News of Saturday, 30th August 2025
નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી અંતર્ગત કાલે સન્ડે ઓન સાયકલ
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી પ્રસ્થાન : લોકોને બહોળી સંખ્યામાં જોડાવા મનપા પદાધિકારીઓની અપીલ મનપા જીલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ : રમતગમત આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. જે આપણા શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે. સમગ્ર દેશમાં હોકીના ખ્યાતનામ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ તા.૨૯મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમતની ટીમો અને દેશની રમત પરંપરાઓનું સન્માન કરવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત ધ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત મુક્ત ગુજરાત અને સ્પોર્ટ્સ અવેરનેસ સેલીબ્રેશન-૨૦૨૫ અભિયાન હેઠળ રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આવતીકાલ તા.૩૧ ને રવિવારે સવારે ૬.૦૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રીંગ રોડ, ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું ફલેગ ઓફ બાન લેબ્સના ચેરમેન અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
સન્ડે ઓન સાયકલમાં ભાગ લેનાર નાગરિકોએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રીંગ રોડ એકત્ર થવાનું રહેશે. જયાંથી મહાનુભાવો દ્વારા ફલેગ ઓફ આપીને સન્ડે ઓન સાયકલનું પ્રસ્થાન કરવામાં આવશે. સમગ્ર આયોજન દરમ્યાન મેડીકલ ટિમ અને ફાયર ટિમ હાજર રહેશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આવતીકાલે આયોજિત સન્ડે ઓન સાયકલમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.
(3:53 PM IST)










