<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

નવલનગરમાં ગૃહકલેશને કારણે દિપાલીબેનનું અગ્નિસ્‍નાનઃ ઠારવા જતાં પતિ મિલન પણ દાઝ્‍યો

સાંજે પતિ સાથે તે મોબાઇલમાં વધુ ધ્‍યાન આપે છે કહી ચડભડ કરી હતીઃ સવારે પતિ ફાકી ખાવા જતાં પેટ્રોલ છાટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: શહરના નવલનગરમાં પતિ સાથે સાથે ચડભડ થતાં પત્‍નિએ પેટ્રોલ છાંટી અગ્નિસ્‍નાન કરી લીધુ હતું. તેણીને ઠારવા જતાં પતિ પણ દાઝતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ગંભીર રીતે દાઝેલી પત્‍નિને દાખલ કરવામાં આવી હતી, જ્‍યારે પતિને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ નવલનગર-૯માં રહેતી દિપાલીબેન મિલન ઝાલા (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ સવારે પેટ્રોલ છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ વખતે પતિ મિલન ભરતભાઇ ઝાલા (ઉ.વ.૨૬) ફાકી ખાઇને ઘરે આવતાં પત્‍નિને સળગતી જોઇ ઠારવા જતાંતે પણ દાઝી ગયો હતો. બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં દિપાલીબેનને સારવાર માટે દાખલ કરાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

મિલન ઝાલાના કહેવા મુજબ તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. સંતાન નથી. પોતે કારખાનામાં મજૂરી કરે છે. તેણે કહ્યુ઼ હતું કે કેટલાક દિવસથી પત્‍નિ નાની નાની વાતે ચડભડ કરતી હતી. સાંજે કારખાનેથી કામ કરીને આવ્‍યા બાદ હું મોબાઇલ જોઉ કે ફાકી ખાવા જાઉ તો પણ તે ચડભડ કરી તું મોબાઇલમાં વધુ ધ્‍યાન આપે છે, પિક્‍ચર જોયા કરે છે કહી ઝઘડા કરતી હતી. આજે સવારે પણ ચડભડ થઇ હતી. બાદ હું ફાકી ખાવા જતાં પાછળથી તેણીએ આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરના માળે આ બનાવ બન્‍યો હોઇ ગાદલુ, ઘરઘંટીનું કવર પણ સળગી ગયા હતાં.

(3:58 PM IST)