News of Monday, 1st September 2025
કનૈયા ચોકમાં ૧૮ વર્ષના તેજસ ડાંગર પર જુનેદ સહિત પાંચનો હુમલોઃ છરી ખૂંપેલી હાલતમાં હોસ્પિટલે ખસેડાયો
બે દિવસ પહેલા તેજસે મિત્ર મોહમ્મદ જેહની મસ્તી કરી હોઇ તેને ગમ્યું નહોતું આ કારણે બોલાચાલી ઝઘડો થયો હતોઃ આ વખતે બીજા મિત્રો પણ હતાં: જુના ડખ્ખાની વાત કરવા તેજસ રાતે સામેથી જતાં પાંચ જણાએ મળી હુમલો કર્યો : ગાંધીગ્રામ પોલીસે તેજસના પિતા વિનુભાઇ ડાંગરની ફરિયાદ પરથી પાંચ સામે ગુનો નોંધ્યોઃ ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાંચે સવાર સુધીમાં તમામ આરોપીને પકડી લીધાઃ જુનેદ દેહલુસ ૨૧ વર્ષનો, બાકીના ચાર આરોપી સગીર વયના

હુમલામાં ઘાયલ થયેલો તેજસ વિનુભાઇ ડાંગર અને તેના સાળથમાં ખૂંપેલી છરી જોઇ શકાય છે : બનાવને પગલે ઘટના સ્થળે પોલીસના ધાડા ઉતરી પડયા હતાં અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં તે જોઇ શકાય છે (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરના રૈયા રોડ કનૈયા ચોક પાસે શિવ શક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે શિવપરાના ૧૮ વર્ષના આહિર યુવાન પર તેના જ એક મિત્ર એવા મુસ્લિમ છોકરા સહિતના પાંચ છોકરાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગાળો દેતાં અને એક શખ્સે છરીથી હુમલો કરી જમણા સાથળમાં ઘા મારી દેતાં છરીનો હાથો તૂટી જતાં અને છરીનું પાનુ સાથળમાં ખૂંપી જતાં ખૂંપેલી છરી સાથ સવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ઘાયલ યુવાનના સમાજના અને વિસ્તારના બીજા લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. પોલીસે સવાર સુધીમાં તમામ આરોપીઓને પકડી લીધા છે. જેમાં ચાર સગીર વયના છે. જેણે છરી ઝીંકી તે પુખ્ત વયનો હતો.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે કનૈયા ચોક શિવપરા-૧માં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર (ઉ.વ.૧૮) નામના યુવાન પર રાતે દસેક વાગ્યે ઘર નજીક શિવ શક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે હતો ત્યારે ચાર-પાંચ શખ્સોએ હુમલો કરી માર મારતાં અને એક શખ્સે છરી જમણા સાથળમાં ભોંકી દેતાં છરીનો હાથ નીકળી જતાં અને છરી સાથળમાં જ ખૂંપેલી રહેતાં લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. બનાવની જાણ થતાં તેના માતા-પિતા સહિતના સ્વજનો તેમજ વિસ્તારના અન્ય લોકો, આહિર સમાજના લોકો દોડી આવ્યા હતાં. તેજસને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં રાતોરાત તબિબે ઓપરેશન કરી ખૂંપી ગયેલી છરી બહાર કાઢી હતી.
બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચનો કાફલો તેમજ એલસીબી ઝોન-૨ ટીમનો કાફલો પણ પહોંચ્યો હતો અને ટોળા વિખેરવાની કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી લોકોએ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી હુમલામાં ઘવાયેલા તેજસ ડાંગરના પિતા વિનુભાઇ જેસંગભાઇ ડાંગર (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી જુનેદ સહિત પાંચ સામે રાયોટીંગ, હુમલા, મહાવ્યથાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે સવાર સુધીમાં પાંચેય આરોપીઓને પકડી લીધા હતા. જેમાં જુનેદ સિવાયના ચાર સગીર હતાં. પોલીસે જુનેદ ઉર્ફ રીયાઝ રઝાકભાઇ દેહલુસ (ઉ.વ.૨૧-રહે. રૈયા રોડ, કનૈયા ચોક, શિવપરા-૫)ની ધરપકડ કરી હતી.
વિનુભાઇ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કડીયા કામ કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં મોટો દિકરો તેજસ ૧૮ વર્ષનો છે. રવિવવારે સાંજે સાડા આઠેક વાગ્યે હું અને મારા પત્નિ સંગીતાબેન તથા નાનો દિકરો ઘરે હતાં. આ વખતે મોટો તેજશ ઉર્ફ ક્રિશ વાળ કપાવવા બહાર ગયો હતો. આ પછી રાતે સવા નવેક વાગ્યે શિવપરામાં રહેતાં મારા મિત્ર આસીફભાઇનો ફોન આવ્યો હતો કે રૈયા રોડ શિવપરામાં બૂટ હાઉસ નામની દૂકાન પાસે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર નજીક તારા દિકરા તેજસને પાંચેક જણા માર મારે છે, તું ઝડપથી ત્યા જા. આથી હું તુરત મારા પત્નિને લઇને ત્યાં પહોંચી ગયો હતો.
જ્યાં મારા દિકરા તેજસને પાંચેક છોકરા મારતા હોઇ અને ગાળો દેતાં મેં તેને મારથી છોડાવ્યો હતો અને સાઇડમાં લઇ જઇ ઝઘડાનું કારણ પુછતાં દિકરા તેજસે કહ્યું હતું કે બે દિવસ પહેલા હું (તેજસ) અને મારા મિત્રો મોહમ્મદ જેહ, તથા તેનો ભાઇ શાહનવાઝ, રેહાન અસલમ શેખ, બીજા મિત્રો રૈયા રોડ પર બેઠા હતાં ત્યારે મેં અને બીજા મિત્રોએ મળી મોહમ્મદ જેહની મસ્તી કરી હોઇ તેને ખોટુ લાગી ગયુ હતું. આથી એ વખતે મોહમ્મદ જેહે મારી સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. આ વખતે મારા બીજા મિત્ર રેહાને પણ મોહમ્મદ જેહનો પક્ષ લઇ તેણે પણ મારી સાથે બોલાચાલી કરી હતી અને બધા જતાં રહ્યા હતાં.
મારા દિકરા તેજસે વધુમાં કહ્યું હતું કે રવિવારે સાંજે બે દિવસ અગાઉના ઝઘડા મામાલે વાતચીત કરવા હું એક મિત્ર રેહાનના ઘરે ગયો હતો. આથી રેહાને બીજા મિત્રને ફોન કરી બોલાવ્યો હતો. આથી તેનો બીજો મિત્ર ઘર પાસે આવી ગયો હતો. આથી હું (તેજસ) આ બંને સાથે અગાઉના ઝઘડાની વાત કરતો હતો. વાત કરતાં કરતાં અમે બધા શિવશક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે આવી ગયા હતાં. અહિ મારો અન્ય મિત્રો પણ આવી ગયા હતાં. આ લોકો સાથે હું બે દિવસ પહેલાના ઝઘડા બાબતે વાતચીત કરતો હતો ત્યારે એક ગાળો બોલવા માંડયો હતો. બાદમાં બધાએ મળી ઝપાઝપી કરી હતી. એ દરમિયાન એકે તેના કુટુંબી ભાઇ જુનેદને બોલાવતાં તે પણ આવી ગયો હતો અને આ બધાએ ઝઘડો કર્યો હતો. તેમ વધુમાં તેજસે મને (વિનુભાઇ ડાંગરને) જણાવ્યું હતું.
વિનુભાઇએ ફીરયાદમાં આગળ કહ્યુ હતું કે મારા દિકરા સાથે ઝઘડો નહિ કરવા મેં આ બધાને સમજાવ્યા હતાં. પરંતુ બધાએ ફરીથી મારા દિકરા સાથે મારમારી ચાલુ કરીદીધી હતી . જેમાં કોઇ છોકરાએ તેજસને સાથળના પાછળના ભાગે છરી મારી દીધી હતી. છરી ખૂંચી ગઇ તે પાછી ખેંચવા જતાં એક છોકરાના હાથમાં છરીનો હાથો આવી ગયો હતો, છરીનું પાનું જેનું તેમ ખૂંપેલુ રહી ગયું હતું. બાદમાં અમે દિકરાને હોસ્પિટલે ખસેડયો હતો. અમે તેને છરી કોણે મારી? તેનું પુછતાં તેણે કહેલું કે છરી મારનાર જુનેદ હતો. સિવિલ હોસ્પિટલમાં મારા દિકરાને તુરત જ ડોક્ટર ઓપરેશનમાં લઇ ગયા હતાં. તેમ વધુમાં વિનુભાઇ ડાંગરે કહેતાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, સંજયભાઇ સહિતની ટીમે ગુનો દાખલ કર્યો હતો. સવાર સુધીમાં પાંચેય આરોપીને હસ્તગત કરી લીધા હતાં. જો કે તેમાંથી બે ત્રણ સગીર હોવાનું કહેવાયુ હોઇ પોલીસ આ અંગે ખરાઇ કરી રહી છે. રાત્રે ઘટના સ્થળે ફરી કોઇ ડખ્ખો ન થાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. આરોપી પકડાયા તેમાં જુનેદ દેહલુસ પુખ્ત વયનો છે. બાકીના સગીર વયના છે. (૧૪.૭)
(2:43 PM IST)










