તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
રાજકોટની આતુરતાનો અંતઃ આજે દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત નાટક ‘અકૂપાર'નો શો
નાટકમાં હાસ્ય પણ છે અને કરૂણતા પણ છે હવે સાવ થોડી જ ટિકિટો બાકી, બને તેટલી ઝડપથી ટિકિટ લઇ લોઃ ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતે તથા મોં.૯૦૨૩૨૮૨૪૦૭, વોટ્સએપઃ ૯૭૭૩૨૦૩૧૨૦, બુકમાયશો એપ

રાજકોટઃ બસ, હવે એટલી ઓછી ટિકિટો બાકી છે કે જો મોડું કર્યું તો ખરેખર ગીરના નાટકમાં ગરવા નહિ મળે ! જે નાટક વિશે આપણે આટલા બધા દિવસો થી વાત કરીએ છીએ તેનો શો આજે રાત્રે ૯:૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થવા જઈ રહ્યો છે. નાટકમાં હાસ્ય પણ છે, કરુણતા પણ છે, ગીરની સંસ્કૃતિ અને પરંપરા વિષે વાતો પણ છે, માનસિકતા અને મનઃસ્થિતિને ઝંઝોળી મૂકે એવી વાતો પણ છે. અત્યંત રસપ્રદ રીતે વણાયેલી કથા તમને એક મિનિટ માટે પણ નાટકથી જુદા નહિ થવા દે.
ગુજરાતી સીને અને રેડીઓ જગતના સુપ્રસિદ્ધ કલાકારો આરજે દેવકી, હિરેન પટેલ સહીત ૩૫ જણાની ટીમ, સુપ્રસિદ્ધ દિગ્દર્શિકા અને ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી શ્રી અદિતિ દેસાઈનું દિગ્દર્શન, ગીરની સંસ્કૃતિને આબેહૂબ સ્ટેજ પર લાવવાના પ્રયાસો રૂપી સેટ, આભૂષણો, કોશ્ચ્યુમ વગેરે આપને નાટકના પ્રેમમાં પાડી દેશે. નાટક આપને ગીરના સાવ જ ભોળા પાત્રોની સરળતા વડે હસાવશે, આણામાં મળેલી ગીરવણ ગાયને સિંહ ફાડી ખાશે તો લેવાતા છાજિયાં વડે રડાવી મુકશે , સિંહના હમણાંના સીન વખતે ચિંતા કરાવી મુકશે અને નાટકનું સ્ત્રીપાત્ર, પુરુષપાત્રને ‘ખીજાતું કે ખિજાવતું' હોય ત્યારે પત્નીની યાદ પણ અપાવશે.
નાટકના એક પ્રસંગની વાત કરીએ તો ઇથોપિયાથી ગીરમાં પીએચડી કરવા આવેલી એક સ્કોલર ડોરોથી અને નોકરીના નાતે એની સાથે આખો દિવસ રહેવા બંધાયેલો આપણો ગીરનો ધાનુ. બંને વચ્ચે આખા દિવસમાં ઘણી વાતું થાય પણ ડોરોથીના તમામ પ્રશ્નોના ૨ જ શબ્દોમાં જવાબ મળે કાં તો પ્રોબ્લેમને કાં તો નો પરોબ્લેમ!ને એમાંયે ડોરોથીને ઠંડી લાગે તો પણ ધાનુ એને કાળી કામળી ઓઢવાના આપે, કોઈ સાવજ સામો પડે તો આ હેડંબા જેવીને કાળું જાનવર સમજીને હુમલો જ કરે સીધો એવું માની ને! શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત અકૂપાર નવલકથા માં અને તેના નાટ્ય મંચન માં ગીરની ગરિમા વર્ણવવાની સાથે આવા કેટલાયે હાસ્ય સભર ઘટનાઓ અને સંવાદો છે.
તો અન્ય પ્રસંગોમાં માલધારીઓ અને ગીર પ્રત્યેનો તેમનો પ્રેમ , તેમની રહેણીકરણી , રિવાજો , તેમની દિમાગ થી નહિ દિલ થી થતી વાતો તમને હસાવે પણ ખરા અને તુરંત જ રડાવે પણ ખરા! જે આપણા શહેરીજનો માટે હમ્બગ છે તે ખરેખર તેમના માટે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. જેમ કે બે ડુંગરાઓના લગન તો આપણે ક્યારેય વિચાર્યા પણ ના હોય! પણ આ માલધારીઓ જેટલા પ્રકૃતિ પ્રેમી છે, એટલા જ સહજ છે પોતાનો અવાજ ઉઠાવવામાં જયારે તેમની વ્હાલી ગીર પર કોઈ આંચ આવે !
એક અજાણ્યો બહારનો માણસ ગીરમાં પૃથ્વીના મહાભુતોની અલૌકિકતા ચીતરવા આવે છે ને પછી ધીરે ધીરે ખુલે છે ગીરની એવી વાતો, રિવાજો, અનુભૂતિઓ કે એ ચિત્રકારને લઇ જાય છે એના જ આંતરિક વિશ્વ સુધી - એની આત્મા સુધી. નાટકની નટખટ સ્ત્રી પાત્ર
સાંસાઈ જેને સખી કે જણી સંબોધન કરે એ સિંહણ સાથે એનો પારિવારિક સગા જેવો વ્યવહાર, ગીરની સંસ્કૃતિ જોઈ, ડુંગરા, કંદરાને કેડીઓ ખૂંદતા ખૂંદતા ચિત્રકાર જીવનની કેડીએ ભીતરના રસ્તે એના આત્મા સુધી પહોંચે છે. આ નાટક ખરેખર ચૂકવા જેવું નથી. શો શાર્પ ૯:૩૦ વાગ્યે શરુ થઇ જશે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગમાં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા , દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત અકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે, લિટ્ટલ એંજલ ડાયપર, એપલ બેસન , એમજેઆર જ્વેલ્સ, સેલસ હોસ્પિટલ, આટોમાઇઝ સ્પાઇસીસ, પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ, સરાઝા હોટેલ, આદેશ કેબ અને અવર રાજકોટનો સહકાર સાંપડ્યો છે.
(10:07 AM IST)










