તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 3rd September 2025
આઉટ સોર્સિંગ કંપનીનું આઇડી પુર્વ કર્મચારીએ હેક કરી બ્લેકમેઇલ કરી ડરેક્ટર પાસે ૮૦ લાખ માંગ્યા
ચંદ્ર પાર્કમાં રહેતાં ડિરેક્ટર કૈલાસ પ્રજાપતિ મવડી સર્કલ આરકે એમ્પાયરમાં કંપની ચલાવે છેઃ તેની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે પુર્વ કર્મચારી અનંત કોબીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩: દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં અને મવડી સર્કલ પાસે આરકે પ્રાઇમમાં આઉટ સોર્સિંગ કંપની ચલાવતાં યુવાનની કંપનીનું ઇ-મેઇલ આઇડી તેના જ પુર્વ કર્મચારીએ હેક કરી રૂા. ૮૦ લાખ માંગી બ્લેકમેઇલ કરતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચંદ્ર પાર્ક-૨ શેરી નં. ૧૪માં રહેતાં કૈલાસભાઇ અરવિંદભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અનંત વાઘજીભાઇ કોબીયા વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૦૮ (૩), ૩૫૧ (૨) તથા આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કૈલાસભાઇ પ્રજાપતિ પ્રમોકાશ આઉટ સોસીંગ પ્રા.લીમીટેડ કંપનીના ડાયરેકટર છે. તેની સાથે પ્રમોદભાઇ બાબુભાઇ યાદવ પણ આ કંપનીમાં ડાયરેક્ટર છે અને આ કંપની મવડી સર્કલ આરકે એમ્પાયર-૯૨૬ ખાતે આવેલી છે. આ કંપનીમાં કૈલાસભાઇ તેમજ તેના ભાગીદાર અને બીજા સ્ટાફના છ માણસો મળી લેબર સપ્લાયનું કામ કરે છે. અમારી આ કંપની કૈલાસ.પ્રજાપતિ પ્રમોકોશ ડોટ કોમ નામનું ઇ-મેઇલ આઇડી વાપરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ હુ કંપનીએ હતો ત્યારે આશરે બપોરે સાડા બારેક વાગ્યે મારા મોબાઇલમાં સ્ક્રીન ઉપર એક નોટીફીકેશન આવેલ જેમાં અમારુ ઇ-મેઇલ આઇડી અન્ય કોઇ ડિવાઇસમાં લોગઇન હોવાનું નોટીફીકેશન હતું ત્યારબાદ મે મારું ઉપરોક્ત આઇ.ડી મારા ફોનમાં લોગઇન કરતા તે લોગઇન થતુ ન હોઇ હેક થયું હોય તેવું જણાયુ હતું.
ત્યારબાદ થોડાક દિવસો પછી અનંત કોબીયા નામના મારા કંપનીના જુના કર્મચારી મને સોરઠીયાવાડી સર્કલ પાસે મળેલ અને તેણે મને કહેલ કે મે તારી કંપનીના ઇ-મેઇલ આઇડી હેક કરેલ છે તથા જો તારા આ આઇડી તથા કંપનીનો ડેટા પાછો જોઇતો હોય તો તારે મને રૂ.૮૦,૦૦,૦૦૦ આપવા પડશે અને જો રૂપિયા નહી આપ તો તમારી કંપનીનો ડેટા વાયરલ કરી દઈશ.
અનંત કોબીયા અમારી કંપનીમા આશરે ત્રણ વર્ષ પહેલા એકાઉન્ટન્ટ તથા એચ.આર તરીકે નોકરી કરતા હતા. તેણે મારી જાણ બહાર કપટથી મારી મેઇલ આઇડી હેક કરી મારા કમ્પ્યુટરમા રહેલ કંપનીનો ડેટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરતા મેં સાયબર ક્રાઇમમાં ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે હવે એફઆઇઆર દાખલ કરાવી છે. એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ એમ. જે. કૈલા, પીઆઇ એસ. ડી. ગીલવા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.
(4:00 PM IST)










