તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
શેરબજારમાં નાણા ગુમાવતાં આર્થિક ભીંસમાં આવી ગયોઃ અભીજીતે ઝેર પીધું
ગાંધી વસાહતમાં રહેતાં યુવાને બાઇક પર મિતાણા ચોકડીએ પહોંચી ત્યાં પગલુ ભર્યુઃ રાહદારીએ સગાને જાણ કરતાં સારવારમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૭: શેર બજારમાં નાણા ગુમાવતાં આર્થિક ભીંસમાં આવી જતાં ગાંધી વસાહતના યુવાને ઘરેથી બાઇક લઇ નીકળી ગયા પછી મીતાણા ચોકડીએ જઇ ઝેર પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ જુના મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતો અભીજીત બલદેવભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) ગઇકાલે બપોર બાદ ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો. બાદમાં સાંજે છએક વાગ્યે તે મિતાણા ચોકડીએ ઝેરી દવા પી ગયો હોઇ કોઇ રાહદારીએ તેના ફોનમાંથી તેના સગાને જાણ કરી હતી. ૧૦૮ મારફત અભીજીતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ ટંકારા પોલીસને જાણ કરી હતી.
અભીજીત ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો છે. તે વિદ્યાનગર રોડ પર ખાનગી હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. શેર બજારમાં રોકાણ કર્યુ હોઇ નાણા ગુમાવતાં આર્થિક ભીંસમાં આવી ગયાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી. જો કે અભીજીત ભાનમાં આવ્યા બાદ સાચી વિગતો બહાર આવશે.
(2:25 PM IST)










