તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મોચીબજારમાં સફાઇ કામદારના ઘરમાંથી સગાના છોકરાએ જ કરી'તી ચોરીઃ ૩.૨૧ લાખના દાગીના સાથે પકડાયો
રવિભાઇ વાઘેલા માસીનું અવસાન થતાં માતા સાથે ભાવનગર ગયા હોઇ સગીરે ઘર રેઢુ હોવાનું જાણી ભાવનગરથી રાજકોટ આવી હાથફેરો કરી લીધો હતોઃ પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, એએસઆઇ બી. વી. ગોહિલની ટીમની કાર્યવાહીઃ કનુભાઇ, સાગરભાઇ, કરણભાઇ, ધર્મેશભાઇની બાતમી

રાજકોટ તા. ૪: મોચી બજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં સફાઇ કામદારના ઘરમાં ગયા મહિને થયેલી ૩,૨૧,૦૦૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખ્યો છે. તેના સગાના સગીર વયના દિકરાએ જ આ ચોરી કર્યાનું ખુલતાં પોલીસે તેને ડિટેઇન કરી દાગીના કબ્જે કર્યા છે. સફાઇ કામદાર યુવાન ભાવનગર તેમના માસીનું અવસાન થયું હોઇ માતાને લઇને ત્યાં ગયા ત્યારે રેઢા ઘરમાં ચોરી થઇ હતી. સગીર આરોપી ભાવનગરથી અહિ આવી હાથફેરો કરી ગયો હતો.
આ અંગે એ-ડિવીઝન પોલીસે આ ગુનો ઉકેલી ભાવનગર રહેતાં સગીરને સકંજામાં લઇ ચોરીમાં ગયેલા તમામ રૂા. ૩,૨૧,૦૦૦ના દાગીના કબ્જે કર્યા છે. મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં અને આરએમસીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રવિભાઇ પરષોત્તમભાઇ વાઘેલા (ઉ.વ.૩૨)ની ફરિયાદ નોંધી હતી. રવિભાઇએ જણાવ્યું હતું કે ૧૫ ઓગષ્ટના બપોરે બે વાગ્યે હું અને મારા માતા હંસાબેન ભાવનગર મારા માસી બિમાર હોઇ તેની ખબર પુછવા ગયા હતાં. દરમિયાન ૧૮મીએ માસીનું અવસાન થતાં તેમના કારજની વ્ધિી માટે અમે ભાવનગર રોકાઇ ગયા હતાં. ૨૪/૮ના સાંજે મારા કાકાના દિકરા સાગરભાઇ વાઘેલાએ ફોન કરી કહ્યું હતું કે તમારા ઘરનો દરવાજાનો લોક તૂટેલો છે અને સામાન વેરવિખેર પડયો છે. આ પછી તેણે બીજુ તાળુ મારી દીધુ હતું. ૨૫મીએ હું અને મારા માતા પરત ઘરે આવ્યા હતાં.
ઘરમાં તપાસ કરતાં કબાટ, તિજોરીમાં બધુ વેરવિખેર પડેલુ જોવા મળ્યું હતું. તિજોરીમાં સ્ટીલના ડબ્બામાં રાખેલા મારા માતાના સોના-ચાંદીના દાગીના જેમાં બે ચેઇન ૫૦ હજાર અને ૬૫ હજારના, સોનાની બુટી ૩૫ હજારની, ચાંદીના સાંકળા ૨૨ હજારના, ચાંદીની વીટી ૨૨૦૦ની મળી કુલ ૩,૨૧,૨૦૦ના દાગીના ગાયબ હતાં. ફરી અમે માસીની પાંચમની વિધી માટે ભાવનગર ગયા હતાં. જેથી ફરિયાદ નોંધાવી શક્યતા નહોતાં. હવે પરત આવીને પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં રવિભાઇએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં લાભુભાઇ જતાપરાએ ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન ડી. સ્ટાફના કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ ખાંડખાને બાતમી મળતાં આ ગુનો ઉકેલાયો હતો. સગીરને ચોરાઉ દાગીના સાથે મોચી બજાર જુની કોર્ટ નજીકથી સકંજામાં લીધો હતો. પુછતાછમાં યોગ્ય જવાબ ન આપતો હોઇ યુક્તિ પ્રયુક્તિથી પુછતાછ કરતાં તેણે પોતાના જ સગાના ઘરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇ વાનરીયા, કનુભાઇ બસીયા અને કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી. અગાઉ પણ આ સગીરે નાની એવી ચોરી અહિ કરી હતી. પણ જે તે વખતે ફરિયાદ નોંધાવાઇ નહોતી. તેમ પોલીસ સુત્રોએ કહ્યું હતું. (૧૪.૯)
(3:46 PM IST)










