News of Monday, 25th August 2025
આજી ડેમ છલકું-છલકું : સવા ફુટનું છેટુ
તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયુ : ઓવરફલો નિહાળવા લોકો ઉમટયાઃ ડેમ સાઇટે સેલ્ફી લેવા પ્રતિબંધ : દરવાજા કરાયા બંધ

શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ડેમમાં નવા નીરની આવક થાય અને ડેમ ઓવરફલો થવાનો હોય ત્યારે ઓવરફલો દરમિયાન પાણી નદીમાં પડતુ હોય તે દૃશ્યો સાથે લોકો સેલ્ફી લેવા ઉમટી પડતા હોય છે. જેના લીધે દુર્ઘટનાની સંભાવના હોવાથી મહાનગરપાલિકાએ હાલ આજીડેમ ઓવરફલો થવાની અણી ઉપર હોવાથી આજથી ઓવરફલો ક્ષેત્રમાં દરવાજાઓ બંધ કરી નવા સાઇન બોર્ડ મૂકી ઓવરફલો સેલ્ફી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરીજનો આ આહલાદક નજારો જોવા ઉમટી પડયા હતા. આગમચેતીના પગલા રૂપે ડેમ ઓવરફલો થાય તે પહેલા જ મહાનગરપાલિકાએ ડેમ ઉપર જવાના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૧૧)
રાજકોટ તા. ૨૫ : રાજકોટવાસીઓને મોટી રાહતના સમાચાર મળશે. કેમકે શહેરના જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે ૨૯ ફુટની નિર્ધારીત સપાટીથી ૯૨ ટકા ભરાતા ૨૧મી વખત ઓવરફલો થવામાં હવે સવા ફુટનું છેટું છે ત્યારે શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી રહી છે. છલોછલ આહ્લાદક નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે.
રાજકોટનો આજી-૧ ડેમ ઓવરફ્લોની તૈયારી હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ ડેમમાં ૦.૨૦ ફૂટ નવા નીરની આવક થતા આજે ડેમની સપાટી ૨૭.૮૦ ફૂટે પહોંચી છે. હવે ઓવરફ્લોમાં ફક્ત ૧.૨૦ ફૂટનું છેટું રહ્યું છે. ડેમ ૯૨ ટકા સુધી ભરાયો છે.
આજી ડેમમાં ઠલવાયેલી વિશાળ જળરાશિ નિહાળવા શહેરીજનો ઉમટી રહ્યા છે.ઓવરફલોની તૈયારી હોય હેઠવાસના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે તેમજ તકેદારીના ભાગરૂપે ડેમ સાઇટ ઉપર જ્યાં આગળ ઓવરફ્લો નિહાળવા લોકો ઉમટતા હોય છે તે ડાઉન સ્ટ્રીમ એરિયા બંધ કરાયો છે અને ત્યાં આગળના દરવાજે તાળા લગાવી દેવાયા છે. વિવિધ જરૂરી સુચનાઓ સાથેના નવા સાઇન બોર્ડ મુકાયા છે તેમજ ડેમ સાઇટે સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ જારી રખાયો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અને સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવાને કારણે શહેરને પાણી પૂરૂં પાડતા ડેમ છલોછલ ભરાઈ ગયા છે. આજી-૧ ડેમની સપાટી ૨૭.૭૬ ફુટે પહોંચતા આ ડેમ છલકાવામાં ૧.૨૪ ફુટનું છેટુ છે.
આજી-૧ ડેમની ક્ષમતા ૯૧૭ એમસીએફટી જેટલી છે અને ૧૯૫૪માં બન્યા બાદ અત્યાર સુધીમાં ૨૦ વખત ઓવરફલો થયો છે. ભાદરની ક્ષમતા ૬૬૪૦ એમસીએફટી છે અને ૧૯૬૪માં તે બન્યો હતો,૨૬ વખત તેમજ ૧૦૮૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતો ન્યારી-૧ ડેમ ૨૫ વાર ઓવરફલો થયો છે.
ન્યુ રાજકોટના વિસ્તારોને પુરૂં પાડતા અને શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્યારી-૧ ડેમની ૨૧.૬૫ ફુટે સપાટી પહોંચી છે. આ ડેમ ૨૫ ફૂટે ઓવરફલો થાય છે. આ ડેમમાં ૯ મહિના સુધીનું પાણી છે.
જ્યારે સૌરાષ્ટ્રના જીવાદોરી સમા અને જેતપુર પાસે આવેલ ભાદર ડેમની સપાટી ૨૭.૧૫ ફુટે પહોંચી છે. આ ડેમમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીનું પાણી છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. આ જળાશયમાંથી રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે.(૨.૨૫)
આજી-૧ ડેમ ક્યા કયા વર્ષે છલકાયો
ક્રમ વર્ષ
૧ ૧૯૭૬
૨ ૧૯૭૭
૩ ૧૯૭૮
૪ ૧૯૭૯
૫ ૧૯૮૦
૬ ૧૯૮૩
૭ ૧૯૮૮
૮ ૨૦૦૩
૯ ૨૦૦૭
૧૦ ૨૦૦૮
૧૧ ૨૦૧૦
૧૨ ૨૦૧૧
૧૩ ૨૦૧૩
૧૪ ૨૦૧૭
૧૫ ૨૦૧૯
૧૬ ૨૦૨૦
૧૭ ૨૦૨૧
૧૮ ૨૦૨૨
૧૯ ૨૦૨૩
૨૦ ૨૦૨૪

(3:36 PM IST)










