તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
પરમાત્માને ‘બો-ડાઉન' કરીને આજે મનના દ્વેષનું ‘ગોડાઉન' ખાલી કરવું: રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા. ર૭: મનમાં ભરેલાં ભૂતકાળના વિચારોનું ગોડાઉન ખાલી કરીને પ્રભુચરણમાં બોડાઉન કરીને હૃદયના ભાવથી, ભીંજાએલી આંખે મન - વચન - કાયાના ત્રિયોગથી ક્ષમાપના કરી લેવાનો પરમ કલ્યાણકારી બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે દેશ-વિદેશના લાખો ભાવિકોને પ્રભુના આરાધક બનવાના મંડાણ કરાવવાનો પરમ ઉપકાર કર્યો હતો.
પર્વાધિરાજ પર્વના અંતિમ ચરણ એવા સંવત્સરી મહાપર્વનો બોધ ફરમાવી પરમ ગુરુદેવે કહ્યું હતું કે, વિનમ્રતાની શ્રી લઈને, ક્ષમાભાવની શ્રી લઈને આવેલાં સંવત્સરી પર્વના આ અવસરે કોઈએ આપેલું દુઃખ ભૂલીને દુઃખથી હળવા થવા અને આપણે આપેલાં દુઃખની ક્ષમા માંગીને આજે હળવા હળવા બની જઈએ.
માત્ર કાયાથી જ નહીં, માત્ર વચનથી જ નહીં પરંતુ મનના ભાવથી ત્રિયોગે, અંતર ભાવથી આજે ક્ષમાપનાનું એવું આદાન-પ્રદાન કરી લઈએ, એવું મિચ્છામી દુક્કડમ્ કરી લઈએ કે ભૂતકાળના દરેક એકાઉન્ટ ક્લોઝ કરી લઈએ.
પરમાત્મા કહે છે, જે ક્ષમાપના કરે છે તે મારો આરાધક છે અને જે મનમાં વેર રાખે છે તે મારી આજ્ઞાનો વિરાધક છે. જે પોતાની ભૂલોનો એકરાર કરીને ક્ષમાપના કરી લે છે, પ્રભુ એને સુધારવા માટેનો કરાર કરી લે છે.
માટે જ આજે વેરભાવનાનું - દ્વેષભાવનું એવું મિચ્છામી દુક્કડમ્ કરી લઈએ, ભૂતકાળમાં કોઈએ કરેલાં અપમાનની, અપશબ્દોની, યોગ્ય વ્યવહારની સ્મળતિઓની, મેમરીનું એવું મિચ્છામી દુક્કડમ્ કરી લઈએ કે આજની સવંત્સરી સાર્થક બની જાય.
આ અવસરે ભૂતકાળની સ્મળતિઓના કાંકરાઓને દૂર કરીને ક્ષમાતીર્થની યાત્રા કરી લેવાની પ્રેરણા આપતાં પ્રયોગો અને અદભૂત નાટિકાના હૃદયસ્પર્શી દ્રશ્યોએ સહુના હૃદયને ક્ષમાભાવથી ભાવિત-પ્રભાવિત કરી દીધાં હતાં.
અંતરમનથી વેરનું વિસર્જન કરાવી દેનારા પરમ ગુરુદેવના કલ્યાણકારી બોધ વચન અને નાટિકાના પ્રેરક દૃશ્યો સાથે બપોરના સમયે આયોજિત સંવત્સરી આલોચના વિધિમાં પરમ ગુરુદેવની ભાવવાહી શૈલીમાં જનમ-જનમના પાપ-દોષોનું અંતર અવલોકન કરીને સમગ્ર ભારતના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના ભાવિકોએ આલોચના કરીને, પાપોની કબુલાત કરીને આત્મવિશુદ્ધી કરતાં સર્વત્ર ધન્યતા સર્જાઈ હતી. સાંજના સમયે પરમ ગુરુદેવના શ્રીમુખે પ્રતિકમણ આરાધનાની વિશિષ્ટ સમજણ પામીને પ્રતિક્રમણ સંવત્સરી પ્રતિક્રમણ કરતાં કરતાં સહુએ પાપ વિશુદ્ધિ કરી હતી.
પર્વાધિરાજ પર્વની પૂર્ણતાએ આવતીકાલ તારીખ ૨૮ને ગુરુવાર સવારના ૦૭-૩૦ કલાકે પરમ ગુરુદેવના સાંનિધ્યે ૩૩૫થી વધુ ઉગ્ર તપヘર્યાની આરાધના કરનારા ભાવિકોનો સામુહિક પારણા મહોત્સવ પ્રભુ નેમ દરબારમાં યોજાશે. તપસ્વી ભાવિકોની અનુમોદના અને પારણાનો અમૂલ્ય લાભ માતુશ્રી કાશ્મિરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.
(3:04 PM IST)










