<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

વાઇ આવતાં ત્રીજા માળના રવેશમાંથી પડી જતાં સોળ વર્ષના વિનય મકવાણાનું મોત

માતા કમ્‍પાઉન્‍ડમાં ધૂનમાં બેઠા હતાં ત્‍યારે દિકરો ઉપર પાણી પીવા ગયા પછી બનાવ વાવડી આવકાર સીટી એપાર્ટમેન્‍ટમાં બનાવઃ લાડકવાયાના મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ આવકાર સીટી એપાર્ટમેન્‍ટમાં રહેતાં પરિવારનો ૧૬ વર્ષનો દિકરો ત્રીજા માળે રવેશમાં ઉભો ઉભો પાણી પીતો હતો ત્‍યારે વાઇ આવતાં પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ આવકાર સીટીમાં રહેતો વિનય જીણાભાઇ મકવાણા (ઉ.વ.૧૬) સાંજે પાંચેક વાગ્‍યે ત્રીજા માળે ફલેટના રવેશમાં ઉભો રહી પાણી પીતો હતો. તેને વાઇનું દર્દ હોઇ આ વખતે વાઇ આવતાં કાબુ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. વિનય બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. આઠ ધોરણ સુધી તેણે અભ્‍યાસ કર્યો હતો. હાલમાં તે અભ્‍યાસ કરતો નહોતો.

ગણપતિ ઉત્‍સવ અંતર્ગત એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં રહેવાસીઓ ધૂન ભજન કરી રહ્યા હોઇ વિનય પણ માતા ભાવનાબેન સાથે અહિ હતો. દરમિયાન તે એક વખત ઉપર મોબાઇલ ફોન લેવા ગયો હતો અને નીચે આવી ગયો હતો. થોડીવાર બાદ ફરી તે પાણી પીવા જવાનું કહીને ગયો હતો. ત્‍યારે ત્રીજા માળે રવેશમાં પાણી પીતી વખતે નીચે પટકાયો હતો. સગાના કહેવા મુજબ કદાચ વાઇ આવી જતાં તે પડી ગયો હશે. બનાવથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ભાવનાબેનના પ્રથમ પતિ જીણાભાઇનું દસકે વર્ષ પહેલા અવસાન થયું હોઇ પાંચ વર્ષ પહેલા તેમણે ભાવેશભાઇ સોલંકી સાથે બીજા લગ્ન કર્યા છે. મૃત્‍યુ પામનાર વિનય અને એક દિકરી તેમને આગલા ઘરના છે અને બીજા લગ્નથી ત્રણ વર્ષની એક દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્‍ટેશન ઓફિસર એએસઆઇ દિપકભાઇ પંડીતે જાણ કરતાં એએસઆઇ નિલેષભાઇ ચાવડા અને નયનાબાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(2:21 PM IST)