<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ક્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને ઓર્થોપેડિક ટીમે ફરીથી ઉભો કર્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલની સફળતાઃઆયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મળતાં હોસ્પિટલ પર લોકોનો ભરોસો સતત વધી રહ્યો છે

રાજકોટ,તા.૧

રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ આજે ફક્ત ગરીબ અને જરૃરિયાતમંદો માટે જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગના દર્દીઓ માટે વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે. એક સમયે ગરીબોની સારવાર માટે જાણીતી આ હોસ્પિટલ હવે સમયસર અને સફળ સારવાર, કુશળ તબીબી ટીમ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દર્દીઓની પ્રથમ પસંદગી બની છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, અને આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મળતાં હોસ્પિટલ પર લોકોનો ભરોસો સતત વધી રહ્યો છે.

તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે એક ગંભીર કેસમાં સફળ સર્જરી કરી દર્દીને નવું જીવન આપ્યું છે. રાહુલભાઈ ગોસ્વામી નામના યુવાન વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેઓ બંને પગ પર ઊભા રહી શકતા ન હતા. કરોડરજ્જુના મણકામાં ગંભીર ઈજાને લીધે તેમના કમરથી નીચેનો ભાગ સંપૂર્ણ સુન્ન થઈ ગયો હતો. આવી નાજુક સ્થિતિમાં દર્દી અને તેમના પરિવાર માટે એકમાત્ર આશા કુશળ ડોક્ટરો જ હતા. સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ટીમે તાત્કાલિક સર્જરીનો નિર્ણય લીધો અને કુશળતાપૂર્વક આ જટિલ ઓપરેશન પૂર્ણ કર્યું.

ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડો. હિમાંશુ પરમાર અને ડો. કૃણાલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ રાહુલભાઈની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. નસો દબાઈ જવાને કારણે બંને પગે કોઈ હલનચલન નહોતું. સર્જરી દરમિયાન નસો પરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને સુકાઈ ગયેલી નસોને પુનઃ કાર્યરત કરવા માટે ખાસ દવાઓનો કોર્સ શરૃ કરવામાં આવ્યો. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ ૪.૫ લાખ રૃપિયાથી વધુ થઈ શકે છે, પરંતુ પી.એમ.જે.વાય. (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ આ સારવાર રાહુલભાઈને નિઃશુલ્ક મળી. આ ઘટના દર્દી, તેમના પરિવાર અને સમાજ માટે પ્રેરણાદાયી છે.

સર્જરી પછી બે મહિના સુધી નિયમિત સારવાર અને ફિઝિયોથેરાપીના સત્રો દ્વારા રાહુલભાઈ ફરીથી ચાલવા લાગ્યા. તેમણે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું,

*હું કામ પર જતો હતો ત્યારે ક્રેઈન સાથે અકસ્માત થયો. મારા બંને પગ સુન્ન થઈ ગયા હતા, અને મને લાગતું હતું કે હું ફરી ક્યારેય ચાલી શકીશ નહીં. પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની મહેનતે મને નવું જીવન આપ્યું. હું તેમનો હૃદયથી આભારી છું.*

આ સફળતાની પાછળ ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. શૈલેષ રામાવત, યુનિટ-૨ના હેડ ડો. નિકુંજ મારૃ, એસોસિએટ પ્રોફેસર ડો. હિમાંશુ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કૃણાલ મિસ્ત્રી, ડો. શ્રીપાલ દોશી, સિનિયર રેસિડેન્ટ ડો. સુરેશ સુથાર, ડો. ધીમંત મારવિયા, રેસિડેન્ટ ડો. વિરલ ગામિત, ડો. અનમોલ મિશ્રા, ડો. અંચિત જૈન, ડો. ચિરાગ વાઘેલા, ડો. વિરાજ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતનો ફાળો છે. આ ટીમે દર્દીની સ્થિતિને સમજીને તાત્કાલિક અને યોગ્ય નિર્ણયો લઈ સફળ સર્જરી હાથ ધરી.

રાજકોટ સિવિલનો ઓર્થોપેડિક વિભાગ આજે ગંભીર અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયો છે. જ્યાં મેડિકલ સાયન્સમાં દર્દીને ફરીથી ચાલવા માટે વર્ષો લાગી શકે છે, ત્યાં સિવિલની નિષ્ણાત ટીમે માત્ર બે મહિનામાં રાહુલભાઈને ચાલતા-ફરતા કર્યા. ડો. કૃણાલ મિસ્ત્રીના શબ્દોમાં, *આ મેડિકલ સાયન્સનો ચમત્કાર છે, પરંતુ તેની પાછળ અમારી ટીમની સમર્પિત મહેનત અને દર્દીની દૃઢ ઇચ્છાશક્તિનો મોટો ફાળો છે.

(10:56 PM IST)