તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
વૃધ્ધાને લિફટ આપી દાંતથી ચેઇન કાપી લીધોઃ અલ્પેશ, સુનિલ, જ્યોતિ અને ગોૈતમ પકડાયા
કારમાં લિફટ આપી દાગીના ચોરતી ટોળકી રાજકોટમાં ઝડપાઇ : જુનાગઢ તાલુકાનો ગુનો રાજકોટ એ-ડિવીઝન પોલીસે ઉકેલ્યોઃ કરણભાઇ વિરસોડીયા, ધારાભાઇ ગઢવી સહિતની બાતમીઃ પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમની કાર્યવાહી : સુત્રધાર અલ્પેશની સાત ગુનામાં સંડોવણીઃ ૭૫ હજારનો ચેઇન, ૧૦ લાખની કાર કબ્જે

રાજકોટ તા. ૨૮: કારમાં રાહદારીઓને લિફટ આપી નજર ચુકવી ચેઇન કાપી લેતી યુવતિ સહિતની ૪ જણાની ટોળકીને એ-ડિવીઝન પોલીસે ચોરાઉ ચેઇન સાથે પકડી લીધા છે. અમરેલી, અમદાવાદ, જુનાગઢના આ ચારેય રાજકોટ ચોરાઉ ચેઇન વેંચવા આવ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ એ-ડિવીઝન ડી. સ્ટાફની ટીમ ગુના ઉકેલવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ધારાભાઇ ગઢવી, કરણભાઇ વિરસોડીયા, મહેશભાઇ ચાવડા અને કલ્પેશભાઇ બોરીચાની બાતમી પરથી જીજે૧૧સીએચ-૩૮૭૪ નંબરની કારને આંતરી લીધી હતી. તેમાં એક યુવતિ સહિત ચાર જણા બેઠા હતાં. જે પૈકી એક શખ્સના ખિસ્સામાંથી તૂટેલો સોનાનો ચેઇન મળી આવ્યો હતો. તેનું બીલ માંગતાં ગલ્લા તલ્લા કર્યા બાદ કબુલ્યું હતું કે વીસાવદર નજીક આણંદપર બગડુ ગામ પાસે રોડ પર ઉભેલા એક વૃધ્ધાને કારમાં લિફટ આપી હતી અને ધક્કામુક્કી કરી નજર ચુકવી દાંતેથી ચેઇન કાપી લીધો હતો.
પોલીસે અલ્પેશ કિશોરભાઇ સોલંકી (ઉ.૨૫-રહે. વાવેરા રોડ ભોળાનાથ મંદિર પાસે રાજુલા અમરેલી), જ્યોતિ સુરેશ પંડીત (ઉ.૨૮-રહે. સનાથળ ટોલટેક્સ શાંતીપુરા ચોકડી બ્રીજ નીચે ઝૂપડામાં અમદાવાદ), સુનિલ વિનુભાઇ સોલંકી (ઉ.૨૭-રહે. મોટા ઉજાળા શીવ મંદિર પાસે તા. કુંકાવાવ) અને ગોૈતમ ગોરધનભાઇ ચુડાસમા (ઉ.૧૮-રહે. ગીરનાર દરવાજા ચોક, જુનાગઢ, મુળવીજપડી અમરેલી)ને રૂા. ૭૫ હજારના ચોરાઉ ચેઇન સાથે પકડી૧૦ લાખની કાર પણ કબ્જે કરી હતી. આ અંગે જુનાગઢ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હોઇ ત્યાં જાણ કરાઇ હતી.
આ ટોળકીનો સુત્રધાર અલ્પેશ સોલંકી છે. તે સાગ્રીતોનો સાથ લઇ આ પ્રકારના ચોરીના ગુના આચરતો રહે છે. તેના વિરૂધ્ધ બનાસકાંઠા, ભાવનગર, સુરત, અમરેલી, જામનગરમાં અગાઉ સાત જેટલા ગુના નોંધાયા છે. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કરણભાઇ વિરસોડીયા, કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, ધારાભાઇ ગઢવી, કનુભાઇ બસીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી
(2:22 PM IST)










