<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

બી.એ. ડાંગર કોલેજની માન્‍યતા રદ કરોઃ વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં તપાસ કમિટી રચોઃ NSUIનું કલેકટરને આવેદન

ધર્મેશ કળસરીયા આપઘાત કેસ

બી.એ. ડાંગર કોલેજ અને સંચાલકો વિરૂધ્‍ધ NSUI દ્વારા દેખાવો-કલેકટરને આવેદન અપાયું તે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૯: એન.એસ.યુ.આઇ.ના રાજકોટ શાખાના અગ્રણી કાર્યકરો-આગેવાનોએ સુત્રોચ્‍ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી બી.એ. ડાંગર કોલેજની માન્‍યતા રદ કરવા રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમર્યુ હતું કે, રાજકોટ સ્‍થિત બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્‍દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજ સંચાલકના વારંવાર ત્રાસથી કંટાળીને ઝેરી દવાનું ઈંજેક્‍શન લઈ જીવન ટૂંકાવ્‍યું. ધર્મેશ કળસરિયાના પરિવારજનો દ્વારા જાણવા મળેલ કે કોલેજ સંચાલકો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરવા કોલેજ સંચાલકોએ રૂપિયાની માગણી કરી હતી. જો કે પુરા પૈસા ન આપતા પરીક્ષામાંથી અધવચ્‍ચેથી કાઢી મૂકવામાં આવ્‍યો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી. અમારું સ્‍પષ્ટપણે માનવું છે કે, કોલેજમાં ‘નાણાં આપો અને પાસ થાઓ' જેવી પ્રથા ચાલી રહી છે. બી.એ. ડાંગર કોલેજ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ૨૦૧૮થી શરૂ થયેલ આ કોલેજ પાસે શરૂઆતમાં તો કાઉન્‍સીલની મંજૂરી જ ના હતી. જેના કારણે તે સમયના બેચના વિધાર્થીનું રજીસ્‍ટ્રેશન હજુ સુધી થયેલ નથી, જેના કારણે વિધાર્થીઓ હજુ સુધી હેરાન પરેશાન થઈ રહ્યાછે. આ બાબતના સંપૂર્ણ જવાબદાર બી.એ. ડાંગર કોલેજના સંચાલકો છે. આ ઉપરાંત ગત વર્ષે હોમિયોપેથી આયોગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેના સંદર્ભે બી. એ. ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં પ્રોફેસર, હોસ્‍પિટલમાં ડોકટર અને દર્દી પણ ડમી હોવાનો ખુલાસો થયો હતો.

 આ બાબતે અમારી આ માંગણીઓ છે, જેમાં ભૂતકાળમાં અમાન્‍ય કોલેજ હોવા છતાં કોની રહેમ નજર હેઠળ આ કોલેજ હજુ સુધી શરૂ છે. તે અંગે તપાસ કરવામાં આવે. તાત્‍કાલિક ધોરણે આ કોલેજને ગેરલાયક ઠેરવી કોલેજની માન્‍યતા રદ કરવામાં આવે. વિધાર્થીના આપધાત અંગે કમિટી ગઠિત કરી તપાસ હાથ ધરવામાં આવે. કૌભાંડ સાથે સંકળાયેલ તમામ દોષીતોને કડક સજા આપવામાં આવે. આ ચાર માંગો ગુજરાત પ્રદેશ NSUI દ્વારા કરવામાં આવે છે. જો આવનારા દિવસોમાં અમારી માંગો સ્‍વીકારવામાં ન આવે તો વિધાર્થી તેમજ વાલીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, આવેદન દેવામાં નરેન્‍દ્ર સોલંકી અને અન્‍યો જોડાયા હતા.(૬.૧પ)

(3:39 PM IST)