તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 30th August 2025
સ્પીડબ્રેકર હોઇ બાઇકચાલકોએ વાહન ધીમા પાડતાં પાછળથી બસે ઉલાળી દીધા
મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલની બસે ત્રણ બાઇકને ઠોકરે લેતાં ચાલકોને ઇજાઃ બસ મુકી ચાલક ભાગી ગયો : બીએડમાં અભ્યાસ કરતાં ન્યુ શક્તિ સોસાયટીના અર્ર્જુનસિંહ સોઢાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર સ્પીડ બ્રેકર આવતાં ત્રણ અલગ અલગ બાઇકચાલકોએ પોતાના વાહનને બ્રેક મારી ધીમા પાડતાં પાછળ બંબાટ ઝડપી આવી રહેલી ધોળકીયા સ્કૂલની બસે ત્રણેયને ઉલાળી દેતાં ચાલકોને ઇજા પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં ચાલક બસ મુકી ભાગી ગયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
આ અંગે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે ન્યુ શક્તિ સોસાયટી ફિલ્ડ માર્શલ વાડી સામે રહેતાં અર્જુનસિંહ કનકસિંહ સોઢા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી ધોળકીયા સ્કૂલની બસ નં. જીજે૦૪એટી-૯૪૯૨ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અર્જુનસિંહ સોઢા સંત કબીર રોડ પર આવેલી શ્રીમજી જે.જે. કુંડલીયા કોલેજમાં બીએડમાં અભ્યાસકરે છે. તેણે જણાવ્યું હતું કે હું મારા માતા-પિતા અને બહેનો સાથે રહું છે. સાંજે છએક વાગ્યે મારુ બાઇક જીજે૦૩એમકે-૧૪૫૪ લઇને કોલેજથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે જુના મોરબી રોડ ધોળકીયા સ્કૂલથી આગળ રઘુવીર પાન પાસે પહોંચતા સ્પીડ બ્રેકર હોઇ મેં મારા વાહનને ધીમુ પાડવા બ્રેક મારતાં પાછળથી ધોળકીયા સ્કૂલની બસ નં. જીજે૦૪એટી-૯૪૯૨ના ચાલકે પાછળથી ઠોકર મારતાં હું મારા વાહન સહિત પડી જતાં ઇજા થઇ હતી.
તેમજ બીજા એક બાઇક નં. જીજે૦૩સીએફ-૭૩૫૬ને પણ બસની ઠોકર લાગી હોઇ તેના ચાલક વિજયભાઇ સરસીયાને પણ ઇજા થઇ હતી. આ ઉપરાંત ત્રીજા બાઇક નં. જીજે૦૩એનજે-૭૫૪૦ના ચાલક દિલીપભાઇ મોલીયા પણ તેના બાઇક સહિત ફેંકાઇ જતાં ઇજા પહોંચી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં બસનો ચાલક બસ મુકી ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં અમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મારા ડાબા પગમાં બે ટાકા આવ્યા હતાં. વિજયભાઇને જમણા પગે ઇજા થઇ હતી. દિલીપભાઇને બહુ ઇજા પહોંચી નહોતી. સારવાર બાદ અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અર્જુનસિંહે કહેતાં બી-ડિવીઝનના પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધ્યો હતો.
(2:54 PM IST)










