<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજકોટ એસ.ટી. બસ પોર્ટમાં ૮ ફુટની પંખાની પાંખ ધડાકાભેર પડીઃ મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

અન્‍ય પંખાઓમાં અમુક તૂટેલાઃ અમુકમાં ચાર પાંખ છે : તકેદારી જરૂરી : એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ વિભાગીય નિયામકને લેખીત ફરીયાદ કરી

 

રાજકોટ, તા. રઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા તથા અન્‍યો રાજકોટ એસ.ટી બસપોર્ટ એ થાળી ભાંગી અને વાટકો કર્યું છે. જેને બસો સમાતી નથી. મેઇન્‍ટેનન્‍સની રેઢિયાળ કામગીરી અને કોન્‍ટ્રાક્‍ટર અધિકારીઓના અહમ ટકરાવ ને પગલે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ મુસાફરોના જાનનું પણ જોખમ રહે છે. તાજેતરમાં વગર વરસાદે એસ.ટી બસપોર્ટ પર મુસાફરોની માથે મેલુ પાણી સતત ટપકતું હતું જે પગલે મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો દ્વારા રેઇનકોટ અને છત્રી સાથે બસપોર્ટ પર દેખાવો કરવામાં આવ્‍યા હતા અને આ અંગે ધારાસભ્‍યને જાણ કરાતા ફરિયાદ સંકલન વિભાગમાં ધારાસભ્‍ય દ્વારા પ્રશ્ન ઉઠાવતા હાલ ઉપરથી મુસાફરોની માથે ટપકતું પાણી બંધ થયું છે.

ગઈકાલે રાજકોટ એસ.ટી બસપોર્ટ પર જે ઘટના બની છે તેમાં સદનસીબે કોઈનો લાડકવાયો કે કોઈકનો કંધોતર છીનવાયો નથી પરંતુ જો કોન્‍ટ્રાક્‍ટર અને અધિકારીઓ બેદરકાર અને લાપરવાહ રહેશે તો આગામી દિવસોમાં જાનહાનિ થવાની મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યોએ દહેશત વ્‍યક્‍ત કરી છે.ગઈકાલે સવારે ૧૦ વાગ્‍યાની આસપાસ પ્‍લેટફોર્મ નંબર ચાર પાંચ છ ની વચ્‍ચે રહેલો સીલીંગ ફેન કે જેની નીચે મુસાફરો બસની રાહ જોઈ અને બેઠા હોય છે. તે સીલીંગ ફેન (પંખો) ના ૬ પાંખ પૈકીની એક પાંખ જેની સાઈઝ આઠેક ફૂટ અને બે થી ત્રણ જણા ઉપાડે ત્‍યારે ઉપડે તે પ્રકારની પાંખ છે હવે જો આ પાંખ મુસાફરો બેસે છે ત્‍યાં ઉપરથી બાર ફૂટ ઉપરથી ધરાશાયી થઈ સદનસીબે કોઈ મુસાફર ને ઈજા થઈ નહીં પરંતુ હાલ બસપોર્ટના ચાર પંખાઓ પૈકીની ૨૮ પાંખ માંથી જો વધુ એક પાંખ પડે તો જાનહાની થવાની ભીતી સેવાઈ રહી છે.

હાલ એસ.ટી બસપોર્ટ ના જે પંખા ની પાંખ ધરાશાયી થઈ હતી તે પંખા ની છ પૈકીની બે પાંખ કાઢી નાખવામાં આવી છે અને અન્‍ય ત્રણ પંખાઓ છે જેમાં ૧૮ પાંખ અને જે તૂટેલા પંખામાં હાલ ચાર પાંખ છે તે તમામ ના નટ બોલ્‍ટ અથવા મેઇન્‍ટેનન્‍સ થવું જોઈએ. અને સમયાંતરે કોઈપણ પ્રકારની ક્ષતિ નથી તેની તકેદારી રાખવી જરૂરી છે. આ અંગેની જાણ ફરજ પરના સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ એટીઆઈ સામતભાઈ ગઢવીને ટેલીફોનિક રજૂઆત કરાઇ હતી, અને વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી અને અન્‍ય પંખા ની પાંખની તાત્‍કાલિક યોગ્‍ય મરામત કરવા અપીલ કરવામાં આવી છે.(૬.૧પ)

(3:13 PM IST)