News of Thursday, 28th August 2025
ધર્મેન્દ્ર રોડની દૂકાન વેંચવાના બહાને અને બીજી રીતે નેહા ૧૦ લાકોના રૂપિયા ૨.૨૪ કરોડ ખાઇ ગઇ
નિર્મલા રોડના વૃધ્ધ ઘનશ્યામભાઇ માણેકના ૧.૫ કરોડ અને બીજા ૯ લોકો પાસેથી પણ ૧ કરોડથી વધુ ખંખેરી લીધાઃ બધાને એક જ દૂકાનનો દસ્તાવેજ કરી આપવાના નામે ઠગાઇ આચરીઃ એ-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૮: શહેરના ધર્મેન્દ્ર રોડ કડીયા નવલાઇનમાં આવેલી એક દૂકાન વેંચવાના બહાને એક મહિલાએ નિવૃત જીવન જીવતાં વૃધ્ધ સાથે એક કરોડની અને બીજા ૯ લોકો પાસેથી અલગ અલગ બહાના કરી ઉછી ઉધારના કરી બીજા સવા કરોડ મેળવી કુલ સવા બે કરોડની ઠગાઇ કરતાં ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે નિર્મલા રોડ પર સરસ્વતિ સોસાયટી-૪માં જીતેન મકાન ખાતે રહેતાં ઘનશ્યામભાઇ દયાળજીભાઇ માણેક (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી નેહા રજનીકાંત ગાંધેશા વિરૂધ્ધ દુકાનના સોદાના બહાને દસ્તાવેજ કરી આપવાનું વચન આપી સાટાખત કરી આપી રૂા. ૧,૦૫,૮૮,૭૯૪ ઓળવી જઇ દસ્તાવેજ નહિ કરી આપ્યાનો તેમજ બીજા દસ લોકો પાસેથી પણ અલગ અલગ બહાને દૂકાનનો દસ્તાવેજ કરી આપવાના બહાને જુદી જુદી રકમ મેળવી લઇ કુલ બે કરોડથી વધુની ઠગાઇ કર્યાનો ગુનો નોંધાયો છે.
ઘનશ્યામભાઇ માણેક પરિવાર સાથે રહે છે અને નિવૃત જીવન જીવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું અવાર-નવાર ધર્મેન્દ્ર રોડ કડીયા નવ લાઇન શેરી નં. ૬માંથી નીકળતો હોઉ ત્યાં દોમડીયાના ડેલા તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં દૂકાન નં. ૩ ઉપર કેપ્રી ગ્લોબલ કેપીટલ નામની કંપનીની જાહેર નોટીસ લગાડેલી હતી. આ મિલ્કત લોનના ચડત હપ્તામાં હોઇ જેથી કોઇએ વહેવાર કરવો નહિ તેવુ બોર્ડ હતું. માર્ચ-૨૦૨૫ની શરૂઆતમાં આ બોર્ડમાં લખેલા નંબર પર મેં ફોન કરતાં ફોન રિસીવ કરનારે મવડી ચોકડી આરકે એમ્પાયરમાં આવી જાય તેમ કહેતાં થોડા દિવસ પછી હું કેપ્રી ગ્લોબલની મવડી ચોકડીની ઓફિસે ગયો હતો.
ત્યાં જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે આ કિલ્કત પપર દેણુ થયું છે અને ચડત હપ્તા છે. ત્યાંના મેનેજરે મને કહેલુ કે તમે હપ્તા ભરી દો અને બાદમાં દુકાન તમારે ખરીદ કરવી હોય તો ૧૫-૨૦ દિવસનો સમય મળશે. આ દુકાનના માલિક નેહાબેન રજનીકાંત ગાધેશા પોતાની આ દુકાનની બાજુમાં બીજી એક દુકાન છે ત્યાં તેઓ વેપાર કરે છે. આ પછી હું નેહાબેનને મળ્યો હતો ત્યારે તેણીએ કહેલુ કે મારાથી આ દૂકાનના હપ્તા ભરી શકાય તેમ નથી, દુકાન ફડચામાં જાય તેમ છે. આથી મેં કહેલુ કે તમારે દૂકાન વેંચવી હોય તો મારે ખરીદવી છે. આથી તેમણે કહેલુ કે તમે લોન ભરી દો અને ઉપરના ૯ લાખ મને આપવા પડશે. જેથી મેં હા પાડી હતી.
બાદમાં હું કેપ્રી ગ્લોબલ લિ.ની ઓફિસે ગયો હતો અને મેનેજર નિખીલભાઇને મળતાં કહેલુ કે તમે ચડત હપ્તા ભરી દો, પછી વીસેક દિવસમાં બાકીની રકમ ભરી દો એટલે પ્રોપર્ટી છુટી થઇ જાય. જેથી મેં ટોટલ ભરવાના થતા હપ્તાની રકમ અંગે પુછતાં ૭,૯૪,૦૦૦ ચડત હપ્તાના અને ઉપરના ૮૯,૮૮,૭૯૪ ભરવાના થશે તેમ કહેવાયુ હતું. આ પછી મેં નેહાબેન ગાંધીના કેપ્રી ગ્લોબલના એકાઉન્ટમાં ૭,૯૪,૦૦૦ ભરી દીધા હતાં. આ પછી ૮૯,૮૮,૭૯૪ પણ ચાર ભાગમાં આરટીજીએસથી ભર્યા હતાં. તેમજ ૯ લાખ નેહાબેનને અગાઉ નક્કી થયા મુજબ અલગથી આપ્યા હતાં.
બાદમાં મેં નેહાબેનને દસ્તાવેજ વિશે પુછતાં તેણે બીજા દિવસે દસ્તાવેજ કરી આપશે તેમ કહ્યું હતું. પણ ૧૬/૪/૨૫ના રોજ દસ્તાવેજ કરવા માટે તારીખ લીધી પછી નેહાબેને ફોન કરેલો કે મારી દિકરીની તબીયત સારી નથી, બે-ચાર દિવસ પછી દસ્તાવેજ કરાવીશું. આ પછી તેણે દસ્તાવેજ કરી આપવા સમય ફાળવ્યો નહોતો અને અલગ અલગ બહાના બતાવ્યા હતાં. છેલ્લે મને ખબર પડી હતી કે તેણે મારી સાથે છેતરપીંડી કરી છે.
બાદમાં મેં તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું હતું કે નેહાબેને અન્ય ૯ લોકોને પણ અલગ અલગ બહાને તેની પાસેથી નાણા મેળવી લઇ પાછા ન દઇ છેતર્યા છે. જેમાં અમીતાબેન ભાવેશભાઇ મહેતા સાથે ૨૬,૨૭,૩૬૮ની, જાગૃતીબેન રમેશભાઇ બાલાસરા સાથે ૧૫ લાખ, દક્ષાબેન સુરેશભાઇ લાઠીગ્રા સાથે ૧,૨૦,૦૦૦, હર્ષાબેન પ્રદિપભાઇ મહેતા સાથે ૪,૩૨,૦૦૦, કાશ્મીરાબેન કનૈયાલાલ તન્ના સાથે ૧૭,૭૨,૦૦૦, દક્ષાબેન હીરેનભાઇ ત્રિવેદી સાથે ૪,૦૦,૦૦૦, રીટાબેન રૂષભભાઇ ગાંધી સાથે ૧૫,૦૦,૦૦૦, રાજેશભાઇ હરજીભાઇ મોકાસણા સાથે ૨૦,૦૦,૦૦૦ની ઠગાઇ મારી જેમ જ કરી છે. આમ મારી સાથે ૧,૦૫,૮૮,૭૯૪ની અને બીજા લોકો સાથે ૧ કરોડ ૨૦ લાખ જેવી રકમ મળી કુલ ૨ કરોડ ૨૫ લાખની ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ નેહા ગાધેશા રાજકોટમાં મનહરપ્લોટ વિસ્તારમાં રહે છે. ધરપડ માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:41 PM IST)










