<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રાજકોટથી સિદસર સુધીની પદયાત્રાનું પ્રસ્‍થાનઃ ૯૦૦ પદયાત્રીકો જોડાયા

શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્રારા સતત ૨૬ મી પદયાત્રાનું પ્રસ્‍થાન કરાવતા સાંસદ પરસોતમભાઈ રૂપાલા :મા ઉમિયાના જયઘોષ ભજન કિર્તન સાથે પદયાત્રીકોનો સંઘ રવાનાઃ શનિવારે ઉમિયાધામ સિદસર પહોંચશેઃ સિદસરમાં ભાદરવી પૂનમે શ્રી ૧ા શતાબ્‍દી વર્ષની પૂર્ણાહુતી ઉત્‍સવઃ ભાવીકોનો પ્રવાહ ઉમટશે

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના પ્રાગટ્‍યના ૧૨૬ વર્ષની પૂર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું પ્રસ્‍થાન આજે વહેલી સવારેસાંસદ પરસોતમભાઈ રૂપાલા દ્વારા સંસ્‍થાની ઓફિસ થી થયું જેમાં ૯૦૦ જેટલા પદયાત્રિકો જોડાયા હતા.

શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રાનું  સંસ્‍થાની ઓફિસ અંકુર ર્કોમશીયલ સેન્‍ટર ગોંડલ રોડ થી સવારે ૪ કલાકે મા ઉમીયા ના જયઘોષ સાથે દબદબાભેર પસ્‍થાન થયું. આ પદયાત્રા પ્રસ્‍થાન માં પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓના અગ્રણીઓ ઉમિયાધામના ટ્રસ્‍ટી વિરલભાઈ થોરીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જયોતીબેન ટીલવા, ભાવનાબેન રાજપરા, પદયાત્રીક ટ્રસ્‍ટના પ્રમુખ વિનુભાઈ મણવર ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્‍દ્રભાઈ ઉકાણી, સહ મંત્રી જેન્‍તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્‍ટી રાજુભાઈ ત્રાંબડીયા, કાંતીભાઈ કનેરીયા સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.ે

રાજકોટથી પદયાત્રિકોનો સંઘ માં ઉમિયાના જયઘોષ સાથે સિદસર જવા રવાના થયો રાજકોટથી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર જતાં પદયાત્રિકો પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ થઇ વેરાવળ (શાપર) પહોંચશે. શાપર વેરાવળ ખાતે પદયાત્રીકો ચા-નાસ્‍તા કરી રીબડા, થઇ દાળેશ્વર મહાદેવના મંદીરે બપોરની પ્રસાદી લઈ વિરામ લીધો. બપોરે રઃ૩૦ કલાકે ત્‍યાથી પ્રસ્‍થાન કરી વાળધરી કોલીથડ, ગરનાળા મુકામે રાત્રીની પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે. તા.૦૫-૯ ને શુક્રવારે ગરનાળા મુકામથી પ્રસ્‍થાન કરી ત્રાકુડા ખોડીયાર મંદિર ખાતે ચા -નાસ્‍તો કરી ઉમરાળી ધોળીધાર થઇ જામ કંડોરણા તીરૂપતી જીનીંગ મીલ ખાતે બપોરની પ્રસાદી લેશે. બપોર બાદ ૨:૩૦ કલાકે તીરૂપતી જીનીંગ મીલ થી પ્રસ્‍થાન કરી જશાપર નાગબાઇની ધાર થઇ ખજુરડા, જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદ રાત્રી રોકાણ કરશે. તા. ૦૬-૯ ને શનિવારના રોજ સવારે પ કલાકે જામટીંબડી મુકામે ચા લઇ પ્રસ્‍થાન કરી સાજડીયાળી મુકામે ચા-નાસ્‍તો લઇ અરણી થઇને ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ આરામ કરાશે. બપોરના ૧૨ કલાકે પ્રસ્‍થાન કરી ખારચીયા, મોટી પાનેલી થઇને સિદસર મુકામે પહોચશે. જયા શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઇ ને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે.

 આ પદયાત્રાને સફળ બનાવવા કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ બરોચીયા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.(૩૮.૨૮)

(2:29 PM IST)