<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

કાલથી ગણેશોત્સવના શ્રીગણેશ: શ્રીજીને વધાવવા રાજકોટ સજજ

‘‘ જયદેવ જયદેવ જય મંગલમૂર્તી દર્શનમાત્રે મનકામના પુરતી... જયદેવ જયદેવ... '' ઘરે ઘરે અને ચોકે ચોકે દાદાના સ્‍થાપન માટે પંડાલનું નિર્માણ : રોશની અને ધજા પતાકાના અનેરા શણગાર : કાલે શુભ મુહૂર્તોમાં વાજતે ગાજતે દાદાનું થશે સ્‍થાપન : કયાંક ત્રણ દીવસ તો કયાંક પાંચ દીવસ અને મોટાભાગે દસ દિવસીય મહોત્‍સવનું આયોજન

ગણેશ સ્‍થાપન માટેનીં તૈયારીઓને અપાતો આખરી ઓપ : આવતીકાલે ભાદરવી ચોથથી ગણેશ મહોત્‍સવનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્‍યારે દુંદાળાદેવના સ્‍થાપન માટે ગણેશભકતો આતુર બન્‍યા છે. ચોકે ચોકે વિશાળ ડોમ-પંડાલો ઉભા કરી મોહક સજાવટ કરવામાં આવી છે. કાલે શુભ મુહુર્તે દાદાની મુર્તિનું વાજતે ગાજતે સ્‍થાપન કરાશે. તસ્‍વીરમાં રાજકોટના સર્વેશ્વર ચોક, રેસકોર્ષ મેદાન અને ત્રિકોણબાગ ખાતે ગણેશ મહોત્‍સવના સ્‍થાપન માટે ઉભા કરાયેલ પંડાલો અને નયનરમ્‍ય શણગાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (

રાજકોટ તા. ૨૬ : આવતીકાલે ભાદરવા સુદ ચોથના દુંદાળા દેવ ગણપતિદાદાનો જન્‍મ દિવસ આનંદ મંગલભેર મનાવાશે. આ સાથે જ દસ દિવસીય ગણેશોત્‍સવનો પ્રારંભ થશે.

રાજકોટ આખુ જાણે કે ગણેશજીને વધાવવા થનગની રહ્યુ હોય તેમ ઘરે ઘરે તેમજ શેરીએ શેરીએ અને ચોકે ચોકે ગણેશ સ્‍થાપન માટે પંડાલ અને શમીયાણાઓનું નિર્માણ થયુ છે. રોશની અને ધજાપતાકા તથા અન્‍ય શુશોભનોથી ચોમેર અનેરો ઝળહળાટ છવાયો છે.

મહારાષ્‍ટ્રમાં ઉજવાતા ગણેશોત્‍સવને જાણે કે ગુજરાતે આત્‍મસાત કરી લીધો હોય તેમ આપણે ત્‍યાં વર્ષો વર્ષ ગણેશ સ્‍થાપનોની સંખ્‍યામાં વધારો થઇ રહ્યો છે. ગણેશજીની ભક્‍તિમાં ઓળઘોળ બનવા જાણે કે ભાવિકો અધીરા બન્‍યા છે.

આવતીકાલે શુભમુહુર્તે વિઘ્‍નહર્તા દેવના વાજતે ગાજતે સામૈયા કરી સ્‍થાપન કરવામાં આવશે. બાદમા દસ દસ દિવસ સુધી ઉત્‍સવી કાર્યક્રમો થશે અને છેલ્લે દિવસે વિસર્જન યાત્રા સાથે મહોત્‍સવનું સમાપન કરાશે. કયાંક એક દિવસ તો કયાંક ત્રણ અને પાંચ દિવસ તો કયાંક દસ દિવસનું સ્‍થાપન કરાશે.

કાલે ગણેશ સ્‍થાપન થવા સાથે તમામ સ્‍થળોએ દરરોજ સવાર સાંજ આરતી સહીતના કાર્યક્રમો થશે. શહેરમાં આયોજીત ગણેશ મહોત્‍સવની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

જીવનનગર

 ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી, જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગળત નાગરિક મંડળ, મહિલા સત્‍સંગ મંડળના સંયુકત ઉપકમે ગણપતિ મહોત્‍સવ તા. ૨૭ મી ઓગષ્‍ટથી તા. ૦૬ સપ્‍ટેમ્‍બર સુધી કઇક અલગ અને પ્રેરણારૂપ  ગણેશોત્‍સવનું જીવનનગર શેરી નં. ૪, અનિલ જ્ઞાન મંદિર સ્‍કૂલની પાછળ, મહાદેવધામ ખાત આયોજન કરવામાં આવ્‍યું છે. દરરોજ સવાર-સાંજ મહાઆરતી, પૂજન, અર્ચન, સ્‍તુતિ, પાઠ, દિપમાલા સહિત ધાર્મિક કાર્યકમોનું આયોજન ે કરાયુ છે. મહોત્‍સવ દરમ્‍યાન કોઈપણ પ્રકારની અડચણ, કોલાહલ, મુશ્‍કેલી ન પડે તેનું વિશેષ ધ્‍યાન રાખવામાં આવે છે. સ્‍થાપન-વિસર્જન વખતે ઢોલ-નગારા, ડીજે, ફટાકડા, અબીલગુલાલ, કંકુ, માઈક કે ઘોંઘાટ કરવામાં આવતો નથી. માર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવતી નથી. દરરોજ વધેલો પ્રસાદ રાત્રે જ જરૂરીયાતમંદોને આપવામાં આવે છે.

ડો. યાજ્ઞિક રોડ

ભૂદેવ સેવા સમિતિ દ્વારા ‘રાજકોટ કા મહારાજા' ગણેશોત્‍સવનું ડો. યાજ્ઞિક રોડ, ડો દસ્‍તુર માર્ગ ખાતે સતત ૧૭માં વર્ષે આયોજન કરાયુ છે. શ્રી ગણેશજીની ૯ ફૂટ જાજરમાન ઈકો ફ્રેન્‍ડલી મૂર્તિના સ્‍થાપન સાથે તા. ર૭ ઓગષ્‍ટથી ૬ સટેમ્‍બર શનિવાર સુધી ગણેશ મહોત્‍સવ ઉજવાશે. તેમ ભુદેવ સેવા સમીતીના પ્રમુખ અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય તેજસ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(3:29 PM IST)