<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

શુભકાર્ય ગણેશ પૂજન વગર શરૂ થતું નથીઃ ‘મિચ્‍છામી દુક્કડમ'ના મંત્રથી સમાજમા એકતા ફેલાય

ગણેશચતુર્થી અને સંવત્‍સરીની શુભેચછાઓ પાઠવતા ઉદય કાનગડ

રાજકોટઃ ધારાસભ્‍ય ઉદય કાનગડએ શહેરીજનોને ગણેશચતુર્થી અને સંવત્‍સરીના પાવન પર્વની હૃદયપૂર્વક શુભેચ્‍છાઓ પાઠવી છે. તેમણે જણાવ્‍યું કે કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર શરૂ થતું નથી. ગણેશજી વિઘ્‍નોનો નાશ કરનાર દેવ છે અને તેમની પૂજાથી ભક્‍તોના તમામ દુઃખ દૂર થાય છે.

ધારાસભ્‍ય શ્રી કાનગડએ ગણેશ મહોત્‍સવના ઇતિહાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ ઉત્‍સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુણેમાં કરી હતી. બાદમાં બાલ ગંગાધર તિલકે આ તહેવારને સામાજિક એકતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા માટે એક નવા સ્‍વરૂપમાં ઉજવવાનું શરૂ કર્યું. આ મહોત્‍સવ લોકોમાં એકતા અને દેશભક્‍તિની ભાવના પ્રેરિત કરે છે.

તેમણે ઉમેર્યું કે, સંવત્‍સરી પર્વ આપણને ક્ષમા, સહિષ્‍ણુતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. 'મિચ્‍છામી દુક્કડમ્‌'ના પવિત્ર મંત્રથી સમાજમાં પ્રેમ અને એકતા ફેલાય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના સૂત્ર સાથે કાર્યરત છે, તે જ રીતે આ પર્વ પણ આપણને સમાજ અને રાષ્ટ્રના કલ્‍યાણ માટે યોગદાન આપવાની પ્રેરણા આપે છે.

શ્રી કાનગડએ જણાવ્‍યું કે, ગણેશચતુર્થીનું પર્વ મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છેલ્‍લા દાયકાથી વધુ સમયથી ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. ભક્‍તો ઢોલ-નગારા સાથે દુંદાળા દેવની મૂર્તિનું સ્‍થાપન કરે છે અને દસ દિવસ સુધી ભક્‍તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે. ગણપતિ બાપાને પ્રિય એવા લાડુ અને મોદકનો પ્રસાદ વહેંચવામાં આવે છે. પંડાલને સુંદર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે અને સાંજે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. દસમા દિવસે ગણપતિ દાદા મોરીયા, અગલે બરસ તુ જલ્‍દી આના નાદ સાથે ગણપતિ વિસર્જન યાત્રા યોજાય છે.

અંતમાં, ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ આશા વ્‍યક્‍ત કરી કે આ ગણેશ મંગલ મહોત્‍સવ સૌના જીવનમાં નવી દિશાઓ લાવશે. ગણપતિ બાપાની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને સૌ એકતા સાથે સમાજના કલ્‍યાણ માટે કાર્યરત રહે તેવા શુભ સંકલ્‍પ સાથે તેમણે પર્વની શુભેચ્‍છાઓ પાઠવી.

 

(3:24 PM IST)