‍ધે આપઘાત કર્યો

રાતે દોઢ વાગ્‍યે ઉંઘ ન આવતી હોવાથી ગેલેરીમાં ટહેલતી વખતે ૮૮ વર્ષના પરષોત્તમભાઇ વડાલીયાને ચક્કર આવવાને લીધે પડી ગયાનું સ્‍વજનનું કથન

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર વાવડીમાં આવેલા એપાર્ટમેન્‍ટમાં નવમા માળની ગેલેરીમાંથી પટકાઇની બીજા માળની ગેલેરીમાં પછડાતાં વૃધ્‍ધનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ વાવડીમાં વૃંદાવન ગ્રીન એપાર્ટમેન્‍ટમાં નવમા માળે રહેતાં પરષોત્તમભાઇ કાળાભાઇ વડાલીયા (ઉ.વ.૮૮) રાતે દોઢેક વાગ્‍યે એપાર્ટમેન્‍ટની ગેલેરીમાંથી પડતાં નીચે બીજા માળની ગેલેરી પાસે પછડાયા હતાં. અવાજ થતાં ચોકીદાર અને બીજા રહેવાસીઓ જાગી ગયા હતાં. તપાસ કરતાં નવમા માળે રહેતાં પરષોત્તમભાઇ પટકાયા હોઇ તેમના પરિવારજનો બીજા રૂમમાં સુતા હોઇ ઘટનાથી અજાણ હોઇ તેમને જાણ કરાઇ હતી.

પરષોત્તમભાઇને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ અને પ્રશાંતભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સગાએ જણાવ્‍યું હતું કે પરષોત્તમભાઇને લો બીપી સહિતની તકલીફ હતી. તેમજ નીંદર ન આવવી ચક્કર આવવા જેવી પણ તકલીફ હતી. રાતે તેમને નીંદર ન આવતી હોઇ ગેલેરીમાં ટહેલતા હતાં ત્‍યારે ચક્કર આવતાં નીચે પટકાયા હતાં. એએસઆઇ ડી. સી. જોષી અને કિરીટભાઇ રામાવત, જયસુખ વાઘેલા સહિતની તપાસમાં ખુલ્‍યા મુજબ આ બનાવ આપઘાતનો હતો. બિમારીથી કંટાળીને વૃધ્‍ધે આપઘાત કર્યાનું ખુલ્‍યું હતું.

જમુના પાર્કમાં બેભાન થઇ જતાં રંજનબેનનું મોત

બીજા બનાવમાં  મોરબી રોડ પર જમુના પાર્કમાં રહેતાં રંજનબેન પ્રકાશભાઇ માયાણતે સાડા નવેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. વી. ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:43 PM IST)