<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

શહેર ભાજપના ગણપતિજીના સામૈયામાં પાંખી હાજરીઃ કોર્પોરેટર-કાર્યકરો મોટી સંખ્‍યામાં ગેરહાજર

કાર્યાલયથી દર વખતે આપવામાં આવતી સૂચના અમુક વોર્ડમાં ન મળી હોવાનો ગણગણાટ ગણેશ મહોત્‍સવના ઠેર-ઠેર સાર્વજનિક સોસાયટીમાં આયોજનોનાં કારણે પ્રોસેશનમાં જોઇએ તેટલી હાજરી ન થઇ હોવાની ચર્ચા

રાજકોટ તા. ર૭ :.. આજથી ગજાનન ગણપતિ મહારાજની ઠેરઠેર પધરામણી થઇ છે. ૧ થી ૧૦ દિવસ ભકતો શ્રીજીની સ્‍થાપના કરી પુજા-અર્ચના કરશે. ત્‍યારે શહેર ભાજપ દ્વારા વર્ષોથી યોજવામાં આવતી ગણપતિ મહોત્‍સ્‍વના સામૈયામાં પાંખી સંખ્‍યા થતા ચર્ચા શરૂ થઇ છે.

આજે સવારે શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં મેયર બંગલાથી વાજતે-ગાજતે પ્રોશેસન કાઢી ગણપતિજીનું સ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. જો કે મેયર બંગલાથી લઇને રેસકોર્સ ગ્રાઉન્‍ડ  સુધીના સામૈયામાં અડધો - અડધ કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

જો કે ગણેશ સ્‍થાપનના વધેલ વ્‍યાપથી નગરસેવકો, નેતાઓ, કાર્યકરો દ્વારા સાર્વજનિક કે સોસાયટી લેવલે મહોત્‍સવના આયોજન થઇ રહ્યા છે, જેથી તેઓ શહેર ભાજપના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહયા ન હોય તેવી સંભાવનાઓ દર્શાવાઇ રહી છે.

તેમ છતા શહેર ભાજપ દ્વારા ગેરહાજર રહેલ તમામ કોર્પોરેટરોના ખુલાસા પુછવામાં આવનાર છે. જો કે ખુલાસા માત્ર ટેલીફોન થી જ લેવામાં આવશે. ઉપરાંત કોઇ કાર્યવાહી પણ કરવામાં નહી આવે તેવી વાતો પણ વહેતી થઇ છે.  ઉપરાંત દર વખતની જેમ કાર્યાલયથી તમામ વોર્ડમાં આપવામાં આવતી સૂચના પણ અમુક વોર્ડમાં ન મળી હોવાનો ગણગણાટ શરૂ થઇ ચૂકયો છે. જેથી નગરસેવકો ઉપરાંત કાર્યકરોની સંખ્‍યા પણ પ્રોસેશનમાં ઓછી હોવાનું ત્‍યાં હાજર સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે. (૯.રપ)

 

(3:33 PM IST)