<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

શુક્રવાર સાથે થઇ જતા ૧પ૦૦મો મીલાદોત્‍સવ યાદગાર બની ગયો

ઇસ્‍લામ ધર્મના અંતિમ પૈગમ્‍બર સાહેબની ઉજવાતી જન્‍મ જયંતિઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર નિકળેલા જુલૂસ : આખો દિ' ધમધમાટ રહ્યોઃ રાજમાર્ગો ગૂંજી ઉઠયાઃ પરોઢીયે મીલાદ પછી સલામી પઠનથી મસ્‍જીદો ગૂંજી ઉઠી

રાજકોટ શહેરમાં આજે સવારે ઇદે મીલાદ નિમિતે વિશાળ જુલૂસ નિકળ્‍યું હતું. જોકે સવારે ૮ વાગ્‍યાના બદલે લતેલતેથી જુલૂસોનો પ્રારંભ મોડો થયો હતો બીજી તરફ આજે શુક્રવાર હોઇ બપોરે ૧થી૨ વાગ્‍યા સુધી વિશેષ નમાઝ રહેતી હોય જેના લીધે જુલૂસને કેટલાક સ્‍થળે રોકી દેવાયેલ તો અમૂક વિસ્‍તારોમાંથી શુક્રવારની નમાઝ પછી પણ જુલૂસ નિકળેલ હતા એકંદરે જુલૂસનો ધમધમાટ આખો દિ' રહેલ અને સાંજે સમાપ્‍ત થયેલ આ જુલૂસની વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૩.૧૩)

(ફારૂખ દ્વારા) રાજકોટ, તા. પ :  ઇસ્‍લામ ધર્મના મહાન પૈગમ્‍બર સાહેબની પૂનિત યાદમાં દર વર્ષ ઇદે મીલાદના સ્‍વરૂપમાં તેઓનો જન્‍મોત્‍સવ વિશ્વભરમાં પરંપરાગત રીતે ઉજવાઇ રહ્યો છે તેમાં પણ આ વખતે હિજરીસન  મુજબ આ ૧પ૦૦ મો જન્‍મોત્‍સવ હોઇ અને જોગાનુજોગ અનેરૂ મહત્‍વ ધરાવતા શુક્રવારનો દિવસ આજે સાથે થઇ જતા મીલાદોત્‍સવનો ઉતસાહ બેવડાઇ જવા પામ્‍યો છે.

શુક્રવારનો દિવસ મુસ્‍લિમ સમાજમાં સાપ્તાહિક દિન તરીકે ગણવામાં આવે છે. રાજકોટ શહેરમાં નીકળેલ જુલુસ સાંજના સમયે પૂર્ણ થઇ જશે.

બીજી તરફ આ વખતે ૧પ૦૦ મો મીલાદોત્‍સવ હતો. જે માટે સર્વત્ર વિશેષ ઉજવણી થઇ રહી છે.  તેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શુક્રવાર સાથે થઇ જતા આજનો મીલાદોત્‍સવ યાદગાર બની રહ્યો છે.

ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર જગદુધ્‍ધારક હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ આજે મુસિલમ સમાજ દ્વારા ‘‘ઈદે મીલાદ''ના સ્‍વરૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.

ઈસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઈદ ગણાતી હોઈ તેની વિશેષતા મુજબ આજે રાજકોટ શહેરમાં પરંપરાગત ભવ્‍ય જુલૂસ નિકળ્‍યું હતું જેના લીધે ‘‘પૈગમ્‍બર જયંતિ અમર રહા''ે ના નાદથી રાજકોટ શહેર ગુંજી ઉઠયું હતું.

જો કે સવારે ૮-૩૦ વાગ્‍યે તમામ મુસ્‍લિમ વિસ્‍તારોમાંથી જુલૂસ પ્રસ્‍થાન થવાનો સમય હતો પણ અનેક વિસ્‍તારોમાંથી આ જુલૂસો સવારે ૯ વાગ્‍યા પછી પ્રસ્‍થાન થવા પામ્‍યા હતા અને તેમાં નાના-મોટા વાહનો સામેલ થઈ તેમાં સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ દ્વારા સતત પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાતા કસીદાઓ રજૂ થતા ચોતરફ એક જ નાદ સંભળાતો હતો.

બીજી તરફ આ તમામ નાના નાના જુલૂસો રૂટ મુજબ ચાલી ત્રિકોણ બાગ ચોક ખાતે એકત્ર થઈ ગયા હતા જયારે જુલૂસના રૂટ ઉપર અનેક સંસ્‍થાઓ દ્વારા સબિલ-રચી તેના દ્વારા સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ ચાલુ રખાતા રાજકોટ શહેરના રાજમાર્ગો અને બજારો ગુંજતી રહી હતી તો બીજી  તરફ સબિલો દ્વારા ખાદ્ય સામગ્રીનું હિન્‍દુ-મુસ્‍લિમના ભેદભાવ વિના ભરપૂર ઠેરઠેર વિતરણ કરાતા લોકોને મોજ પડી ગઈ હતી.

આ જુલૂસો ત્રિકોણ બાગ ચોકમાં એકત્ર થઈ રૂટ મુજબ આગળ વધી બપોરે કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીરની દરગાહે પહોંચી જતા ત્‍યાં સમાપન થયું હતું અને રાબેતા મુજબ રાજકોટમાં મુસ્‍લિમ સમાજ દ્વારા ઈદે મીલાદની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આજે સર્વત્ર પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્‍યારે આ પર્વમાં વિશેષરૂપેઈદના જુલુસ નિકળે છે. રાજકોટમાં ઈદનો દિવસ હોઈ મુસ્‍લીમ વિસ્‍તારોમાં શણગાર કરવાની સાથે સાથે નિયાઝના કાર્યક્રમો યોજાયા હોઈ અને વિવિધ ફલોટસ બનાવી નાઁત શરીફનું સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ દ્વારા પઠન થઈ રહયું હોઈ મીલાદોત્‍સવ તમામ સ્‍થળોએ જોવા મળ્‍યો છે.

યૌમુન્નબી કમીટીની એક યાદીમાં જણાવ્‍યા મુજબ જેમણે સમગ્ર વિશ્વને શાંતિ, એકતા, ભાઈચારાની ભાવનાનો સંદેશો આપ્‍યો તે શાંતિદુત ઈસ્‍લામ ધર્મના મહાન પૈયગમ્‍બર સાહેબના ઈદ-એ મિલાદને દુનિયાભરના મુસ્‍લીમો શ્રધ્‍ધાપુર્વક ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી ભાઈચારાની ભાવનાથી કરવામાં આવી છે. રામનાથપરા ગરૂડ ચોક અને સદર વિસ્‍તારમાંથી એમ બે મુખ્‍ય જુલુસો. આ ઉપરાંત અન્‍ય વિસ્‍તારના નાના-નાના જુલુસો શહેરના ત્રિકોણબાગ ખાતે એકઠો થઇ મુખ્‍ય વિશાળ જુલુસ સાથે ઢેબર ચોક વન-વે નાગરીકે બેંક ચોક, ખટારા સ્‍ટેન્‍ડ, હોસ્‍પીટલ ચોક થઈ સલાતો સલામ સાથે કૌમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાપીર દરગાહ ખાતે સમાપન થનાર. આ જુલુસમાં અંદાજે ૨ લાખ જેટલા હિન્‍દુ-મુસ્‍લીમ બિરાદરો, એકાદ હજાર જેટલા નાના મોટા વાહનો સાથે જોડાયા છે.

ભગવતીપરા, ગંજીવાડા,  માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વિગેરે વિસ્‍તારનું જુલુસ રામનાથપરા ગરૂડ ચોક ત્‍યાંથી કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્‍દ્રરોડ, બાપુના બાવલા પાસે થઈ ઢેબર ચોક પહોંચશે. જયાંથી સદર વિસ્‍તાર નારૈયા ગામ નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, ભીસ્‍તીવાડ, પોપટંપરા, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર વિસ્‍તાર, રૂખડીયા કોલોની વગેરે વિસ્‍તારના જુલુસ ફુલછાબ ચોકમાં ભેગાથઈને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસ.બી.એસ. ચોકથીત્રિકોણબાગ થઇને શહેરીવિસ્‍તારના જુલુસમાં સામેલ થઈ ઢેબર રોડ વન-વે નાગરીક બેંક ચોક, હોસ્‍પીટલ ચોક થઈને હઝરત ગૈબનશા પીરની દરગાહ ખાતે સલાતો સલામ સાથે જોડાયો.

શહેરમાં જુલુસ દરમ્‍યાન વિવિધ સ્‍થળોએ હિન્‍દુ-મુસ્‍લીમ સંસ્‍થાઓ દ્વારા જુલુસનું શાનદાર સ્‍વાગત પણ થઈ રહ્યું છે. જુલુસમાં મુસ્‍લીમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઉત્‍સાહભેર જુલુસમાંજોડાઇને હુઝુરની આન-બાન અને શાનમાં વધારો કરેલ છે.

ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબની હિજરી સન મુજબ ૧પ૦૦ મી  જન્‍મજયંતી ઈદે મીલાદ ના સ્‍વરૂપમાં મુસ્‍લીમ સમાજ દ્વારા આજે ઉજવવામાં આવી રહી છે.

ખાસ કરીને આ પર્વ પૈગમ્‍બર સાહેબનો જન્‍મોત્‍સવ હોય સમગ્ર વિશ્વમાં મુસ્‍લીમ સમાજ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય જુલુસ કાઢી પેગમ્‍બર સાહેબનાગુણગાન ગાવામાં આવે છે. જુનાગઢ, ધોરાજી, મોરબી, સુરેન્‍દ્રનગર, પોરબંદર, વાંકાનેર સહીતના અનેકશહોરોમાં કેન્‍દ્રીય જુલુસ નીકળ્‍યા હતા આમ આજે ફરી એકવાર ઇંદેમીલાદ સંપન્ન થવા પામી છે.

જો કે પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવના વધામણા રૂપે પરોઢીયે ૫-૨૦ વાગ્‍યે સૌરાષ્‍ટ્ર કચ્‍છની તમામ મસ્‍જીદોમાં સલામી પઢવામાં આવી હતી. આ પુર્વે કેટલીક મસ્‍જીદોમાં ચાર વાગ્‍યાથી મોલાદ શરીફ પઢવામાં આવી હતી જેના લીધે વહેલી સવારે મસ્‍જીદો સલામીથી ગુંજી ઉઠી હતી.

જે વખતે મુસ્‍લીમ સમાજ મોટી માત્રામાં મસ્‍જીદોમાં ઉમટી પડયો હતો. ગઇ રાતથી અને આજે આખો દિવસ મુસ્‍લીમ વિસ્‍તારો પૈગમ્‍બર જયંતીના નોદ સાથે ગુંજતા રહ્યા હતા.લગભગ મુસ્‍લીમ વિસ્‍તારોમાં જાહેર માં કેક કાપીને વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રી ભર ઇબાદ તો ચાલુ રાખી દેશ અને દેશવાસીઓની સુખ અને સમળધિ ખાતર દુઆઓ માંગવામાં આવી છે.

પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતી દર વર્ષે ઈદે મીલાદના સ્‍વરૂપમાં  દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧૨ મી તારીખે ઉજવાય છે.

જો કે છેલ્લા ૧૨ દિ'થી દરરોજ રાત્રીથી ઇદેમિલાદનો ઉત્‍સાહ ચોતરફ ફેલાઈ જવા પામ્‍યો અને ગામે ગામ લતે લતે ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા હતા જેની ગત રાત્રીના પૂણાહુતી થઈ છે.ઈદે મિલાદનો દિવસ વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવી પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવી રહયો છે. ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં સવારે ૬.૩૦ વાગ્‍યે મીઠાઈ નિયાઝ વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત ઈદે મીલાદએ મુસ્‍લીમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની શણગાર કરવામાં આવ્‍યો મસ્‍જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્‍યા અને ચોતરફ રંગબેરંગી ઝંડા લહેરાવવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત દરેક મસ્‍જીદોમાં પૈગમ્‍બર સાહેબના પવિત્ર બાલ મુબારકના પવિત્ર દર્શન કરાવવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્રભરમાં કયાંક  સવારે જુલુસ નિકળ્‍યા છે તો કયાંક આજે બપોરે જુલુસ નિકળનાર છે જે સાંજે સંપન્ન થશે.  (૫-૭)

(2:44 PM IST)