News of Monday, 25th August 2025
ઘંટેશ્વર ૨૫ વારીયામાં ઇરશાદ કુરેશી પર પત્નિના પૂર્વ મિત્ર યાસીનનો ટોળકી રચી હુમલોઃ પગ ભાંગી નાંખ્યો
વચ્ચે પડનાર પત્નિ સીમરનને પણ ઇજાઃ યાસીન પડીયા, તેની માતા વહીદા, ભાઇ આસીફ, તેમજ કુલદીપ દવે, ફરીદ ઘાંચી અને વાહીદ ઘાંચી વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં યુવાન અને તેના પત્નિ પર પડોશમાં જ રહેતી મહિલાએ પોતાના દિકરાઓ સહિતની સાથે ટોળકી રચી ધોકા-પાઇપથી હુમલો કરતાં યુવાનનો હાથ ભાંગી ગયો હતો અને તેની પત્નિને હાથમાં છરી લાગી ગઇ હતી. આ યુવાનની પત્નિને અગાઉ હુમલાખોર સાથે મિત્રતા હોઇ તે તોડી નાંખતા તે માથાકુટ કરતો હોઇ તેની સાથે યુવાનને ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર નં. ૧૧૬૦માં આનંદ નર્સિંગ કોલેજની બાજુમાં રહેતાં ઇરશાદ ફિરોઝભાઇ કુરેશી (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી વહીદાબેન ઇકબાલભાઇ પડીયા, તેના પુત્ર યાસીન ઇકબાલભાઇ પડીયા, આસીફ ઇકબાલભાઇ પડીયા તેમજ તેની સાથેના કુલદીપ દવે, ફરીદ રજાકભાઇ ઘાંચી અને વાહીદ રજાકભાઇ ઘાંચી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ઇરશાદ કુરેશીએ ફરિયાદમાં જણાવ્યું છે ક હું વેપાર કરી ગુજરાન ચલાવુ છું અને મારા પત્નિ સીમરન અને બે બાળકો સાથે રહુ છું. મારી પત્નિ સીમરનને ઘંટેશ્વર ૨૫ વારીયાના યાસીન પડીયા સાથે અગાઉ મિત્રતા હતી, આ પછી મારી પત્નિએ મિત્રતા તોડી નાખી હોઇ જેથી યાસીન મારી સાથે માથાકુટ કરતો હતો. રવિવારે હું અને મારા પત્નિ સીમરન તથા બાળકો ઘરે હતાં ત્યારે ઘંટેશ્વર ૨૫ વારીયામાં જ રહેતાી વહીદાબેન ઇકબાલ પડીયા અને તેના બે દિકરા યાસીન, આસીફ તથા તેની સાથેનો જામનગર રોડ નંદનવનમાં રહેતો કુલદીપ દેવે તેમજ ફરીદ ઘાંચી, વાહીદ ઘાંચી સહિતના લાકડાના ધોકા, લોખંડના પાઇપ લઇને મારા ઘરે આવ્યા હતાં અને વાહીદાબેને મને તું કેમ મારા દિકરા યાસીન સાથે માથાકુટ કરે છે? કહી માર ઘર પાસે પડેલી રબ્બરની નળી વડે મારી પત્નિ સીમરનને માર મારવાનું ચાલુ કર્યુ હતું.
તેમજ યાસીને છરીથી મારા પત્નિને હાથના અંગુઠામાં ઘા મારી દીધો હતો. તેમજ મને પાઇપથી ફટકાર્યો હતો. આસીફે પણ પાઇપથી અને કુલદીપ તથા ફરીદ સહિતનાએ ધોકાથી મારા પર હુમલો કરી બેફામ માર મારતાં હું નીચે પડી ગયો હતો. આ પછી પણ મને હાથે-પગે પાઇપ-ધોકાના ઘા ફટકાર્યા હતાં. હું રાડો પાડવા માંડતા આ લોકો ત્યાંથી ભાગી ગયા હતાં. બાદ મારા પત્નિએ ફોન કરતાં ૧૦૮ આવતાં મને અને મારી પત્નિને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ડોક્ટરે નિદાન કરતાં મને ડાબા પગે ગોઠણ નીચે ફ્રેકચર થઇ ગયાનું નિદાન થયું હતું. મારા પત્નિને અંગુઠામાં ત્રણ ટાંકા આવ્યા હતાં. પત્નિને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી અને મને દાખલ કરાયો હતો.
મારી પત્નિ સીમરનને અગાઉ યાસીન પડીયા સાથે મિત્રતા હોઇ તે તોડી નાખતા યાસીન સાથે મારે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી તેની માતા વહીદાબેન તેના દિકરાઓ સહિતનાએ ટોળકી રચી મારા અને મારા પત્નિ પર હુમલો કર્યો હતો. જેમાં મારો પગ ભાંગી ગયો હતો. તેમ વધુમાં ઇર્શાદે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એસ. જી. ગોસાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:33 PM IST)










