તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 4th September 2025
માતાએ તેડેલા ૧૦ વર્ષના બાળકના હાથમાંથી સોનાની કડલીની ચિલઝડપ કરી ગઠીયો ‘છૂ'!
સામા કાંઠે ‘ચંપકનગર કા રાજા ગણેશ પંડાલ'માંથી દર્શન કરીને નીકળ્યા ત્યારે બનાવ સિલ્વર નેસ્ટના અવધ મકવાણા પત્નિ પુત્રને લઇ દર્શન કરવા ગયા હતાં: ચાલીને વાહન પાર્ક કર્યુ હતું તે તરફ જતાં હતાં ત્યારે બનાવઃ બંનેએ પીછો કર્યો પણ ગિરદીનો લાભ લઇ ભાગી ગયોઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૪: શહેરમાં ચિલઝડપનો વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં સામા કાંઠે એક દંપતિ તેના દસ મહિનાના દિકરાને લઇ ચંપકનગર કા રાજા ગણેશ પંડાલ ખાતે દર્શન કરવા ગયા હોઇ દર્શન કરી નજીકની શેરીમાં પાર્ક કરેલા વાહન તરફ પગપાળા જતાં હતાં ત્યારે એક શખ્સ ચાલીને આવ્યો હતો અને બાળકના હાથમાં પહેરેલી દસ ગ્રામની સોનાની કડલી ખેંચી ભાગી ગયો હતો. પતિ-પત્નિને આ શખ્સનો પીછો કર્યો હતો પણ તે હાથમાં આવ્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભાવનગર રોડ આરએમસી ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી-૩ના ખુણે ગાત્રાળ કૃપા ખાતે રહેતાં અને કેબલ કનેક્શનનનો ધંધો કરતાં અવધભાઇ શ્યામભાઇ મકવાણા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અવધભાઇએ જણાવ્યું છે કે તા. ૧/૯ના રાતે દસેક વાગ્યે હું અને મારા પત્નિ પાયલ અમારા ૧૦ મહિનાના દિકરા પાલવને લઇને પેડક રોડ ચંપકનગર કા રાજા ગણેશ પંડાલ ખાતે દર્શન કરવા ગયા હતાં.
દર્શન કર્યા બાદ એકાદ કલાક પછી અગીયારેક વાગ્યે અમે પરત ઘરે જવા નીકળ્યા હતાં. પંડાલ નજીક અમે અમારુ વાહન પાર્ક કર્યુ હોઇ ત્યાં જવા માટે અમે જાગૃત હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતાં. આ વખતે મારા દિકરાને મારી પત્નિને તેડી રાખ્યો હતો. આ દરમિયાન પાછળથી એક અજાણ્યો છોકરો આવ્યો હતો અને મારા દિકરાના હાથમાં પહેરેલી રૂા. ૮૦ હજારની કિંમતની સોનાની કડલી ખેંચી કાઢી દોટ મુકી ભાગ્યો હતો. આથી મેં અને મારા પત્નિએ બુમાબુમ કરી તેનો પીછો કર્યો હતો. પરંતુ તે ભીડનો લાભ લઇ ભાગી ગયો હતો. આ શખ્સ મજબૂત બાંધાનો હતો. અમે અમારી રીતે આ છોકરાની શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો નહોતો. બાદમાં અમારે સામાજીક પ્રસંગ હોઇ ફરિયાદ નોંધાવી નહોતી. પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.
આ બનાવ અંગે બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માતાએ તેડેલા દસ મહિનાના બાળકના હાથમાંથી સોનાની કડલીની ચિલઝડપના આ બનાવથી સામા કાંઠે ચર્ચા જાગી છે.
(3:51 PM IST)










