<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સરધાર નજીકથી કારમાં રાજકોટના જગદીશ અને વિજયસિંહ ૪.૧૦ લાખના એમડી ડ્રગ્‍સ સાથે ઝડપાયા

અગાઉ દારૂના ચાર ગુનામાં સામેલ જગદીશે હવે માદક પદાર્થની હેરાફેરી ચાલુ કરીઃ વિજયસિંહની ગાડી લઇ બંને રાજસ્‍થાનથી એમડી લાવ્‍યાઃ વેંચે એ પહેલા પકડાઇ ગયા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએઅસાઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ ઇન્‍દ્રજીતસિંહ જાડેજા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી

રાજકોટ તા. ૪: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના સરધાર નજીકથી ક્રેટા કારમાં રાજકોટના બે શખ્‍સને રૂા. ૪,૧૦,૦૦૦ના એમડી ડ્રગ્‍સ સાથે દબોચી લીધા છે. અગાઉ દારૂના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો આજી વસાહતનો શખ્‍સ હવે કમાણી કરવા ડ્રગ્‍સની હેરાફેરીના રવાડે ચડયો હોઇ અને તે એક કારમાં અન્‍ય એક શખ્‍સ સાથે સરધાર તરફથી માદક પદાર્થ સાથે આવી રહ્યાની બાતમી પરથી બંનેને આંતરી લેવાયા હતાં.

શહેર એસઓજીની ટીમ ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ હેઠળ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા અને આવા કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા તથા એએઅસાઇ ફિરોઝભાઇ રાઠોડને બાતમી મળી હતી કે સફેદ રંગની એક ક્રેટા કાર સરધાર તરફથી રાજકોટ તરફ આવી રહી છે અને તેમાં બે શખ્‍સ પાસે માદક પદાર્થ છે. આ બાતમી પરથી વોચ રાખી મોડી કારને આંતરી લેવામાં આવી હતી.

તેમાં બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં એકે પોતાનું નામ જગદીશ ભુપતભાઇ ભોજક (ઉ.વ.૨૫-રહે. ખોડીયારનગર-૩૩, આજી વસાહત) અને બીજાએ વિજયસિંહ મોહનસિંહ વાઘેલા (ઉ.વ.૨૪-રહે. રેલનગર આસ્‍થા ચોક પાસે નિલકંઠ પાર્ક-૩) જણાવ્‍યા હતાં. પોલીસે તલાશી લેતાં રૂા. ૪,૧૦,૦૦૦નું ૪૧ ગ્રામ એમડી ડ્રગ્‍સ મળતાં બંને સામે એનડીપીએસ એક્‍ટ હેઠળ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવી ધરપકડ કરી લેવાઇ હતી.

આ શખ્‍સો પાસેથી ડ્રગ્‍સ તેમજ બે મોબાઇલ ફોન, રોકડા રૂા. ૧૦૬૪૦, ૧૦ લાખની કાર અને ડેબીટ કાર્ડ મળી રૂા. ૧૪,૩૦,૬૪૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. આ પદાર્થ એમડી ડ્રગ્‍સ છે તેનું પ્રાથમિક પરિક્ષણ એફએસઅલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ જગદીશ ભોજક અગાઉ થોરાળા, ગાંધીગ્રામ, તાલુકા પોલીસમાં દારૂના ૪ ગુનામાં પકડાઇ ચુક્‍યો છે. જ્‍યારે વિજયસિંહ તાલુકા, આજીડેમ પોલીસમાં ઠગાઇ, જૂગાર સહિતના ત્રણ ગુનામાં પકડાઇ ચુક્‍યો છે. જગદીશ રાજસ્‍થાના જોધપુર તરફથી આ ડ્રગ્‍સ લાવ્‍યાનું અને વિજયસિંહને તેની કાર લઇ સાથે આવવા કહેતાં તે સાથે ગયાનું રટણ બંનેએ કર્યુ હતું. જગદીશ આ ડ્રગ્‍સ પોતે જ વેંચવા લાવ્‍યો હોવાનું રટણ કરે છે. તે કોને કોને આપતો? ખરેખર ડ્રગ્‍સ ક્‍યાંથી લાવ્‍યો? તેની વધુ તપાસ માટે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએઅસાઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા, મહિલા કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા.કોન્‍સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

અગાઉ પણ બે ત્રણ ખેપ મારી હોવાની શક્‍યતાઃ એક નામચીનની

સંડોવણી અંગે તપાસ

ઞ્જએસઓજીની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જગદીશ માદક પદાર્થની હેરાફેરીનો મુખ્‍ય સુત્રધાર છે, તે અગાઉ પણ બે ત્રણ ખેપ મારી આવ્‍યો હોવાની શક્‍યતા છે. તેમજ આવા ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા અને હાલ જેલમાં રહેલા એક નામચીનની સાથે આ શખ્‍સ કનેક્‍શન ધરાવતો હોવાની પણ શક્‍યતા અંગે તપાસ થઇ રહી છે. તેમ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાએ જણાવ્‍યું હતું.

(2:24 PM IST)