<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

એમપીના યુવાનના હાથમાંથી ચાંદીના કડા સાથેની થેલી ખેંચીને બે શખ્‍સ ભાગી ગયા

ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે બનાવ : યુવાન રવિવારીમાંથી મિત્ર સાથે પરત આવતો હતો ત્‍યારે બનાવઃ કડુ ઢીલુ થતું હોઇ હાથમાંથી કાઢી થેલીમાં રાખ્‍યું હતું: થોરાળા પોલીસે બે શકમંદને ઉઠાવી લીધા

રાજકોટ તા. ૨: હાલ કુવાડવા રોડ પર રહી મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો યુવાન તેના મિત્ર સાથે રવિવારી બજારેથી પરત આવી ભાવનગર રોડ આરએમસી ઓફિસ નજીક રિક્ષામાંથી ઉતરી ચાલીને જતો હતો ત્‍યારે બે અજાણ્‍યા શખ્‍સે આવી વાતચીત માટે તેને ઉભો રાખ્‍યા બાદ તેના હાથમાંથી થેલી ખેંચી ભાગી ગયા જતાં પોલીસને જાણ કરાઇ છે. આ થેલીમાં ૧૭ હજારનું ચાંદીનું કડુ હતું. થોરાળા પોલીસે તપાસ કરી બે શકમંદને ઉઠાવી લેતાં ભેદ ઉકેલાઇ ગયો છે.

આ બનાવમાં થોરાળા પોલીસે કુવાડવા રોડ પર આવેલા વિવાહ પાર્ટી પ્‍લોટ ખાતે રહેતાં મુળ મધ્‍યપ્રદેશના ધાર જીલ્લાના ગુરાડીયા ગામના અજય સુરસિંહ ભુરીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. અજય ભુરીયાએ જણાવ્‍યું છે કે હું હાલ રાજકોટ પાર્ટી પ્‍લોટ ખાતે રહી બિલ્‍ડીંગમાં મજૂરી કામ કરુ છું. મારી સાથે મારી પત્‍નિ અને બે ભાઇ તથા એક બહેન પણ રહે છે. ગત ૧૭ ઓગષ્‍ટના રોજ હું અને મારો મિત્ર નરવેસિંહ ખુમસિંહ મેડા બંને આજીડેમ ચોકડીએ રવિવારી ભરાતી હોઇ ત્‍યાં ગયા હતાં. તે વખતે મેં મારા હાથમાં ચાંદીનું કડુ પહેરેલુ હતું. આ કડુ મને ઢીલુ થતું હોઇ જેથી કાઢીને મારી પાસેની થેલીમાં મુકી દીધુ હતું. 

અમે થેલી હાથમાં રાખી રવિવારી બજારમાં ફરતાં હતાં. એ પછી બપોરે બે વાગ્‍યા આસપાસમાં અમે બંને રિક્ષામાં બેસી ભાવનગર રોડ આરએમસી ઓફિસ પાસે ઉતરી ચાલીને રસ્‍તો ઓળંગી બગીચા તરફ જતાં હતાં.

આ વખતે બે અજાણ્‍યા શખ્‍સ અમારી પાસે આવ્‍યા હતાં અને તે ગુજરાતીમાં વાત કરતાં હતાં. જેમાં એક શખ્‍સ મજબૂત બાંધાનો અને બીજો પાતળા બાંધાનો હતો. મજબૂત બાંધાના શખ્‍સે મારા હાથમાંથી થેલી ખેંચી લીધી હતી અને બાદમાં બંને ભાગવા માંડતાં મેં અને મારા મિત્રએ પણ તેનો પીછો કર્યો હતો. પરંતુ બંને શેરીમાં કયાંક ઘુસી જઇ ગાયબ થઇ ગયા હતાં. આસપાસમાં તપાસ કરવા છતાં તે મળ્‍યા નહોતાં. અંતે અમે પોલીસને જાણ કરી હતી. થેલીમાં રહેલા ચાંદીના કડાની કિમત ૧૭ હજાર હતી.  થોરાળા પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે તપાસ હાથ ધરી બે શકમંદને ઉઠાવી લીધા છે. આ બંનની પુછતાછમાં ભેદ ઉકેલાઇ જવાની આશા છે

(4:07 PM IST)