News of Monday, 1st September 2025
તોરણીયામાં ભાવીશાને પતિ અંકિતે માર મારી બટકા ભરી પછાડી દીધી
મેરેજ કરાવતી સાઇટ મારફત બીજા લગ્ન કર્યાના સાત જ મહિનામાં ત્રાસ : નણંદો કહેતી-તું પટેલ જેવી લાગતી નથી, અમારામાં ભળીશ નહિઃ તેની ચઢામણીથી પતિ ત્રાસ ગુજારતો હોવાનો આક્ષેપઃ રાજકોટ માવતર ધરાવતી પરિણીતા સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: રાજકોટ માવતર ધરાવતી અને સાત મહિના પહેલા જ મેરેજ એપ મારફત ધોરાજીના તોરણીયાના યુવાન સાથે લગ્ન કરનાર યુવતિ પોતાને પતિએ પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ હાથ પર બટકા ભરી લીધાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બે નણંદોની ચઢામણીને કારણે પતિ ત્રાસ ગુજારતો હોવાનો આક્ષેપ તેણીએ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ તોરણીયા ગામે રહેતી ભાવીશાબેન અંકિત ખીસરીયા (ઉ.વ.૩૪) નામની પરિણીતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. તબિબી પુછતાછમાં પોતાને પતિ અંકિતે ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ હાથમાં બટકા ભર્યાનું કહેતાં પોલીસ કેસ જાહેર કરાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં ધોરાજી તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
ભાવીશાબેને જણાવ્યું હતું કે હું બાવાજી જ્ઞાતિની છું અને મારા પ્રથમ લગ્ન તૂટી ગયા હતાં. સાત મહિના પહેલા મેં મેરેજને લગતી વેબસાઇટ થકી તોરણીયાના અંકિત રણછોડભાઇ ખીસરીયા સાથે લગ્ન કર્યા છે. અંકિતના આ પ્રથમ લગ્ન છે. પતિ કાર લે-વેંચનો ધંધો કરે છે. લગ્ન બાદ મને બે નણંદો મેણા મારતી અને કહેતી હતી કે તું પટેલ જેવી લાગતી નથી, અમારા સમાજમાં ભળી શકે તેમ નથી કહી મેણા મારતાં હતાં. પોતાની બહેનોની ચઢામણીથી મારો પતિ મને મારકુટ કરતો હતો. પરમદિવસે રાતે મેં ઘરે ગણપતિ બેસાડયા હોઇ તેના દર્શન કરતી હતી ત્યારે પતિએ માથાકુટ કરી માર મારી પછાડીને બટકા ભરી લીધા હતા. આક્ષેપો અંગે ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:52 PM IST)










