<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

નિખિલ પુજારાએ ૪૦ ટકા રકમ ભરવાના હાઈકોર્ટના હૂકમ સામે કરેલ પીટીશનને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી

એક કરોડ ૪૪ લાખની ચેક રિટર્નના કેસોમાં થયેલ સજા દંડના હૂકમ સંદર્ભે : નીચેની કોર્ટમાં જુદાજુદા બે કેસોમાં બે-બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ કોર્ટે ફટકાર્યો હતો

રાજકોટ, તા.૩૦: ટ્રાયલ કોર્ટ સમક્ષની ચાલુ ટ્રાયલ દરમ્‍યાન આરોપી તરફેથી કુલ ૧૨ રીવીઝન અરજીઓ કરી હાઈકોર્ટ સુધી ખેલાયેલ કાનુની જંગવાળા ૧ કરોડ ૪૪ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને ૪ વર્ષની કેદ સાથે એકની રકમનો ડબલ ૨ કરોડ ૮૮ લાખનો દંડ ફટકારવામાં આવેલ આ હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ રાજકોટની સેશન્‍સ અદાલતમાં દાખલ કરેલ બંને અપીલો ચાલી જતા સેશન્‍સ અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી બંને અપીલો નામંજુર કરતા તે બંને હુકમોને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે અગાઉ ચેકની રકમના ૨૫% રકમ નિખિલ પુજારાએ જમા કરાવેલ તે ઉપરાંત ૪૦% રકમ જમા કરાવવા કરેલ હાઈકોર્ટના હુકમો નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારતા નિખિલ પુજારાની સ્‍પેશ્‍યલ લીવ ટુ અપીલ(ક્રિમીનલ) સુપ્રિમ કોર્ટે નામંજુર કરતો હુક્‍મ ફરમાવતા નિખિલ પુજારા પાસે તાત્‍કાલીક ૪૦% રકમ જમા કરાવવા નહીતર જેલમાં જવા સીવાય હવે કોઈજ વીકલ્‍પ નહી રહેતા ચેક રીટર્ન કેસોમાં નિખિલ પુજારાના પ્રોસીડીંગ સતત ચર્ચાના એરણે રહેલ છે.

કેસની હકીકત જોઈએ તો, બેન્‍કે એકવાયર કરેલ પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ રૂપિયા દોઢ કરોડ ફરીયાદી પાસેથી મેળવી વીસ દિવસમાં કામ પૂર્ણ કરવા વચન આપી કામ પુર્ણ ન કરી રકમની ઉઘરાણી કરતા. લક્ષ્મીવિલાસ બેન્‍કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચુકવવા ચેકો આપી ફરીયાદી પાસેથી બેન્‍ક સાથે વ્‍યવહાર કરવા લીધેલ કોરા સહી સિક્કાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સબંધેની રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવીયાએ સિધ્‍ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ અને આરોપી નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત ચુકવવા આપેલ બોંતેર-બોતેર લાખના બે ચેકો પણ રીટર્ન થતા તે સબંધે ફરીયાદી ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂધ્‍ધ બંને ચેકો રીટર્ન સબંધે બે ફરીયાદો દાખલ કરેલ.

આ કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ઐતિહાસિક ચુકાદો સૌ. પ્રથમ રાજકોટની ટ્રાયલ કોર્ટ ધ્‍વારા આપવામાં આવેલ હતો. જે બંને હુકમો અપીલોના માધ્‍યમથી રાજકોટની સેશન્‍સ અદાલતમાં પડકારવામાં આવતા અપીલો ચાલી જતા ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી નિખિલ પુજારાની અપીલો રદ કરવામાં આવેલ જે સેશન્‍સ અદાલતન બંને હુકમોને નિખિલ પુજારાએ હાઈકોર્ટમાં પડકારેલ હતા જેમા નિખિલ પુજારાએ અગાઉ ચેકની રકમના ૨૫% રકમ જમા કરાવેલ ઉપરાંત વધુ ૪૦% રકમ જમા કરાવવા અને તે ફરીયાદીને આપવા હાઈકોર્ટે ફરમાવેલ હુકમાં નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારેલ હતા.

સુપ્રિમ કોર્ટ ધ્‍વારા દલીલો પર વિચાર કર્યા પછી અપીલો મંજુર કરવા માટેનું કોઈ ખાસ કારણ જણાય ન આવતા અપીલો મેરીટસ પર સુપ્રિમ કોર્ટ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોક્‍ત કામમાં ફરીયાદી ભરતભાઈ તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જમીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્‍સ રામાશ્રી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા હાઈકોર્ટના આશીષ ડગલી રોકાયેલ હતા.

(12:57 PM IST)