News of Friday, 29th August 2025
ભુવાએ કીધું છે ‘તમારો દિકરો દાગીના ચોરશે,એને અટકાવવા વિધી કરાવો', માસીને છેતરી જીજ્ઞાશા ૨૦.૫૦ લાખના દાગીના બઠ્ઠાવી ગઇ!
કુવાડવાના બેટી ગામના ભારતીબેન બાંભણીયાના દિકરા મિતેષની સગાઇ તૂટતા ગુમસુમ રહેતો હતોઃ ભારતીબેને રાજકોટથી ઘરે આવ-જા કરતી માસીયાઇ બહેનની દિકરી જીજ્ઞાશાને વાત કરતાં તેણે ભુવા પાસે જોવડાવાના બહાને આચરી લીધી છેતરપીંડી : સાડીના પોટલામાં દાગીના મુકી અગરબત્તી કરી, માસી ભારતીબેનને દરવાજા બહાર ઉભા રાખી પછી પોટલુ કબાટમાં મુકી દેવા કહ્યું: આઠ મહિના બાદ પોટલુ ખોલતાં માત્ર ચાંદીના દાગીના નીકળ્યા સોનાના ગાયબ હતાં: એરપોર્ટ પોલીસમાં ગુનો નોંધાતા તપાસ : જીજ્ઞાશા સિતાપરાએ દાણા જોવડાવવાના બહાને માસીના બે દિકરા મિતેષ અને પ્રશાંત પાસેથી ઓનલાઇન ૩,૨૨,૩૨૦ પણ પડાવી લીધાઃ દાગીના-રોકડ પાછા આપી દેશે તેવી બાહંધરી આપી પણ કંઇ પાછુ ન દેતાં અંતે ફરિયાદ : ઠગાઇથી મેળવેલા લાખોના દાગીના જીજ્ઞાશાએ મુથુટ ફાયનાન્સમાં મુકી દીધા! : દિકરો ઘરમાં ચોરી કરે જ નહિ એવો વિશ્વાસ હોવા છતાં ભારતીબેન ભાણેજ જીજ્ઞાશાની વાતોમાં આવી ગયા અને વિધી માટે રાજી થતાં છેતરાઇ ગયા

રાજકોટ તા. ૨૯: કુવાડવાના બેટી ગામે રહેતાં મહિલા ભારતીબેનના દિકરા મિતેષની સગાઇ એક વાર તૂટી ગઇ હોઇ તે ગુમસુમ રહેતો હોઇ તેણીએ પોતાની માસીયાઇ બહેનની દિકરી જીજ્ઞાશા જે રાજકોટથી ઘરે આવતી જતી હોઇ તેને આ વાત કરતાં જીજ્ઞાશાએ સુરેન્દ્રનગરના ભુવા પાસે દાણા જોવડાવવાની વાત કરી મિતેષને દાણા જોવડાવવા લઇ જઇ બાદમાં ભાણેજ ભારતીબેનને-તમારો દિકરો મિતેષ ઘરમાંથી દાગીના ચોરી લેશે તેવુ ભુવાએ કહ્યું છે, જો આમ ન થવા દેવું હોય તો વિધી કરી દાગીના પોટલામાં મુકવા પડશે તેમ કહી વિધીના નામે સોના-ચાંદીના દાગીનાનું પોટલુ બનાવી છેતરપીંડી કરી તેમાંથી ૨૦.૫૦ લાખના સોનાના દાગીના કાઢી લઇ અંદર ચાંદીના દાગીના જ રહેવા દીધા હતાં. વળી આ દાગીના ફાયનાન્સ પેઢીમાં બારોબાર મુકી દેતાં માસી ભારતીબેનના બે દિકરાઓ પાસેથી પણ જોવડાવવાના નામે ઓનલાઇન રૂા. ૩,૨૨,૩૨૦ મેળવી લેતાં ઠગાઇનો ગુનો નોંધાયો છે.
આ બનાવમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા કુવાડવા નજીકના બેટી ગામે રહેતાં ભારતીબેન જયેશભાઇ બાંભણીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રાજકોટ ઢેબર કોલોનીમાં રહેતી જીજ્ઞાશા મનસુખભાઇ સિતાપરા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો દાખલ કરાયો છે.
ભારતીબેન બાંભણીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં મોટો મિતેષ ૨૭ વર્ષનો અને નાનો પ્રશાંત ૨૫ વર્ષનો છે. ગત તા. ૯/૫ના રોજ સવારે દસેક વાગ્યે મેં મારા ઘરની તિજોરી ખોલતાં સાડીનું પોટલુ બાંધીને રાખેલા રૂા. ૨૦,૫૨,૮૩૫ના ૪૪૮.૭૧ ગ્રામ જેટલા દાગીના જોવા ન મળતાં આ બનાવની જાણ મેં મારા પતિ અને દિકરાઓને કરી હતી.
મારી માસીયાઇ બહેન ગીતાબેનની દિકરી જીજ્ઞાશા મનસુખભાઇ સિતાપરા જે રાજકોટ ઢેબર કોલોની પાસે રહે છે તે અવાર-વનાર અમારા ઘરે આવતી હતી. મારા મોટા દિકરા મિતેષની સગાઇ એક વાર તૂટી ગઇ હોઇ તે રૂમમાં એકલાયો ગુમસુમ રહેતો હતો. જેથી મેં આ વાત જીજ્ઞાશાને કરી હતી. આથી જીજ્ઞાશાએ કહેલુ કે એક જાણીતા ભુવા દિલીપભાઇ જે સુરેન્દ્રનગરવાળા છે તેની પાસે આપણે દાણા જોવડાવી આવીએ. આથી મારોદિકરો મિતષ અને જીજ્ઞાશા ત્યાં અવાર-નવાર જોવડાવવા જતાં હતાં. પરંતુ હું કદી આ ભુવા પાસે ગઇ નથી કે તેની સાથે ફોનમાં પણ વાત કરી નથી. ભુવા અમારા ઘરે પણ ક્યારેય આવ્યા નથી.
આ પછી જીજ્ઞાશાએ મને કહેલુ કે ભુવા પાસે જોવડાવતાં ભુવાએ કીધુ છે કે મિતેષ ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરશે. આથી મેં કહેલુ કે મારો દિકરો આવુ કોઇ દિવસ કરે નહિ. આ સાંભળી જીજ્ઞાશાએ કહેલું કે ભુવાએ મને કીધુ છે એ મુજબ તમારે ઘરમાં જેટલા સોના ચાંદીના દાગીના હોય તેને સાડમીાં પોટલુ બાંધીને વિધી કરીને કબાટમાં મુકવા પડશે. આથી મેં તેને વિધી કરવાની હા પાડી હતી. બાદમાં જીજ્ઞાશાએ ગયા વર્ષે ભાદરવા મહિનામાં મારા ઘરે આવી મારા સોના-ચાંદીના દાગીના સાડીમાં મુકી પટોલુ બનાવી લીધુ હતું. જીજ્ઞાશાએ આ પટોલાને અગરબત્તી કરી વિધી કરી હતી અને મને મારા ઘરના દરવાજા બહાર ઉભા રહેવાનું કહ્યું હતું. આ પછી મને બંધેબંધ પોટલુ આપીને કબાટમાં મુકી દેવાનું કહ્યુ઼ હતું.
જેથી મેં એ પોટલુ કબાટમાં મુકી દીધુ હતું. હવે આઠેક મહિના બાદ મેં આ પોટલુ ખોલતાં તેમાંથી માત્ર ચાંદીના દાગીના મળ્યા હતાં, સોનાના બધા દાગીના ગાયબ હતાં. મારા દિકરા મિતષને પુછતાં તેણે એવુ પણ કહ્યું હતું કે જીજ્ઞાશા ભુવા પાસે જોવરાવવા જવું છે તેવુ બહાનુ કરી મારી પાસેથી ઓનલાઇન રૂા. ૨,૪૨,૩૫૧ અને બીજા દિકરા પ્રશાંત પાસેથી ઓનલાઇન ૫૪૦૦૦ તથા ૨૫૯૧૬ મળી મારા બંને દિકરા પાસેથી રૂા. ૩,૨૨,૩૨૦ પણ લઇ ચુકી છે. આથી મેં આ અંગેની વાત મારા પતિને કરી હતી. પછી હું, મારા પતિ અને બંને દિકરા જીજ્ઞાશાના ઘરે જતાં તે બહારગામ ગયાનું જણાવાયુ હતું. તેના દાદી કાંતાબેન અને તેની માતા ગીતાબેન, ભાઇ કિશન, ભાભી પાયલબેન ઘરે હતાં. આ લોકોને અમે બનાવની જાણ કરતાં તેણે કહેલુ કે જીજ્ઞાશા તમને તમારા દાગીના પાછા આપી દેશે.
આથી અમે રાતે તેને ત્યાં રોકાયા હતાં. બાદમાં બીજા દિવસે જીજ્ઞાશા ભુવા દિલીપભાઇ અને તેના પત્નિ ક્રિષ્ના સાથે ઘરે આવી હતી. અમે તેને અમારા સોનાના દાગીના વિશે પુછી પાછા માંગતા તેણે કોઇ યોગ્ય જવાબ આપ્યો નહોતો. અમે વધુ કડક થઇ પુછતાં ભુવાએ કહેલુ કે જીજ્ઞાશા તમારા દાગીના ૨૦ દિવસમાં પાછા આપી દેશે. આની બહેંધરીનો કાગળ અમને આપ્યો હતો. પરંતુ ૨૦ દિવસ વીતી ગયા પછી અમે ફરી દાગીના માંગતા જીજ્ઞાશાની માતા ગીતાબેન અને તેના દિકરા કિશને ભુતખાના ચોક પાસે મળવા બોલાવતાં મારા પતિ ત્યાં ગયા હતાં. ત્યારે ગીતાબેન અને કિશન સાથે જીજ્ઞાશા પણ હતી.
આ વખતે અમને ચોકમાં મુથુટ ફાયનાન્સની બે બ્રાંચ બતાવી હતી અને કહ્યું હતું કે જીજ્ઞાશાએ તમારા બધા દાગીના અહિ મુક્યા છે. આ રીતે જીજ્ઞાશાએ વિધીના બહાને સોના-ચાંદીના દાગીના સાડીના પોટલામાં મુકાવી વિધી કરવાના બહાને તેમાંથી સોનાના દાગીના ૨૦,૫૨,૮૩૫ના કાઢી માત્ર ચાંદીના દાગીના રાખી પોટલુ કબાટમાં મુકાવી દીધુ હતું. તેમજ મારા બે દિકરા પાસેથી પણ દાણા જોવડાવાના નામે રૂા. ૩,૨૨,૩૨૦ પડાવી લીધા હતાં. તેમજ છેતરપીંડીથી લઇ લીધેલા મારા દાગીના ફાયનાન્સ પેઢીમાં મુકી દીધા હતાં. તેણીની માતા, ભાઇ, ભુવા સહિતનાએ વચ્ચે રહી સમાધાનની વાત કરી હતી. જો કે આજ સુધી અમને દાગીના કે પૈસા પાછા ન મળતાં અંતે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં ભારતીબેન બાંભણીયાએ કહેતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. મિશ્રાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૬)
(2:55 PM IST)










