તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મ.સા.ના. સાનીધ્યે પારસધામ ગીરનાર ખાતે ૩૩પ થી વધુ તપસ્વી ભાવિકોના સ્વાગત વધામણા
આવતીકાલ પર્વના અંતિમ દિવસે સંવત્સરી આલોચના વિધિ અને સંવત્સરી પ્રતિક્રમણ આરાધનાના વિશિષ્ટ આયોજન

રાજકોટ, તા. ર૬ : હજારો ભાવિકોની આત્મધરાને શુદ્ધ - વિશુદ્ધ કરીને પૂર્ણતા તરફ જઈ રહેલાં પર્વાધિરાજ પર્વના આજના અવસરે ૧૦૮ ઉપવાસના ધન્ય તપસ્વી, લઘુસર્વતોભદ્ર તપ, સિદ્ધિ તપ, ધર્મ ચક્ર તપના તપસ્વી, ૪૭ ઉપવાસના ૨ તપસ્વી, ૩૦ ઉપવાસ માસક્ષમણ તપના ૨૫ તપસ્વી, ૧૬ ઉપવાસના ૧૮ તપસ્વી, ૧૧ ઉપવાસના ૨૨ તપસ્વી, ૯ ઉપવાસના ૧૯ તપસ્વી, ૮ ઉપવાસના ૧૪૦ તપસ્વી મળીને ૩૩૫થી વધુ ઉગ્ર તપની આરાધના કરનારા તપસ્વી ભાવિકોના મસ્તકે સાફો પહેરાવીને અહોભાવથી એમને પ્રભુ નેમ દરબારે આવકારવામાં આવ્યાં હતાં. સ્થાનકવાસી જૈન સંઘોમાં થતી તપસ્યામાં સહુથી વધુ તપસ્વીઓ ગિરનારમાં જોડાયા છે.
માતુશ્રી કાશ્મિરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર દ્વારા દરેક તપસ્વીના ભાલ પર તિલક કરીને, શાલ અર્પણ કરીને અહોભાવથી એમને સન્માનિત કરવામાં આવતાં તપસ્વી અને તપધર્મનો જય- જયકાર વર્તાયો હતો.
દરરોજ આત્મહિતની નવી પ્રેરણા, આત્મ કલ્યાણની એક નવી રાહ અને આત્મશુદ્ધિની એક નવી દિશા આપીને હજારો- લાખો આત્માઓની અંતર જાગળતિ કરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે પર્વના અંતિમ દિવસે આવતીકાલ તા. ૨૭ને બુધવારે બપોરના ૦૨:૩૦ કલાકે ૅસંવત્સરી આલોચના વિધિૅનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
આંખ પર પટ્ટી બાંધીને, અંતરની આંખે જનમ - જનમના પાપ- દોષોની કબુલાત સ્વરૂપ મિચ્છામી દુક્કડમનો નાદ ગુંજાવીને દેશ-પરદેશના લાખો ભાવિકો સંવત્સરી આલોચના દ્વારા આત્મ વિશુદ્ધિ કરશે. જેનું લાઈવ પ્રસારણ પારસ ચેનલ તેમજ સોહમ ચેનલ પરથી કરવામાં આવશે.
પર્વાધિરાજ પર્વની પૂર્ણતાએ તા. ૨૮ને ગુરુવાર સવારના ૭:૩૦ કલાકે વિશિષ્ટ અને ઉગ્ર તપની આરાધના કરનારા ૩૩૫થી વધુ તપસ્વી ભાવિકોના સામુહિક પારણાનો અવસર પરમ ગુરુદેવના સાંનિધ્યે ગિરનારના નેમ દરબારમાં યોજાશે. દરેક તપસ્વી ભાવિકોના પારણા અને તેમની અનુમોદનાનો અમૂલ્ય લાભ સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી કાશ્મિરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.
(2:22 PM IST)










