<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

દારૂ ઢીંચીને ખેલ કરતાં બે ભત્રીજાઓને ઠપકો આપનારા કાકાની આંખમાં છરી ભોંકી દેવાઇ

દેખાતું બંધ થઇ ગયું: હાથમાં પણ ઇજાઃ મોરબીના વૃધ્‍ધ ગભાભાઇ પરમારને સારવાર માટે રાજકોટ આંખની હોસ્‍પિટલમાં દાખલ કરાયા

રાજકોટ તા. ૨૮: દારૂના નશો કર્યા બાદ અમુક શખ્‍સો ખેલ કરી ડખ્‍ખા કરતાં હોય છે અને બીજા માટે ત્રાસરૂપ બનતાં હોય છે. મોરબીમાં એક વૃધ્‍ધે દારૂ પી ખેલ કરી રહેલા, ગાળો બોલી રહેલા બે સગા ભત્રીજાને સમજાવતાં આ બંનેએ ઉશ્‍કેરાઇ જઇ છરીથી હુમલો કરી દેતાં આ વૃધ્‍ધાના બંને હાથમાં ઇજા થઇ હતી. એક ભત્રીજાએ ડાબી આંખમાં છરી ભોંકી દેતાં વૃધ્‍ધને દેખાતુ બંધ થઇજતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મોરબીમાં નવલખી ફાટક પાસે બ્રીજ  નીચે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતાં ગભાભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધ સાંજે પોતાના ઘર પાસે હતાં ત્‍યારે બાજુમાં જ રહેતાં બે ભત્રીજા શકુ ગુણાભાઇ અને ભગા ગુણાભાઇએ છરીથી હુમલો કરતાં બંને હાથમાં ઇજાઓ થઇ હતી. તેમજ છરીનો એક ઘા ડાબી આંખમાં લાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. તેમને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. આંખે દેખાતું બંધ થઇ ગયાનું કહેતાં તેમને આંખની હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ અને ધર્મેન્‍દ્રભાઇએ મોરબી  એ-ડિવીઝન પોલીસને કરી હતી.

ગભાભાઇએ જણાવ્‍યું હતું કે હું પતરા ચડાવવાની મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. અમારી બાજુમાં જ ભત્રીજા શકુ અને ભગો રહે છે. ત્રણેક દિવસથી આ બંને દારૂ પી ઘર પાસે ખેલ કરતાં હતાં. સાંજે મારા ઘર પાસે આવી ગાળો બોલતાં હોઇ તેને મેં ઠપકો આપતાં ઉશ્‍કેરાઇ ગયા હતાં અને છરીથી તૂટી પડયા હતાં. મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાડલાના દહીંસરામાં ફુલબાઇબેન ઝેર પી ગઇ

જસદણ તાબેના દહીંસરા ગામે અમીતભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહેતી ફુલબાઇબેન કિશનભાઇ ભીલ (ઉ.વ.૩૦) સાંજે વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ભાડલા પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૬)

(12:09 PM IST)