News of Monday, 25th August 2025
રતનપર, હડાળા, માધાપરમાં એસઓજી, ડીસીબીની ટીમોના દરોડાઃ વિદેશી છાત્રા-છાત્રોને ચકાસાયાઃ બે યુવતિની પુછતાછ
સ્ટુડન્ટ વીઝા વગર અમુક રહે છે ગેરપ્રવૃતિઓ કરે છે સહિતની ફરિયાદોને પગલે પોલીસની ટીમો ત્રાટકી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના હેઠળ કાર્યવાહીઃ એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા ત્રણસો જેટલાની ચકાસણી થઇ : મારવાડી અને દર્શન યુનિવર્સિટીમાં ભણતાં વિદેશી છાત્રો તેમજ અમુક વર્ક પરમીટ વીઝા પર રહેતાં વિદેશીઓના વીઝા, પાસપોર્ટ સહિતના દસ્તાવેજોની ચકાસણી

રતનપર, હડાળા સહિતના સ્થળોએ ભાડેથી રહેતાં વિદેશી છાત્રો, નોકરીયાતોના વીઝા-પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરવાની ડ્રાઇવ યોજાઇ હતી. ત્રણસો જેટલા વિદેશી છાત્રો સહિતને પોલીસની અલગ અલગ ટીમોએ ચેક કર્યા હતાં. પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને સ્ટાફ કામગીરી કરતાં જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૫: શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર, હડાળા તેમજ જામનગર રોડ પર આવેલા માધાપરમાં અનેક વિદેશી છાત્ર-છાત્રાઓ અને વર્ક પરમીટ પર રહેતાં વિદેશી યુવાનો, યુવતિઓ પૈકીના અમુક ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં હોવાની અને વેલીડ વીઝા પાસપોર્ટ ધરાવતાં ન હોવાની તેમજ ભણતર અથવા નોકરીની આડમાં ગેરપ્રવૃતિઓ કરે છે તેવી ગામલોકોની ફરિયાદો ઉઠતાં આજે ઓચીંતા જ શહેર એસઓજી-નારકોટીક કન્ટ્રોલ બ્યુરોની ટીમ, ડીસીબી અને ક્યુઆરટી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમોએ ઠેકઠેકાણે દરોડા પાડી વિદેશી છાત્રો, નોકરીયાની પુછતાછ કરી તેના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. બે યુવતિ પુરાવા રજૂ કરવામાં શંકાસ્પદ જણાતાં તેની વિશેષ પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી રોડ પરના રતનપર, હડાળા સહિતના ગામો આસપાસ ખાસ કરીને મારવાડી કોલેજ અને દર્શન કોલેજમાં ભણતાં આફ્રિકન દેશના છાત્રો અને બીજા કેટલાક વિદેશી નોકરીયાત યુવાન-યુવતિઓ પૈકીના અમુક ગેરપ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેતાં હોવાની અને તેમની પાસે યોગ્ય વીઝા કે પાસપોર્ટ પણ નહિ હોવાની ગામલોકોમાં ફરિયાદો ઉઠી હતી. આ મામલે ગામલોકોએ આગેવાનોએ અગાઉ કુવાડવા રોડ પોલીસ અને પોલીસ કમિશનરને પણ વિસ્તૃત રજૂઆતો કરી માદક પદાર્થો સહિતના નશા થતાં હોવાની અને આવા પદાર્થોનું વેંચાણ થતું હોવાની તેમજ વેશ્યાવૃતિ જેવી પ્રવૃતિઓ થતી હોવાની ચોંકાવનારી રજૂઆતો કરી આક્ષેપો કર્યા હતાં.
દરમિયાન ફરી વખતે આવી ફરિયાદો ઉઠી હોઇ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બસીયાની સીધા માર્ગદર્શન હેઠળ સવારથી જ શહેર એસઓજી-નારકોટીસ કન્ટ્રોલ બ્યુરોના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, ડીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમોએ મોરબી રોડના રતનપર, હડાળા તેમજ જામનગર રોડના માધાપરમાં ટીમો બનાવી દરોડા પાડયા હતાં. ક્યુઆરટીની ટીમો પણ સામેલ થઇ હતી. પોલીસની ટીમોએ ત્રણસો જેટલા વિદેશી છાત્રો, વિદેશી નોકરીયાતોના ઘરે પહોંચી મહિલા પોલીસને સાથે રાખી તેમના જરૂરી ડોક્યુમેન્ટ વીઝા પાસપોર્ટ ચેક કર્યા હતાં તેમજ અમુક ઘરોમાં પણ તલાસી લીધી હતી. જો કે મોડી બપોર સુધી ક્યાંયથી કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું. બે યુવતિ પુછતાછ દરમિયાન સંતોષકારક જવાબ આપી શકી ન હોઇ તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
(4:36 PM IST)










