<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સર્વત્ર ઉજવાતો ૧ર દિ'નો મીલાદોત્‍સવ

સમગ્ર ગુજરાતમાં કયાંય ચંદ્ર દર્શન થયુ નહીં, મુંબઇથી ગવાહી ગુજરાત પહોંચી ‘અકિલા' ના ૭ દિ' પહેલાનો અહેવાલ અક્ષરસઃ સાચો ઠર્યોઃ રવિવારે જ ચંદ્ર દેખાશે અને ગુજરાતમાં કયાંય નહી દેખાય, એ શબ્‍દો પણ સાચા ઠર્યાઃ હવે આગામી શુક્રવારે ઉજવાશે પૈગમ્‍બર જયંતિ

રાજકોટ, તા., ર૬ : છેલ્લા કેટલાય દિવસથી મેઘાવી માહોલ રહેતા ગત તા. ૨૪/૮/૨૫ ને રવિવારના સાંજે આકાશમાં ચંદ્રદર્શન શકય થયેલ નહી અને કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ચંદ્રદર્શન સ્‍પષ્‍ટ થઇ જતા ગત તા. રર/૮/૨૦૨૫ ને શુક્રવારના અકિલા દૈનિકમાં પ્રસિધ્‍ધ થયેલ ઇદે મિલાદ પુર્વેનો અહેવાલ ફરી એકવાર સંપુર્ણપણે સત્‍ય ઠર્યો છે.

જો કે કર્ણાટકના અનેક વિસ્‍તારોમાં થયેલ ચંદ્રદર્શનની ગવાહી સોમવારે મુંબઇ પહોંચી હતી. એ પછી આ ગવાહી ગઇકાલે બુધવારે ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં પહોંચતા ઇસ્‍લામી માસ રબી ઉલઅવ્‍વલની પ્રથમ તારીખ સોમવારના ગણવામાં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે ઇસ્‍લામી પંચાગ હંમેશા ચંદ્રદર્શન ઉપર આધારીત રહે છે અને તેના ર૯ કે ૩૦ દિવસ હોય છે. ત્‍યારે ગત રવિવારે ર૯ મી તારીખે રબ્‍બી ઉલ અવ્‍વલ માસનું ચંદ્રદર્શન રવિવારે છે. અને પાંચમી સપ્‍ટેમ્‍બરના જ ઇદે મીલાદ ઉજવાશે એ બાબત અકિલાના પુર્વ અહેવાલમાં ઉલ્લેખાયેલ જે બાબતને આ ગવાહીથી સંપુર્ણ સમર્થન મળ્‍યું છે.

જયારે વિશેષણ તો એ છે કે, આ પુર્વ અહેવાલમાં ગુજરાતમાં કયાંય ચંદ્રદર્શન જોવા ન મળે એ શબ્‍દો લખાયેલા જે પણ અક્ષરસઃ સાચા ઠર્યા છે. યાદ રહે રવિવારે સમગ્ર ગુજરાતમાં ભરપુર વરસાદી માહોલ રહયો હતો. ગત ઇસ્‍લામી માસ મહોર્રમ પુર્વેનો આ પ્રકારનો અહેવાલ સત્‍ય ઠર્યા બાદ આજે વધુ એક ઇદે મીલાદનો પુર્વ અહેવાલ સત્‍ય ઠર્યો છે. જે પ્રસિધ્‍ધ અહેવાલની પ્રતિકૃતિની તસ્‍વીર અહી રજુ છે.

બીજી તરફ ગત શનિવારથી પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિને અનુલક્ષી ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે. મસ્‍જીદો, મદ્રેસા, મકાનોને રોશનીથી ઝળહળતા કરાયા છે. અનેક વિસ્‍તારોમાં ૧ર દી'ના વાઅઝ ચાલી રહ્યા છે. જેમાં મોટીમાત્રામાં લોકો હાજરી આપે છે. અને મસ્‍જીદોમાં પણ પઠન ચાલી રહ્યું છે. (પ-૮)

(12:25 PM IST)